‘અંબા’ બની ઈટલીના દંપતીની લાડકવાયી

કાઠિયાવાડ બાલાશ્રમમાંથી ૪૦૦ જેટલાં બાળકો વિદેશ પહોંચ્યા

રાજકોટની દીકરી ‘અંબા’ને આજે દત્તક લેવા માટે ઈટલી નો પરિવાર રાજકોટ આવી પહોંચ્યો છે.આજે કાઠીયાવાડ બાલાશ્રમ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ,નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કરની હાજરીમાં પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ ઈટલીના દંપતીને સોંપવામાં આવ્યા હતા.તેમજ બાળકી અંબા ને દત્તક આપવામાં આવી હતી.ફેબ્રુઆરી વર્ષ ૨૦૨૦ માં રાજકોટની ભાગોળે મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે નિર્દયી રીતે તરછોડાયેલી અંબાને શ્વાનોએ ફાડી ખાધેલી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.

ત્રણ મહિના બાદ હોસ્પિટલના બિછાને મોત સામે લડીને બાળકી અંબાએ જીતી મેળવી હતી. એ સમયે કલેક્ટર, કમિશનરથી લઈને ખુદ તત્કાલીન ઈખ વિજય રૂપાણીએ અંબાને નવજીવન મળે એ માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. હવે તે અંબાને આશરો મળ્યો છે. અંબાને ઇટાલીના દંપતીએ દત્તક લીધી છે.હવે સૌકોઇની લાડકવાયી અંબાને માતાની મમતા અને પિતાનો પ્રેમ મળશે.

છેલ્લા દોઢ વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકોની સાથે ‘અંબા’ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. દત્તકવિધિ માટે બાલાશ્રમ ખાતે પ્રોસિજર કરવામાં આવી હતી જેમાં ઈટાલીના ગુંથર અને કેટરિનએ અંબાને દત્તક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી છે. ખુશીની વાત એ છે કે અગાઉ પણ ગુંથર દંપત્તીએ ભારતના છતીસગઢ ખાતેથી તેજરામ નામના બાળકને ૪ વર્ષ પહેલા દત્તક લીધેલું છે અને હવે ‘અંબા’ તેનું બીજું સંતાન બનશે.

ઇટલી દંપતીએ દત્તક લેતા બાળકી અંબાનું ભવિષ્ય સુધરી જશે: વિજયભાઇ રૂપાણી

આજનો દિવસ ગૌરવવંતો દિવસ છે.આજથી ૨ વર્ષ પહેલાં તાજી જન્મેલી દિકરી ને તેના માતાપિતાએ ત્યજી દીધેલ હતી. બાળકીની રાજ્ય સરકારે ચિંતા કરી તેને યોગ્ય સારવાર અપાવી હતી.પોલીસ કમિશ્નરે બાળકી ને અંબા નામ આપેલ હતું.આજે બાળકી અંબા ઇટલી જશે અને તેનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બનશે તેવી પ્રાર્થના કરીએ છીએ. ઇટલીનું કપલ છે તે ખૂબ સુખી પરિવાર છે.પિતા આઇટી એન્જીયર છે અને માતા નર્સ છે.પહેલા પણ કાઠિયાવાડ બાલાશ્રમે બાળકો વિદેશ દત્તક આપેલા છે અને બધા બાળકો સુખી છે.

બાળકી અંબા ખુબજ નસીબદાર છે, જીવનમાં આગળ વધે તેવી શુભેચ્છા : અંજલિબેન રૂપાણી

અંજલિબેન રૂપાણીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મકરસંક્રાંતિ ના બીજા દિવસે , જેને વાસી ઉત્તરાયણ કહેવાય .જે દિકરી ને કચરામાં તરછોડેલ તેને દત્તક આપવાનો કાર્યક્રમ યોજાયો.બાળકીને જ્યારે અમે પહેલી વખત જોઈ અને અત્યારે જોઈ તેમાં જમીન આસમાનનો ફર્ક છે.બાળકી ખૂબ નસીબદાર છે.રાજકોટ કલેક્ટર, કમિશ્નર, ચાઈલ્ડ વેલ્ફેર સમિતિના સભ્યો સરકારી તંત્ર, સમાજ સુરક્ષા વિભાગ અને બાલાશ્રમના તમામ સદસ્યોની મહેનત બાદ આજે બાળકી અંબા ખુબજ સ્વસ્થ છે અને હવે ઇટલી જઈ રહી છે. બાળકી અંબા જીવનમાં ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવું છું.

