- અમદાવાદમાં રૂ. 1593 કરોડના 94 વિકાસ કામોના લોકાર્પણ – ખાતમુહુર્ત વેળાએ ગૃહ મંત્રીનું નિવેદન
- ભારતની સેનાએ પાકિસ્તાની સરહદની 100 કિમી અંદર જઈને આતંકીઓનો સફાયો કર્યોે: ગૃહમંત્રી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા અમિત શાહે પલ્લવ બ્રિજના લોકાર્પણ સહિત અમદાવાદ મહાનગરપાલિકા તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂ.1593 કરોડના ખર્ચે નિર્માણ પામનારાં કુલ 94 પ્રજાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.
પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સાથે કેન્દ્રીય મંત્રીએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાને બિરદાવતાં કહ્યું હતું કે પહેલગામ હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બિહારથી દેશની જનતાને કરેલો વાયદો પૂરો કર્યો અને 9 જેટલા આતંકી અડ્ડાઓનો ખાતમો કરવામાં સફળતા મેળવી છે. પાકિસ્તાનની સરહદમાં 100 કી.મી. ધુસી આતંકીનો સફાયો કર્યો.
કેન્દ્રીય મંત્રીએ આ અંગે વધુ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકીઓના સફાયા ઉપરાંત પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવાનું પણ મોટું કામ થયું. પાકિસ્તાનમાં આતંકવાદીઓના અડ્ડાઓ આવેલા છે અને એ જ આતંકવાદને ઉછેરે છે, એ બાબત આજે વિશ્વ સમક્ષ સ્પષ્ટ થઈ ચૂકી છે. ભારતીય સેનાઓના પરાક્રમ, સજ્જતા અને મારક ક્ષમતા ઉપરાંત વડાપ્રધાનની દૃઢ રાજકીય ઇચ્છાશક્તિને કારણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાયો છે. આજે વિશ્વના યુવાનો ભારત દ્વારા ભારતમાં જ બનેલી બ્રહ્મોસ મિસાઇલ અંગે જાણવા ઇન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે,
અમિતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનએ રાષ્ટ્રજોગ સંબોધનમાં ત્રણ બાબતો સ્પષ્ટ કરી છે, સિંધુનું પાણી અને લોહી એક સાથે નહીં વહે, ટ્રેડ અને ટેટરિઝમ એક સાથે ન થઈ શકે તથા ભારત હવે માત્ર પીઓકે અને આતંકવાદના ખાતમા અંગે જ વાતચીત કરશે. વડાપ્રધાનની રાજકીય દૃઢ ઇચ્છાશક્તિ અને દેશની સેનાઓની વીરતા અને સજ્જતા, ગુપ્ત એજન્સીઓની સટિક જાણકારીના વખાણ આજે દેશની 140 કરોડ જનતા કરી રહી છે.
ઓપરેશન સિંદૂર અંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં સુરક્ષા અને સીમાઓના રક્ષણ અંગે જ્યારે પણ ઇતિહાસ લખાશે ત્યારે ઓપરેશન સિંદૂર સુવર્ણ અક્ષરોમાં લખાશે. ઓપરેશન સિંદુર એ દેશની માતૃશક્તિને મળેલું સૌથી મોટું સન્માન છે. વડાપ્રધાનશ્રીએ છેલ્લાં 11 વર્ષમાં આર્થિક ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે પણ મજબૂત પાયો નાખ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આતંકવાદ, નક્સલવાદ અને દેશવિરોધી તત્વોને નાબૂદ કરવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહનું નેતૃત્વ સુરક્ષા દળોનું મનોબળ સતત વધારી રહ્યું છે. દેશની સીમા પાર અને સીમાની અંદર આતંકવાદને જડબાતોડ જવાબ આપીને નાગરિકોની શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતાના સેનાના આ શોર્યસભર પરાક્રમથી દેશવાસીઓમાં રાષ્ટ્રહિત પ્રથમની પ્રબળ ભાવના જાગી છે અને તિરંગાની શાન પણ વધી છે.