કોરોનાના ભય વચ્ચે સુખ-સંપન્ન થઈ સામાન્ય લોકોનો વીમો લેવા ઘસારો

કોરોના સ્પેશ્યલે ધુમ મચાવી ૨૭ કંપની વીમો ઉતારે છે: ઈન્સ્યોરન્સના ૧૫ દિવસથી જ કવરેજ શરૂ

દેશમાં અત્યાર સુધી પ્લેગ, મેલેરીયા જેવી ઘણી બીમારીઓ આવી ચૂકી છે. અને હાલના સમયમાં કોરોના જેવી મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે લોકો પોતાને અને પરિવારને બીમારીનાં ખર્ચથી દૂર રાખવા ઈન્સ્યોરન્સ લેતા થઈ ગયા છે.જેથી આવનારા સમયમાં કોઈપણ બનાવ વખતે પોલીસી તેમને મદદરૂપ થઈ શકે. કોરોના મહામારી માટે અલગ અલગ કંપનીઓએ એવી પોલીસી બનાવી છે જે નાના વર્ગથી મોટા વર્ગ સુધીના માણસો લઈ શકે અને તેમને સમય આવતા પૂરેપૂરો લાભ મળી શકે અને જે લોકોએ કોરોના મહામારી પહેલા હેલ્થ ઈન્સ્યોરન્સ કરાવ્યો હોય તેવા લોકો ને પણ તેજ પોલીસીમાં કોરોનાનું કવરેજ મળવા પાત્ર છે. દરેક જૂની નવી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલીસીમાં કોરોના મહામારીને ફરજીયાત રાખવી પડશે. દરેક પોલીસીના નિયમ અલગ હોવાથી એક પોલીસીમાં દર્દીને ૨૪ કલાકતો બીજી પોલીસીમાં ૭૨ કલાક હોસ્પિટલમાં દાખલ રહેવું પડતું હોય છે. હોમ કોરન્ટાઈન વખતે કે એન્ટીજન ટેસ્ટના ખર્ચ પણ અમુક પોલીસી આપી દે છે. જન્મજાત શીશુથી લઈને ૬૫ વર્ષના વ્યકિત પોલીસીનો લાભ લઈ શકે છે અને ૧ લાખથી ૫ લાખ સુધીનો વીમો ઉતરાવી શકે છે.

આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવે તો આરટીપીસીઆરની જરૂર નથી: સંજય ચાવડા (પંચનાથ ઈન્સ્યોરન્સ)

પંચનાથ ઈન્સ્યોરન્સ એન્ડ ફાઈનાન્સ કંપનીના સંજય ચાવડાએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે કોરોના માટે બે પોલીસી આવે છે કોરોના રક્ષક પોલીસી અને કોરોના કવચ પોલીસી તેમાથી રક્ષક પોલીસીમાં ફાયદો મળે છે જયારે કવચમાં સુરક્ષા મળશે. જયારે ફરીથી કોઈને કોરોના થાય તો રક્ષક પોલીસીમાં પહેલા કલેમ થઈ ચૂકેલ હોવાથી પૈસા મળતા નથી જયારે કવચ પોલીસીમાં પહેલા કલેમ પછી જેટલી રકમ જમા હશે તેમાંથી પૈસા કપાઈને મળશે. બંને પોલીસીનું પ્રીમીયમ અલગ અલગ કંપની પ્રમાણે નકકી કરવામાં આવે છે. કવચ પોલીસી ૧ દિવસથી ૬૫ વર્ષનાં વ્યકિત સુધી મળે છે. આ પોલીસી પરિવાર માટે પણ લઈ શકાય છે. આ સીવાય પીપીઈ કીટ, દવાખાનાનો ખર્ચો, આરટીપીસીઆર રીપોર્ટ કે એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હોય સીટી સ્કેન કરાવ્યો હોય અને દવાખાનામાં દાખલ

થવા પહેલાના અને પછીના ખર્ચા પણ મળવા પાત્ર રહેશે ઘણા લોકોના મનમાં એવું હોય છે કે પોલીસી લીધા પછી બીજા દિવસે કોરોના થાય તો મળી જશે કે પછી કોરોના થયા પછી પોલીસી લેવા જાવ તો મળી જશે પણ ખરેખર એવું નથી હોતુ પોલીસી લીધા પછી વેઈટીંગ પીયર્ડ જે ૧૫ દિવસનો હોય છે તે પછી જ કોરોનાનું કવરેજ મળે છે. આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ જો એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ આવ્યો તો આરટીપીસીઆરની કોઈ જરૂરીયાત નથી અને જો એન્ટીજન ટેસ્ટ નેગેટીવ આવે તો આરટી પીસીઆર જરૂરી છે. કલેમ માટે ૨૪ કલાક દવાખાનામાં દાખલ રહેવું જરૂરી છે. જો સારવાર દરમિયાન કોઈ વ્યકિતનું મૃત્યુ નિપજે તો તેના પરિવાર કોવિડને લગતા ડોકયુમેન્ટ કંપનીમાં રજૂ કરે તો જેટલો ખર્ચ થયો તે પાછો મળી જાય છે.

