Abtak Media Google News

રાજકોટ જિલ્લા પંચાયતના સર્વાંગી વિકાસની નેમ સાથે સત્તારૂઢ થયેલા જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના વિવિધ યોજનાકીય કામોની સંબંધિત વિભાગોમાંથી કરવામાં આવેલી દરખાસ્તો તાત્કાલિક ધોરણે મંજુર કરવામાં આવે અને જિલ્લાના વિકાસના કામોને વેગ મળે તે માટે તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની મુલાકાત લઇ વિવિધ રજૂઆતો કરી હતી.

રાજકોટ જિલ્લા પંચાયતનું જુનુ બિલ્ડિંગ આધુનિક સુવિધાપૂર્ણ બનાવવા, કુવાડવા ગામે નવુ બસ સ્ટેન્ડ બનાવવા સહિતના મુદ્દે જિ.પં.પ્રમુખ ભુપત બોદર અને જિલ્લાની ટીમ દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત

આ અંગેની માહિતી આપતા જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા વિવિધ યોજનાકીય કામોના સંદર્ભે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં ઠરાવો કરીને સંબંધિત વિભાગોમાં દરખાસ્ત કરવામાં આવી છે. આવી દરેક દરખાસ્તોને અગ્રીમતાના ધોરણે ધ્યાને લઇ મંજુર કરવા રજૂઆત કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં પાછલા વર્ષોમાં વિવિધ યોજનાઓ અને સરકાર હસ્તકના વિવિધ વિભાગો દ્વારા બનાવવામાં આવેલા ઘણા બધા ચેકડેમોની હાલત અત્યારે ખૂબ જ ખરાબ થઇ ગઇ છે અને તેનું સમારકામ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. પરંતુ વિવિધ વિભાગો દ્વારા બનાવવાના આવેલા આવા ચેકડેમોની માલિકી કોની છે એ નક્કી થઇ શકતું ન હોવાના કારણે તેનું રીપેરીંગ થઇ શકતું નથી અને આ કારણ માત્રથી આ ચેકડેમોનું રીપેરીંગ કરવામાં વિલંબ ન થાય તેમજ ખેડૂતોને સિંચાઇ થાય, ખેડૂતોને પાણીના લાભ મળી રહે. ચેકડેમ હેઠળના ગ્રામ્ય વિસ્તારોનું જળસ્તર ઉંચુ આવે તેમજ ખેડૂતોને સિંચાઇ સહિતના લાભો મળી રહે તેવા ઉમદા આશયથી જે તે વર્ષમાં માલિકી નક્કી ન થતી હોઇ તેવા ચેકડેમ રીપેરીંગ કરવા માટે જિલ્લા પંચાયત સ્વભંડોળ તથા સરકારની અન્ય ગ્રાન્ટમાંથી ખર્ચ કરવા મંજૂરી આપવા રજૂઆત કરવામાં આવી છે.

 

આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનો દ્વારા મકાન, વાડા તથા ઢાળીયા બતાવીને વર્ષોથી દબાણો થયેલા છે. આવા ગેરકાયદેસરના દબાણો કરી રહેવાવાળાને કોઇ લાભ મળતો નથી તેમજ સરકારને ગામતળના પ્લોટની લીઝની આવક પણ થતી નથી. જે રીતે સરકાર દ્વારા શહેરી વિસ્તારના સૂચિત અને ગેરકાયદેસર વધારાના બાંધકામોને ઇમ્પેક્ટ ફી વસૂલી રેગ્યુલરાઇઝ કરી આપવામાં આવે છે તેવી જ રીતે ગામતળને દબાણકર્તા પાસેથી બજાર ભાવે રકમ વસૂલી કાયદેસર કરી  આપવામાં આવવા જોઇએ જેથી સરકારને મહેસુલ તથા જંત્રીની આવક થઇ તેમજ દબાણકર્તાઓને પ્લોટ/મકાન કાયદેસર થવાથી લોન તથા સહાય મેળવવી પણ આસાન બની શકે છે.

ગ્રામજનો દ્વારા સરકારી ખરાબાઓમાં પણ દબાણો કરવામાં આવેલા હોય છે અને ગ્રામ પંચાયત તથા મામલતદારની કચેરી દ્વારા વારંવાર દબાણ હટાવવાની કાર્યવાહીઓ કરવી પડતી હોય છે જેમાં સમય અને નાણાંનું વ્યાપક નુકશાન સરકારને સહન કરવું પડતું હોય છે. વળી આવા દબાણો ઘણી વખત થોડા સમય પછી પાછા ઉભા પણ થઇ જતાં હોય સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા આ ખરાબાઓ ઉપર દબાણકર્તા દ્વારા કરવામાં આવેલા દબાણોની જમીનની નિયત મર્યાદા નક્કી કરીને બજાર ભાવે રકમ વસુલ કરી રેગ્યુલરાઇસ કરી આપવા પણ સબંધિત વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા વસુલવામાં આવતું ખેતીનું લોકલ ફંડ જેમાં સરકારને નજીવી આવક થતી હોય છે. જો સરકાર દ્વારા આ માંગણું માફ કરવામાં આવે તો ખેડૂતોની હીતમાં સરકારનું આ એક ઉત્તમ સરાહનીય પગલું ગણાશે અને ખેડૂતોનું આર્થિક ભારણ પણ ઘટશે.

રાજકોટ જિલ્લા પંચાયતનું બિલ્ડીંગ જે ખૂબ જ જૂનું છે તેને નવું ઇકો-ફ્રેંડલી આધુનિક સુવિધાપૂર્ણ બિલ્ડીંગ, વિશાળ પાર્કિંગ, લેબોરેટરી, બગીચા વગેરે સાથે 29.40 કરોડને ખર્ચે નવું બનાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત રાજકોટ શહેરની ભાગોળે આવેલા રાજકોટ તાલુકાના કુવાડવા ગામે નવું બસ સ્ટેન્ડ મંજુર કરવા ગુજરાત રાજ્યના વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુની રૂબરૂ મુલાકાત લઇ રજૂઆત કરેલ છે.

ઉપરોક્ત રજૂઆતો દરમ્યાન રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર સાથે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા, ચેરમેન મોહનભાઇ દાફડા, દંડક મુકેશભાઇ તોગડીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નસીત, લોધીકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, લોધીકા તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઇ કુગશીયા, ભાજપ આગેવાનો વજુભાઇ તાળા, મનોજભાઇ પટેલ વગેરે જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.