Abtak Media Google News

દેશમાં ઓનલાઈન વેપાર હસ્તગત કરવા એમેઝોનની કવાયત

ઈ-કોમર્સ હસ્તગત કરવાની ખેંચતાણમાં ૨ બિલાડીઓ વચ્ચેની લડાઈમાં વાંદરો ફાવી જશે

ઈ-કોમર્સનો વ્યાપ દિન દુગની, રાત ચૌગુની ઝડપે વધી રહ્યો છે. ફલીપકાર્ટ, એમેઝોન, શોપીફાય, સ્નેપડીલ અને મૈત્રા જેવી કંપનીઓ વચ્ચે ગળાકાંપ હરીફાય છે. આ હરીફાયમાં તાજેતરમાં રિલાયન્સે પણ ઝુંકાવ્યું હતું. સ્થાનિક કક્ષાએ રીટેલ બજાર કબજે કરવા માટે રિલાયન્સે રણનીતિ ઘડી કાઢી હતી. આ રણનીતિ મુજબ પ્રારંભીક તબક્કે ફયુચર ગ્રુપને હસ્તગત કરવા માટે રિલાયન્સે પ્રયાસ કર્યા હતા અને તેમાં રિલાયન્સ સફળ પણ રહ્યું હતું. રિલાયન્સે ફેસબુક-વોટ્સએપ સાથે હાથ મિલાવ્યા હતા. ફેસબુકના માર્ક ઝુકરબર્ગ ઘણા સમયથી વોટ્સએપને કમાઉ દીકરો બનાવવા માંગતા હતા. જો કે ફેસબુકની સરખામણીમાં વોટ્સએપમાં ધંધાકીય રીતે કંઈ ખાસુ ઉકાળી શક્યા ન હતા. આવી સ્થિતિમાં રિલાયન્સ સાથે સંધી કરી વોટ્સએપના માધ્યમથી લોકોના મોબાઈલ સુધી પહોંચવા પ્રયાસ થયો હતો.

ભારતની નવી વેપાર નીતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાનિક ઈ-કોમર્સ માટેનો માર્ગ મોકળો થતાં એમેઝોન પણ હરકતમાં

જીયો માર્ટ માટે વોટ્સએપ સાથે થયેલો કરાર લાંબાગાળાનું જોખમ ન બની જાય તે પણ સુનિશ્ર્ચિત થયું હતું. દર બે કિ.મી.એ જીયો માર્ટ-કરીયાણાની દુકાનમાં ૧ થી ૧૫ ટકા સુધી માર્જીન આપી રિટેલ સેકટરમાં પગદંડો જમાવવા રિલાયન્સે આયોજન ઘડી કાઢ્યું હતું. આ ઉપરાંત  ફયુચર ગ્રુપ સાથેનો કરાર પણ રિટેલ ક્ષેત્રમાં રિલાયન્સ માટે મહત્વનો બન્યો હતો. આવી સ્થિતિમાં એમેઝોન પણ ઘણા સમયથી ફયુચર ગ્રુપને હસ્તગત કરવા મથી રહ્યું હતું. એકંદરે એમઝોન અને રિલાયન્સ વચ્ચે ફ્યુચર ગ્રુપ માટે મસમોટી બોલી લગાવવામાં આવી હતી.

ડેબ્ટ ઝીરો થઈ ગયા બાદ રિલાયન્સે ઈ-કોમર્સમાં ભવિષ્ય બનાવવા કરેલા ફ્યુચર સાથેના કરારમાં એમેઝોનને વાંકુ પડ્યું

વૈશ્ર્વિક બજારમાં એમેઝોનનું સામ્રાજ્ય

એમેઝોનની સ્થાપના થયા બાદ સૌપ્રથમ બુક એમેઝોને ૧૯૯૫માં વેંચી હતી. પ્રારંભીક તબક્કે બુક, મ્યુઝિક જેવી વસ્તુઓ વેંચવા માટે એમેઝોન પ્રયાસ કરતું હતું. જો કે ત્યારબાદ તબક્કાવાર એમેઝોન તમામ ક્ષેત્રમાં પગપેશારો કરવા લાગ્યું. આજે એમેઝોન પ્રાઈમ એમેઝોન ઈ-કોમર્સ, મોલ જેવી અનેક વસ્તુઓમાં એમેઝોન એક હથ્થુ શાસન કરે છે. વીડિયો સ્ટ્રીમીંગમાં પણ એમઝોને ડંકો વગાડ્યો છે. ૧૯૯૦ના દાયકામાં ૩૦ વર્ષના જૈફ બેજોસે નોકરી મુકીને એમેઝોનની સ્થાપના કરી હતી. ત્યારબાદ ઈન્વેસ્ટરો ગોતવા ભારે મથામણ કરવી પડી હતી. અત્યારે એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેકટરમાં જૈફ બેજોસ, જોન સીલીબ્રાઉન, ટોમ અલબેર્ગ, જમી ગોર્લીક, બિંગ કોરડોન, પેટી સ્તોનેસીફેર અને થોમસ રીડરનો સમાવેશ થાય છે. સોયથી લઈને કાર સુધીની વસ્તુઓનું વેંચાણ અલગ અલગ જગ્યાએ એમેઝોન કરે છે.