બધી કંપનીઓમાં જૂના કે નવા ઈન્સ્યોરન્સમાં કોરોનાનું કવર ફરજીયાત: સનીભાઈ મોટવાણી (નાનક ફિનસર્વ)

નાનક ફીનસર્વના સનીભાઈ મોટવાણીએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે કોરોના માટે સૌથી મહત્વની પોલીસી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલીસી છે વર્ષે ૧૦ થી ૧૨ હજાર મેડીકલેઈમનું પ્રીમીયમ આવે છે. ઉમર પ્રમાણે હોય છે. જે લોકો નાના વર્ગમાં ગણાય છે.તે માટે કોરોના ઈન્સ્યોરન્સ કંપનીએ બહાર પાડેલ છે. સારવાર દરમિયાન દર્દી મૃત્યુ પામે તો તેના માટે ટર્મ ઈન્સ્યોરન્સ પોલીસી સારી રહે છે જેમાં પચાસ લાખથી એક કરોડ સુધીનું કવર તેમા મળતું હોય છે. કોરોના ઈન્સ્યોરન્સ ૧૮ વર્ષની ઉમરથી ૬૫ વર્ષની ઉંમર સુધીનાં વ્યકિતને મળે છે તેની સાથે હેલ્થ ઈન્સ્યોરન્સ છે. તે મહત્વનું છે. જેમાં જન્મજાત શીશુથી લઈને કોઈપણ ઉંમરની વ્યકિત માટે જીવનભર તે રીન્યુ થઈ શકે છે. મેડીકલેઈમ ઈન્સ્યોરન્સમાં હોમ કોરન્ટાઈન કે હોસ્પિટલમાં દાખલ થવા પર કવર મળે છે.

કંપની સાથે કેશલેસ હોસ્પિટલમાં જેટલા હોસ્પિટલ ટાયપ હશે તેમાં કોઈપણ પ્રકારનાં પૈસા દેવા નથી પડતા અને પોતાના ડોકટર પાસેથી સારવાર લે પછી ત્યાં પૈસા ચૂકવીને કલેમ મૂકી શકાય છે. જેના પૈસા પણ કોઈપણ કપાત વગર મળી જાય છે. ઈન્સ્યોરન્સમાં ૨૪ કલાક હોસ્પિટલમાં દાખલ રહેવું જરૂરી છે. અને ઘણી બીમારી કે સર્જરી એવી હોય છે જેમાં સવારથી સાંજ સુધી રજા મળી જાય છે. તે મેડીકલેમમાં મળી જાય છે. ગર્વમેન્ટના એમેડમેન્ટ ઉપરથી જે પણ જૂના કે નવા ઈન્સ્યોરન્સ છે તેમાં કોરોનાનું કવર ફરજીયાત બધી કંપનીએ આપવાનું છે. લોકો દર વર્ષે મેડીકલેમની પોલીસી રીન્યુ કરી શકે છે. અને પોતાની અનુકુળતા એ લીમીટ વધારવી હોય કે ઘટાડવી હોય તો કરી શકે છે અને છેલ્લા ૫ વર્ષથી મેડીકલેમ અને જીવન વીમાની સુવિધાઓ લોકોને આપીએ છીએ જેમાં અત્યાર સુધી અને ૬૦૦ જેટલા પરિવારને પ્રોટેકટ કરેલી છે અને કલેમમાં સારી સુવિધાઓ આપેલી છે.

રાજકોટની કોવિડ હોસ્પિટલો ‘કેશલેસ’

ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ૬ ટકા કેશલેસ વધારાનો ચાર્જ લેવામાં આવે છે જયારે રાજકોટની મોટાભાગની કોવીડ હોસ્પિટલોમાં કેશલેસની સુવિધાઓ ઉપલબ્ધ નથી.

કોરોનાને પારખવામાં હોસ્પિટલો ઉંધા માથે

કોરોનાની દવા ન આવી હોવા છતાં હોસ્પિટલો દ્વારા લોકોને ઉંચા બીલ અપાય છે અને પોલીસી ધારકોને ૧૦ થી ૧૫ દિવસ સુધી ફાઈલ સોંપવામા આવતી નથી. ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ ચાર્જ વસુલવાની જગ્યાએ ઉંચા ચાર્જ વસુલતી હોવાના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. હોસ્પિટલો દર્દીના પરીજનોને શા માટે ૧૫-૧૫ દિવસ સુધી બિલની ફાઈલ આપતા નથી તે સવાલ પણ મોટો છે. શું હોસ્પિટલ તંત્રને ભય હોય છે કે સારવાર આપ્યા બાદ પણ દર્દીનાં જીવને જોખમ હોય ૧૫ દિવસ સુધી હોસ્પિટલો ‘વેઈટ એન્ડ વોચ’માં હોય છે.

