ઉઘ્ધવ ઠાકરેની શપથવિધિમાં ઉપસ્થિત રહેવા અમિત ચાવડા અને પરેશ ધાનાણીને આમંત્રણ

મહારાષ્ટ્રમાં અઘાડી સરકારની શપથવિધિમાં સામેલ થવા ગુજરાતમાં માત્ર બે જ વ્યકિતઓને મળ્યું નિમંત્રણ

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તરીકે આજે સાંજે શિવસેનાનાં સુપ્રીમ ઉઘ્ધવ ઠાકરે શપથગ્રહણ કરવાના છે. આ ઝાકમઝોળ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અમિત ચાવડા તથા ગુજરાત વિધાનસભાનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બે વ્યકિત સિવાય રાજયમાંથી અન્ય કોઈને શપથવિધિમાં નિમંત્રણ ન મળ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

આજે સાંજે મુંબઈનાં શિવાજી પાર્ક ખાતે ૬:૪૦ કલાકે યોજાનારા શપથવિધિ સમારોહમાં મહારાષ્ટ્ર મુખ્યમંત્રી તરીકે શિવસેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ઉઘ્ધવ ઠાકરે શપથ લેવાનાં છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસની અઘાડી સરકારી સતા‚ઢ થશે. શપથવિધિ સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારમાં કોંગ્રેસ પણ સામેલ હોય ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ અમિતભાઈ ચાવડા અને ગુજરાત વિધાનસભાનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીને શપથવિધિ સમારોહમાં હાજર રહેવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ બંને નેતાઓ શપથવિધિ સમારોહનાં સાક્ષી બને તેવી શકયતા પણ નકારી શકાતી નથી. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકે શિવસેનાનાં ઉઘ્ધવ ઠાકરે રહેશે જયારે એનસીપીનાં બે નાયબ મુખ્યમંત્રી હશે અને વિધાનસભાનાં અધ્યક્ષનું પદ કોંગ્રેસને ફાળવવામાં આવશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સાથે-સાથે કેટલાક મંત્રીઓ પણ આજે શપથ લેશે.