શેલ્ફ લાઇફને હંમેશાં ધ્યાનમાં રાખો.

life style |
life style |

ક્રેશાનો મૂડ સવારથી જ બગડેલો હતો. મમ્મીએ ક્રેશાના બગડેલા મૂડનું કારણ પૂછ્યું તો જવાબ મળ્યો કે કોલેજમાં ડાર્ક બ્રાઉન કલરની નેઇલ પોલિશ કરીને જવાનું પ્લાનિંગ કર્યું હતું પણ જ્યારે નેઇલ પોલિશનું ઢાંકણ ખોલ્યું અને બ્રશ બહાર કાઢીને જોયું તો નેઇલ પોલિશ વધારે પડતી ઘટ્ટ થઇ ગઇ હતી અને મસ્કરા લગાવવા ગઇ ત્યારે મસ્કરાનું લિક્વિડ સુકાઇ ગયું હતું. કોલેજમાં સરસ મજાનું તૈયાર થઇને જવાના પ્લાનિંગ પર પાણી ફરી વળ્યું હતું.

માત્ર ક્રેશા જ નહીં ઘણી મહિલાઓની ફરિયાદ રહેતી હોય છે કે બ્યુટી પ્રોડક્ટ્સ અમુક સમય બાદ ઘટ્ટ થઇ જાય છે, સુકાઇ જાય છે અથવા ગઠ્ઠા થઇ જાય છે. આ બધું થવા પાછળ એક્સપાયરી ડેટ જવાબદાર હોય છે. બ્યુટી પ્રોડક્ટના સંદર્ભમાં આ એક્સપાયરી ડેટને શેલ્ફ લાઇફ તરીકે ઓળખવામાં આવે છે.

કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સની શેલ્ફ લાઇફને લઇને હંમેશાં તકેદારી રાખવી જોઇએ. જો શેલ્ફ લાઇફ પૂરી થઇ ગયા બાદ એ કોસ્મેટિક્સ વાપરવામાં આવે તો ઇન્ફેક્શન થવાના ચાન્સ રહે છે. કેટલીક વાર એક્સપાયરી ડેટવાળા કોસ્મેટિક્સનો ઉપયોગ કરવાથી ગંભીર બીમારીઓનો સામનો કરવાનો વારો આવે છે.

કોસ્મેટિક્સ પ્રોડક્ટ પર હંમેશાં શેલ્ફ લાઇફ લખવામાં આવે છે. જો તમને શેલ્ફ લાઇફનો ખ્યાલ ન આવે તો દુકાનદારને પૂછો અને પ્રોડક્ટ પર નોંધી દો. હવે વાત કરીએ કોસ્મેટિક્સની શેલ્ફ લાઇફની તો મસ્કરાની શેલ્ફ લાઇફ ૩ કે ૪ મહિના જેટલી હોય છે. જો ત્યાર પછી મસ્કરા લગાવો અને આંખમાં તકલીફ થવા લાગે તો સત્વરે એ મસ્કરાનો નિકાલ કરો અને નવી લઇ આવો. પાઉડર બેઝ ફાઉન્ડેશન ૧૮ મહિના ચાલે છે જ્યારે લિક્વિડ બેઝ ફાઉન્ડેશનની શેલ્ફ લાઇફ ૬થી ૧૨ મહિના જેટલી હોય છે. પાઉડર કે સ્ટિક ફોર્મમાં રહેલા કન્સિલરની શેલ્ફ લાઇફ ૨ વર્ષ જેટલી હોય છે જ્યારે લિક્વિડની ૧ વર્ષ જેવી. ફેસ પાઉડર ૨ વર્ષ વાપરી શકાય છે. પાઉડર બ્લશ ૨ વર્ષ અને ક્રીમ બેઝ બ્લશ ૧ વર્ષ સારો રહે છે.

પાઉડર બેઝ આઇશેડોનો ૨ વર્ષ સુધી અને ક્રીમ બેઝ આઇશેડોનો ૩થી ૬ મહિના સુધી ઉપયોગ કરી શકાય છે. લિક્વિડ અથવા જેલ આઇલાઇનર ૩ મહિના અને પેન્સિલ આઇલાઇનર ૨ વર્ષ સારી રહે છે. લિપસ્ટિક ૧ વર્ષ સુધી સારી રહે છે. નેઇલ પોલિશ જ્યારે ઘટ્ટ થવા લાગે કે સુકાવા લાગે ત્યારે તે એક્સપાયર થઇ ગઇ છે તે સમજી જવું જોઇએ. માત્ર બ્યુટી પ્રોડક્ટ્સ જ નહીં પણ ટોઇલેટ્રીઝ એટલે કે હેર રિલેટેડ પ્રોડક્ટ્સ, બોડી રિલેટેડ પ્રોડક્ટ્સ, ડિયોડરન્ટ, એન્ટિ એજિંગ ક્રીમ, ફેસવોશ, ટૂથપેસ્ટ, મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન લોશન, લુફા અને બાથ સ્પોન્જમાં પણ શેલ્ફ લાઇફ લાગુ પડે છે.