કોરોનાથી મુકત થયા પછી ૧૫ દિવસમાં ફાઈલ રજૂ કરવી જરૂરી: જયેશભાઈ ગાંધી (નેશનલ ઈન્સ્યોરન્સ એજન્ટ)

નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીના એજન્ટ જયેશભાઈ ગાંધીએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે કોરોનાનો સવા ત્રણ મહિનાનો, સવા છ અને સવા નવ મહિનાનો ઈન્સ્યોરન્સ થાય છે. આ પોલીસીમાં એક લાખથી પાંચ લાખ સુધી પોલીસી મળે છે. જેમાં અઢાર વર્ષથી ૬૫ વર્ષ ઉમરની વ્યકિતનો સમાવેશ થાય છે. ૩૫ વર્ષથી નીચેના વ્યકિતને ૨૩૦૦ જેટલુ પ્રીમીયમ આવે છે. અને જેતે કંપનીના પ્રીમીયમ જુદાજુદા હોય છે. કોઈપણ વ્યકિતને કોરોના થાય અને રેપીડ ટેસ્ટ કર્યો હોય પછી સરકારની લેબોરેટરીમાં આરટી પીસીઆર રીપોર્ટ કરાવવો પડે છે. અને તેમાં પોઝીટીવ આવે તોજ કલેમ મળે અને પછી પણ દવાખાનામાં દાખલ થવાની જરૂર હોય અને ૧૪ દિવસ દવાખાનામાં રાખે પછીના ૧૫ દિવસ સુધીમાં ફાઈલ સબમીટ કરાવાની હોય છે. ત્યારબાદ ૧ મહિના પછી રકમ મલે છે. કોઈપણ કંપની કોઈપણ દવાખાના સાથે સંકળાયેલ નથી જેથી પોલીસી ધારકે દવાખાનામાં પહેલા પૈસા ભરવા પડે પછી તેમને પોલીસીનાં પૈસા મળે ઘણી વખત ડોકટર દર્દીને હોમ કોરન્ટાઈન થઈને ઈલાજ કરવાનું કહે છે અને ૧૪ દિવસ કોરન્ટાઈન રહ્યા હોય અને ડોકટર ક્ધસલ્ટીંગ આવે અને ફોર્મ ભરી આપે તે પછી બધા ડોકયુમેન્ટ સબમીટ થાય તે પછી કંપની વીમાના પૈસા આપે.

કોરોના રક્ષક પોલીસીમાં પોલીસ ધારકને ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે: કે.ડી. રૂપાપરા (ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ)

ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સના એજન્ટ કે.ડી. રૂપાપરા એ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અત્યારે બધી કંપનીઓમાં કોરોના માટે બે પોલીસી આવે છે. કોરોના કવચ અને કોરોના રક્ષક કોરોના કવચ એક દિવસની વ્યકિતથી ૬૫ વર્ષ સુધીનાં વ્યકિત લઈ શકે છે.જેનો સમયગાળો સાડા ત્રણ, સાડા છ અને સાડા નવ મહિના છે. જયારે કોરોનારક્ષક પોલીસી ૧૮ વર્ષથી ૬૫ વર્ષનાં વ્યકિત લઈ શકે છે. કોરોના કવચ પોલીસી ૧ લાખથી ૫ લાખ સુધી અને કોરોના રક્ષક ૧ લાખથી ૨૫ લાખ સુધીની લઈ શકો છો. કોરોના રક્ષક એ ફલોટર પોલીસી છે. જેમાં કોમન પ્રીમીયમ અને ઈન્સ્યોરન્સ આવે છે. જેમાં પોલીસી ધારકને ૧૦ ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવે છે. લોકો માટે કોરોના કવચ પોલીસી સારી રહે છે. કારણ કે તેમાં વધારેમાં વધારે ફાયદો મળવા પાત્ર છે. નાના વર્ગ માટે જીવન રક્ષક પોલીસી સારી રહે છે. જેમાં આખુ પરીવાર કવર થઈ શકે છે. પણ તેનો એક નિયમ એવો છે કે તેમાં ૭૨ કલાક ફરજીયાત દવાખાનામાં દાખલ રહેવું પડે છે. પોલીસી લીધાના ૧૫ દિવસ પછી તેનું કવરેજ ચાલુ થઈ જાય છે. અને જયારે દાખલ થાય ત્યારે કોરોના ટેસ્ટ કે આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ હોવો જોઈએ અને ત્યારથી જ તમેઈન્ટીમેશન આપી શકો છો.