અંબા એટલે ભગવાન, હું ભગવાનને ઇટલી લઈ જઈ રહી છું: માતા કેટરિન

અંબાની માતા કેટરિને અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ભગવાન ને ઘરે લઈ જઈ રહી છું.હુંઇટાલીની એક હોસ્પિટલમાં નર્સીંગની કામગીરી કરી રહી છું. મને અને મારા પતિને ભારતના લોકોનો સ્વભાવ ખુબ પસંદ હોવાથી તેઓએ અમે બીજું બાળક પણ ભારતમાંથી દત્તક લેવા નિર્ણય કર્યો હતો. ઇટાલીમાં સંયુક્ત પરિવાર સાથે રહેતા હોવાથી અને પ્રથમ બાળક દત્તક લીધાના ચાર વર્ષ બાદ ફરી બાળક દત્તક લેવાની ઈચ્છા થતા અમે રાજકોટની અંબાને દત્તક લીધી છે. હવે એક વર્ષ સુધી હું મારી જોબ છોડી અંબાની સંભાળ કરીશ અને તેના અભ્યાસ બાદ આગળ તે ઇચ્છશે તે બનાવવા તમામ મહેનત કરીશ.

ઇટલીમાં પણ બાળકી અંબાનું નામ “અંબા” જ રહેશે: પિતા ગુંથર

પિતા ગૂંથરે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું મેં અમે પ્રથમ દત્તક લીધેલ બાળક તેજરામ આજે ૬ વર્ષનો થયો છે તે જર્મન ભાષા બોલે છે. તેજરામ પણ બે વર્ષનો હતો ત્યારે તેને છતીસગઢમાંથી દત્તક લેવામાં આવ્યો હતો. પિતા ગુંથરે વધુમાં જણાવ્યું હતું કે, આજે લાંબા સમય બાદ અમે જે ક્ષણની રાહ જોતા હતા તે ક્ષણ આવી છે અમે અંબાને મળ્યા છીએ આજે મારા બાળક તેજરામને બેન મળી છે અમે ખુબ ખુશ છીએ.બાળકી અંબા નું નામ ઇટલીમાં અમારી ઘરે પણ એજ નામ રહેશે. અમે નામ નહીં ફેરવીએ.

પીએસઆઈ ક્રિપાલસિંહ જાડેજા થયાં ભાવુક બાળકી અંબાના ચરણ સ્પર્શ કરી વંદન કર્યા

બાળકી અંબાની આજે બાલાશ્રમ ખાતે દત્તક આપવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઈ ક્રિપાલસિંહ જાડેજાએ દીકરી અંબાને ચાંદલો કરી પગે લાગી ’રિદ્ધિ દે સિદ્ધિ અષ્ટ નવ નિધિ દે’ પંક્તિનું પઠન કર્યું હતું.અને બાળકી અંબા ના ચરણ સ્પર્સ કરી આશીર્વાદ મેળવ્યા હતા.પીએસઆઈ જાડેજા એ જણાવ્યું હતું કે દિકરી અંબા સાક્ષાત માતાજીનું રૂપ જ કહેવાય , મોત ના મુખ માંથી બહાર નીકળેલ દીકરી ને આજે સારો પરિવાર મળ્યોએ આનંદ ની વાત છે.

ખાનગી રાહે ઇટલીમાં દંપતીની તપાસ કરાવી હતી, અંબા ખુશ રહેશે:  મનોજ અગ્રવાલ

પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલે બાળકીને અંબા નામ આપ્યું હતું આજે બાળકી અંબા જ્યારે ઇટલી જઈ રહી છે ત્યારે છેલ્લે દિવસે અગ્રવાલ દંપતિએ બાલાશ્રમ ખાતે મુલાકાત લઇ બાળકી અંબાને વ્હાલ આપ્યું હતું.કમિશ્નર અગ્રવાલે જણાવ્યું હતું કે રાજકોટના અનેક વેપારીઓ ઇટલી વેપાર માટે જતા હોય છે ત્યારે ઇટલીમાં બાળકીને જે દંપતિ એ દત્તક લીધી હતી તે ઘર કેવું છે ? માણસો કેવા છે ? સહિતની ખાનગી રાહે  તમામ તપાસ કરાવી હતી. ફેમિલી વેલ સેટ છે.બાળકીને ખુબજ સારી રીતે સાચવશે.રાજકોટવાસીઓ વતી હું પ્રાર્થના કરું છું કે અંબા નું ભવિષ્ય સુધરે .આજે ક્ધયાદાન કરી રહ્યા છીએ.દુ:ખ પણ થાય છે પણ ખૂબ આનંદ છે અંબા સારા ઘરમાં જઈ રહી છે.

