- વર્ગો ખંડોની મૂલાકાત લઈ અમિતભાઈએ વિદ્યાર્થીઓ સાથે કર્યા સંવાદ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું હતુ… કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે શેઠ ગિરધરલાલ ચુનીલાલ હાઇસ્કુલ ટ્રસ્ટ, પીલવાઈ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીની સ્મૃતિમાં નવનિર્મિત સુંદરલાલ મંગળદાસ શાહ સાંસ્કૃતિક ભવન અને અનિલચંદ્ર ગોકળદાસ શાહ વિદ્યાભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાભવનના લોકાર્પણ બાદ કેન્દ્રીય મંત્રીએ નવનિર્મિત વિદ્યાભવનમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ સહિત વિવિધ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો…
આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ તેમના પરિવારનું ટ્રસ્ટ દ્વારા સાલ અને વિદ્યાભવનનું સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતુ. વર્ષ 1927થી સંચાલિત આ શાળા વિશે વિગતો આપતા ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ગુણવત્તાસભર શિક્ષણ મેળવી સમાજના આદર્શ નાગરિક બને તે આ સંસ્થાની નેમ છે તેમજ વર્ષ 2026મા સંસ્થાને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે તેમ જણાવ્યું હતું..
આ પ્રસંગે અમિતભાઈ શાહના પુત્ર અને આઈ.સી.સી. અધ્યક્ષ જય શાહ સહિત પરિવારના સભ્યો, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જૈસમીન, નિવાસી અધિક કલેકટર જે.કે. જેગોડા, ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગોવર્ધનનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવતા: અમિતભાઈ શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે ગોવર્ધનનાથજી મંદિરે ભગવાન ગોવર્ધનનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભગવાન ગોવર્ધનનાથજીની પૂજા અર્ચના કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે ભગવાન ગોવર્ધનનાથજીની નવ નિર્મિત મંદિરમાં સ્થાપના પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાયના ડો. વાગિશકુમારજી મહારાજ કાંકરોલી નરેશ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જૈસમીન, નિવાસી અધિક કલેકટર જે.કે. જેગોડા, મંદિરના ટ્રસ્ટી સર્વ ઓ, વૈષ્ણવ સંપ્રદાય અને સમાજના સંતો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.