અદ્ભૂત અવકાશી નજારો: જામનગર,જસદણમાં ગુરૂ-શનિની યુતિ નિહાળાઈ

જામનગર નજીકના વિજરખી ડેમે ત્રણ ટેલીસ્કોપથી ખાસ વ્યવસ્થા કરાઈ

ગતરાત્રિના છેલ્લા આઠસો વર્ષમાં પ્રથમ વખત એક અદભુત અવકાશીય ઘટના ગુરુ- શનિનું ગ્રેટ કંજકશન એટલે કે એકબીજાની નજીક આવી જવાની આ ઘટનાથી ખગોળ પ્રેમીઓમાં આનંદ છવાયો હતો. સૌર મંડળના બે સૌથી મોટા ગ્રહો ગુરુ અને શનિ પરસ્પર નજીક આવવાની આ ઘટના આવનાર સમયમાં જયોતિષ વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ કપરા સમયમાંથી બહાર નીકળવા સુખરૂપ બની રહે તેવી પણ આશા સેવાઇ રહી છે. આ નજારાને માણવા માટે લોક વિજ્ઞાન કેન્દ્ર જસદણના ચેરમેન જયંત મોવલિયાએ પ્રયત્નો કર્યા હતા. સૂર્યમાળાના સૌથી મોટા બે ગ્રહો ગુરુ અને શનિ 21મી ડિસેમ્બરના દિવસે એક-બીજાની ખૂબ જ નજીક આવ્યા હોવાની ઘટના બની હતી. જેને ટેલિસ્કોપની મદદથી જોવા માટેની વ્યવસ્થા જામનગરના ખગોળ મંડળ દ્વારા કરવામાં આવી હતી. અને જામનગરથી 14 કિલોમીટર દૂર વિજરખી ડેમના પાળા પરથી ત્રણ ટેલિસ્કોપ ગોઠવી નિદર્શનનો કાર્યક્રમ રખાયો હતો. જેમાં કેટલાક ખગોળપ્રેમીઓએ સમગ્ર ઘટનાને હર્ષભેર નિહાળી હતી.

જામનગરના ખગોળ મંડળના કિરીટભાઈ શાહ, કિરીટભાઈ વ્યાસ અને અમિતભાઈ વ્યાસ દ્વારા યશોઘનભાઈ ભાટિયા તથા અન્ય ખગોળપ્રેમીઓની મદદથી જામનગર થી 14 કિલોમીટર દૂર આવેલા વિજરખી ડેમના પાળા ઉપર ડાક બંગલા પાસે નિદર્શન નો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. અત્યાધુનિક એવા ત્રણ જુદા-જુદા ટેલિસ્કોપ ગોઠવીને સૂર્યમાળાની ઘટના નિહાળવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. 21ના સાંજે 6.00 વાગ્યાથી ગુરુ અને શનિ ગ્રહોની યુતિનો પ્રારંભ થયો હતો અને ટેલિસ્કોપની મદદથી બંને ગ્રહોને ખૂબ જ સારી રીતે નિહાળી શકાયા હતા. ઘણા વર્ષોના અંતરાલ પછી જોવા મળતી આ ખગોળીય ઘટનાને અનેક ખગોળપ્રેમીઓએ નિહાળીને રોમાંચ અનુભવ્યો હતો.