બાળકી અંબાને છેલ્લી વાર મળીને અગ્રવાલ દંપતી થયું ભાવુક

અગ્રવાલ દંપતીએ અંબાને ‘એ’ પેન્ડલ વાળો સોનાનો ચેઇન ગિફ્ટ આપ્યો

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને તેમનો પરિવાર છેલ્લા ૨ વર્ષથી સતત બાલાશ્રમ ખાતે અંબાની મુલાકાત કરતા હતા અને તેને એક પોતાની દીકરીની જેમ જ દેખરેખ રાખી હતી.આજે જ્યારે દીકરી અંબા વિદેશ જઈ રહી છે ત્યારે પોલીસ કમિશ્નરે તેમના પત્ની સાથે અંબાની મુલાકાત લીધી હતી અને બાળકી અંબા ને યાદી રૂપે ” એ ” પેન્ડલ વાળો સોનાનો ચેઇન આપી હસતા મોઢે વિદાઇ આપી હતી.બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા.

જ્યારે સ્પેશ્યિલ નીડ બાળકને દત્તક આપવા માટે ડેટા અપલોડ કરીએ છીએ ત્યારે ભારતના કોઈજ દંપતી આગળ નથી આવતા તેનું અમને દુ:ખ:  હરેશભાઇ વોરા

કાઠિયાવાડ બાલાશ્રમના ટ્રસ્ટી હરેશભાઇ વોરાએ જણાવ્યું હતું કે બાળકી અંબા જ્યારે અમને સોંપવામાં આવી ત્યારે લોકડાઉનનો સમય હતો.જે સ્થિતિમાં બાળકી અંબા આવી હતી અમને ખૂબ ચિંતા હતી.બાળકી માટે અમે ભગવાન ને પ્રાર્થના કરી હતી કે દિકરી ને બચાવજો.શહેરની અમૃતા હોસ્પિટલમાં અમે રેગ્યુલર ચેકઅપ સારવાર કરાવી હતી.અમને કલ્પના ન હતી બાળકી ઇટલી જશે.જી.ટી.શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં બાળકીને ફિઝીયોથેરાપી ટ્રીટમેન્ટ કરાવી.

વધુમાં હરેશભાઇએ જણાવ્યું હતું કે અમે જ્યારે સ્પેશિયલ નીડના બાળક ને દત્તક આપવા માટે વેબસાઈટ પર ડેટા મૂકીએ છીએ ત્યારે ભારતનું કોઈ જ દંપતિ આગળ નથી આવતું તેનું મને ખુબજ દુ:ખ છે.બાળકો ફોરેનમા જ જાય છે.ઈટાલીના પરિવારની એપ્લિકેશન આવી અમે પેપર્સ જોયા, અંબે ના પિતા કોમ્યુટર એન્જીયર છે અને માતા નર્સ છે.પાસપોર્ટ સહિતના પેપર્સ તૈયાર કર્યા.

જાદવ સાહેબની કોર્ટમાં પ્રોસેસ માટે આ કેસ હતો , તેમને સંતોષ ન થતા વર્ચ્યુલી વાત તેઓએ માતાપિતા સાથે કરી બાદમાં અમને દત્તક આપવા માટેની મંજૂરી મળી.હાલમાં કાઠીયાવાડ બાલાશ્રમમાં ૧૨૦ માંથી ૧૧૯ બાળકો રહ્યા.દિકરી ઇટલી જાય છે તેનો ઘણો આનંદ છે પણ એક દુ:ખ પણ છે કે આશ્રમ માંથી એક બાળક ઓછું થયું .અત્યાર સુધી અંદાજે ૪૦૦ બાળકો ફોરેન આપેલ અને ૭૦૦ જેટલા બાળકો ભારતમાં આપેલ.આ ૧૧૪ વર્ષ જૂનો આશ્રમ છે.મોટા ભાગના બાળકો જર્મની ગયા છે અને ખૂબ સુખી છે.