- કેન્દ્રીય ગૃહમંત્રીએ ભગવાન ગોવર્ધનનાથની પૂજા અર્ચના કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી
પીલવાઈ: આજ રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે ગોવર્ધનનાથ મંદિરે ભગવાન ગોવર્ધનનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભગવાન ગોવર્ધનનાથજીની પૂજા અર્ચના કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પારિવારિક પ્રસંગે અમિતભાઈ શાહના પુત્ર અને આઈ.સી.સી. અધ્યક્ષ જય શાહ સહિત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે ભગવાન ગોવર્ધનનાથની નવ નિર્મિત મંદિરમાં સ્થાપના પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાયના ડૉ. વાગિશકુમાર મહારાજ કાંકરોલી નરેશ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યસભા સાંસદ મયંક નાયક, લોકસભા સાંસદ હરિ પટેલ, અગ્રણી ગીરીશ રાજગોર, જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન, નિવાસી અધિક કલેકટર જે.કે. જેગોડા, મંદિરના ટ્રસ્ટી સર્વઓ, વૈષ્ણવ સંપ્રદાય અને સમાજના સંતો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.