અમને પણ કોર્પોરેશનના સ્ટાફ અને વાહનોના ઉપયોગની છુટ આપો: રાજકોટ ‘આપ’ની વિચીત્ર માંગ

કોર્પોરેશનના કર્મચારીઓએ ભાજપની ઝંડી લગાવ્યાના વિરોધમાં ‘આપે’ આપ્યું આવેદન

કેન્દ્રીય મંત્રીઓની જન આશિર્વાદ યાત્રા સંદર્ભે શહેરભરમાં ભાજપ દ્વારા ઝંડીઓ લગાવી દેવામાં આવી છે. કોર્પોરેશનની દબાણ હટાવ શાખાનો સ્ટાફ ભાજપની ઝંડી લગાવતો ઝડપાયો હતો, આટલું જ નહીં સરકારી વાહનોનો પણ દૂરઉપયોગ થતો હોવાની ઘટના સામે આવી છે.

જેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા મ્યુનિ.કમિશનરને આવેદન આપી કસુરવારો સામે તાત્કાલીક અસરથી પગલા લેવામાં આવે અથવા આપની ઝંડી લગાવવા માટે પણ કોર્પોરેશનના સ્ટાફ અને વાહનની છુટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.આવેદનપત્રમાં આપના શહેર અધ્યક્ષ શિવલાલ પટેલે જણાવ્યું હતું કે, વોર્ડ નં.14માં જુની જેલ વિસ્તારમાં ભાજપના બેનરો અને ઝંડીઓ લગાવવામાં આવતી હતી ત્યારે આપના કાર્યકરે જ્યારે પુછાણ ર્ક્યું ત્યારે માલુમ પડ્યું કે, દબાણ હટાવ શાખાના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવતી હતી.

કોર્પોરેશનના સ્ટાફ ઉપરાંત વાહનોનો પણ ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કસુરવાર સામે પગલા લેવાની માંગણી કરવામાં આવી છે. અન્યથા આપની ઝંડી લગાવવા માટે પણ કોર્પોરેશનનો સ્ટાફ અને વાહનનો ઉપયોગ કરવા દેવામાં આવે તેવી વિચીત્ર માંગણી કરાઈ છે.