Abtak Media Google News

આજે સુરતમાં દક્ષિણ ઝોનના ભાજપના પેઇજ પ્રમુખ, બૂથ પ્રમુખોના સંમેલનને સંબોધશે.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ત્રણ દિવસની ઓરિસ્સાનો સંગઠનાત્મક તથા વિસ્તારક પ્રવાસ પૂરો કરીને ગુજરાતની બે તબક્કામાં પાંચ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. સોમનાથ ખાતે પ્રદેશ કારોબારીમાં ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રત્યેક બૂથમાંથી કોંગ્રેસને મૂળ સમેત ઉખાડી ફેંકી ૧૫૦ પ્લસ બેઠકો પર વિજય મેળવવા માટે નિશ્ચિત કરેલા ટાર્ગેટને પહોંચી વળવા માટે પ્રદેશ સંગઠનના વિવિધ સ્તરે સક્રિયતા વધારવા માઇક્રો પ્લાનિંગ તબક્કા-૨ની તૈયારી માટે અહીં આવી પહોંચ્યા છે. ગુરુવારે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા પછી અમિતભાઇ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના પ્રદેશ આગેવાનો શુક્રવારે સવારે સુરત પહોંચશે. સુરતના મહુવા તાલુકાના પાંચકાકડા-અનાવલ ખાતે દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લાના પેઇજ પ્રમુખો, બૂથ સમિતિઓના પ્રમુખો, કાર્યકર્તાના સંમેલનમાં ઉપસ્થિત રહી ચૂંટણીની રણનીતિ માટે કાર્યકરોને શીખ આપશે.

વિધાનસભાની ચૂંટણીના માઇક્રો પ્લાનિંગ તબક્કા-૨ના પ્લાનિંગ માટે આવી પહોંચેલા રાષ્ટ્રીય અધ્યક્ષે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઝોનના પેઇજ પ્રમુખોના સંમેલનો પૂરાં કરી દીધા છે. શુક્રવારે દક્ષિણ ગુજરાત ઝોનના સંમેલન બાદ મંગળવારે ઉત્તર ગુજરાત ઝોનના ગાંધીનગર ખાતે સંમેલન તેમની ઉપસ્થિતિમાં મળશે. દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લામાં ૩૫માંથી ૨૮ બેઠક ભાજપ હસ્તક છે જ્યારે કોંગેસ પાસે ૬ અને ૧ બેઠક જેડીયુ પાસે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત એ પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યું છે. ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષને તેનો અનુભવ થઇ ચૂક્યો છે. જોકે, એમના માર્ગદર્શનથી પ્રદેશ ભાજપ તથા મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના આગેવાનોના સક્રિય પ્રયાસોથી હવે સ્થિતિ ક્રમશ: સાનુકૂળ થઇ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં ઐતિહાસિક ભવ્ય રોડ શો કર્યો હતો અને પાટીદાર સમાજની અદ્યતન હોસ્પિટલના લોકાર્પણ માટે ખાસ સમય ફાળવ્યો હતો અને પાટીદાર સમાજને ફરીથી ભાજપ સાથે જોડવાના પ્રયાસો કર્યા હતા.

દક્ષિણ અને મધ્ય ગુજરાતની આદિવાસી પટ્ટાની બેઠકો ઉપરાંત અનુસૂચિત જાતિની અનામત બેઠકો પર વિશેષ ભાર મૂકી રહ્યો છે. ભાજપના પ્રમુખ બન્યા પછી જીતુ વાઘાણીએ સૌ પ્રથમ ઉમરગાવથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટાને આવરી લેતી આદિવાસી ગૌરવ વિકાસ યાત્રા યોજી હતી. રૂપાણી સરકારે આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજને જમીન, જંગલ અને તેની સંપત્તિના હક્કો આપતો પેસા એક્ટ લાગુ કર્યો હતો તેનાથી સમગ્ર સમાજને થનારા લાભો, આદિવાસી જનતા માટે અમલી બનાવાયેલી વિવિધ કેન્દ્રીય અને રાજ્ય સરકારોની યોજનાઓની જાણકારીથી અવગત કરવામાં આ યાત્રા ઉપયોગી રહી હોવાનું ભાજપ ગણતરીમાં મૂકી રહી છે. હવે દક્ષિણ ગુજરાતના સંગઠનના સ્તરને સક્રિય કરવા માટે શુક્રવારે રાષ્ટ્રીય અધ્યક્ષ પરિશ્રમની પરાકાષ્ટા સર્જવા માટે કાર્યકરોને પ્રોત્સાહિત કરશે. સુરતના સંમેલન બાદ તેઓ અમદાવાદ પરત ફરશે અને શનિવારે નવી દિલ્હી પરત જશેે.

રવિવારે ગુરુપૂર્ણિમાના દિવસે ભાજપ અધ્યક્ષ સવારે અમદાવાદ આવી પહોંચશે અને એના પછી બે દિવસ સુધી પ્રદેશ સ્તરે બનાવાયેલા ૧૯ પ્રકલ્પો અને ૧૦ વિભાગોમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે રચાયેલી વ્યવસ્થાના આગેવાનો, પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ કોર કમિટીથી માંડીને છેક માઇક્રો સ્તર સુધીની કમિટીઓના આગેવાનોની ૨૦થી વધારે બેઠકો યોજીને સમગ્ર સંગઠનના સ્તરને ફૂલ થ્રોટલમાં ચૂંટણી માટે ગિયર અપ કરી દેશે.

ભાજપ-એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદના ગુજરાત પ્રવાસમાં કેટલાક ફેરફાર થયા હોવાનું જાણવા મળ્યું છે. હવે કોવિંદ ગુરુવારને બદલે મંગળવારે સાંજે ચાર વાગે ગાંધીનગર આવી રહ્યા છે. મંગળવારે કોળી સમાજ, ભાજપના આગેવાનો દ્વારા એરપોર્ટ ખાતે સ્વાગત થશે. સાંજે પાંચ વાગ્યા પછી ગાંધીનગરમાં કોવિંદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, સાંસદો સાથે બેઠક યોજશે. અહીં નોંધવું જરૂરી છે કે મંગળવારે સવારથી ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં ઉત્તર ગુજરાત ઝોનના પેઇજ પ્રમુખો, બૂથ સમિતિના પ્રમુખોનું મહાસંમેલન યોજાનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.