મામલો આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન પાસે પહોંચ્યો ?

તાજેતરમાં એમેઝોન દ્વારા ફયુચર ગ્રુપ ઉપર કરવામાં આવેલો ૪૦ મીલીયન ડોલરનો વળતરનો દાવો ચર્ચાનો વિષય બન્યો છે.

એમેઝોન દ્વારા તો સીંગાપોર ઈન્ટરનેશન આર.બી.ટેશન સેન્ટર સુધી વાત પહોંચાડી છે અને ફયુચર ગ્રુપે કરાર ભંગનો દાવો કર્યો છે. આવી સ્થિતિમાં મામલો વધુ વળસશે. આમ તો એમેઝોન આંતરરાષ્ટ્રીય કક્ષાએ મગરમચ્છ સમાન છે. જેની સામે અન્ય કંપનીઓનું લડવાનું ગજુ નથી.

ભારતની નવી વેપાર નીતિથી એમેઝોન રઘવાયું

ભારત સરકારે તાજેતરમાં નવી વેપાર નીતિ ઘડી કાઢી હતી. જે મુજબ ભારતીય ઈ-કોમર્સ કંપનીઓ અથવા નાની મોટી વેબસાઈટ પોતાનો માલ સરળતાથી વિદેશમાં વેંચાણ કરી શકે છે. અત્યારે એમેઝોન ઓનલાઈન વેંચાણ ક્ષેત્રે મસમોટુ નામ છે. ભારતીય વેપાર નીતિના માધ્યમથી એમેઝોન માટે ખતરો તોળાઈ શકે છે. નાની મોટી સંસ્થા પોતાનો માલ સીધો વિદેશમાં નિકાસ કરે તો મોટી કંપનીઓને પોતાનું નામ ભુસાઈ જવાનો ડર છે. જેથી એમેઝોન ભારતમાં જ પોતાનો ઝડપથી વ્યાપ વધારી રહ્યું છે.

એમેઝોનની સરખામણીએ રિલાયન્સનો પન્નો ટૂંકો

એમેઝોને તો તાજેતરમાં ફયુચર ગ્રુપ પાસે ૪૦ મીલીયન ડોલર એટલે કે અંદાજે રૂા.૨૯૦ કરોડનું વળતર પણ માંગ્યું હતું. આવી સ્થિતિમાં હવે આ લડાઈ વિશ્ર્વની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક એમેઝોન અને દેશની ટોચની કંપની રિલાયન્સ વચ્ચે વરવું સ્વરૂપ ધારણ કરી શકે છે. આવક અને મુલ્યની દ્રષ્ટિએ એમેઝોન સામે રિલાયન્સ ખુબ નાની છે. મુળ અમેરિકાની એમેઝોન અનેક ક્ષેત્રોમાં પોતાનું સામ્રાજય ધરાવે છે. ભારતમાં ઈ-કોમર્સ ક્ષેત્રે પણ એમેઝોનની પક્કડ ખુબ જ મજબૂત થઈ રહી છે.

ઈ-કોમર્સ કબ્જે કરવા એમેઝોન ઘણા અંશે સફળ પણ રિલાયન્સનું ફયુચર અને વોટ્સએપ સાથેનું ઈલુ-ઈલુ માથાનો દુ:ખાવો

એમેઝોનના સ્થાપક જૈફ બેજોસ વિશ્ર્વના સૌથી ધનવાન વ્યક્તિ રહ્યાં હતા. એમેઝોનનો વ્યાપાર અનેક દેશમાં ફેલાયો છે. ખાસ કરીને ભારત જેવા મોટા બજાર ઉપર એમેઝોનની નજર છે. ઈ-કોમર્સ સેકટરને કબજે કરવા માટે એમેઝોને એડીચોટીનું જોર લગાવી દીધું છે. અગાઉ જ્યારે એમેઝોનને ભારતમાં પ્રવેશવું હતું ત્યારે છેક અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાથી લઈ અનેક આંતરરાષ્ટ્રીય નેતાઓ દ્વારા ભારતના રાજદૂતને ભલામણ કરવામાં આવી હતી. ભારતમાં પ્રવેશવા માટે એમેઝોન સામે ઘણા રોડા હતા. પરિણામે ભારતની વિદેશ રોકાણકારો માટેની નીતિ બદલાઈ હતી. ભારતમાં જે તે સમયે એમેઝોને ૫.૫ બીલીયન ડોલર જેટલું તોતીંગ રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. વર્તમાન સમયે ભારતના ૪ લાખથી વધુ સેર્લ્સ સાથે એમેઝોન જોડાયેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.