Abtak Media Google News

લક્ષ્મીનગરનું નાલુ પહોળુ કરવાનું કામ ગતિમાં: રેલવેમાં રૂ.૩૯ લાખ જમા કરાવતું કોર્પોરેશન  હોસ્પિટલ ચોકમાં પણ બ્રીજ માટે ફિઝીબીલીટી રિપોર્ટની ફાઈલ સિટી એન્જિનીયરના ટેબલે પહોંચી

શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે મહાપાલિકા દ્વારા અલગઅલગ સ્થળોએ બ્રીજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. હાલ ૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી અને રૈયા ચોકડી ખાતે ફલાય ઓવરબ્રીજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તાજેતરમાં રાજય સરકારે બજેટમાં રાજકોટમાં આમ્રપાલી ફાટક અને હોસ્પિટલ ચોક ખાતે બ્રીજ બનાવવા રૂ.૬૦ કરોડની ફાળવણી કરી છે. મહાપાલિકા દ્વારા રૈયા રોડ પર આમ્રપાલી પાસે અંડરબ્રીજ બનાવવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે આજે પત્રકારો સાથે વધુ વાતચીત કરતાં મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શહેરના રૈયા રોડ પર આમ્રપાલી રેલવે ફાટક ખાતે અંડરબ્રીજ બનાવવા માટે તાજેતરમાં રાજય સરકાર દ્વારા બજેટમાં ૨૦ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. જયારે અહીં મહાપાલિકા દ્વારા અંડરબ્રીજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ટુંક સમયમાં ડિઝાઈન ફાઈનલ કરવામાં આવશે. બ્રીજ બનાવવા રેસકોર્સ કપાતમાં ન લેવું પડે તેની પુરતી કાળજી લેવામાં આવશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, લક્ષ્મીનગરનું નાલુ પહોળુ કરવાનો પ્રોજેકટ ગતિમાં છે. તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા આ કામ માટે રૂ.૩૯ લાખ ભરવા માટે તાકીદ કરતો એક પત્ર લખવામાં આવ્યો છે.

આ ડિપોઝીટરી વર્ક છે. જેમાં મહાપાલિકા માત્ર ડિઝાઈન ફાઈનલ કરશે અને નાણાની ચુકવણી કરશે બાકી તમામ પ્રકારનું કામ રેલવે વિભાગે કરવાનું રહેશે. રૂ.૩૯ લાખ રેલવેને ભર્યા બાદ લક્ષ્મીનગર નાલાને પહોળુ કરવા માટે અહીં બ્રીજ બનાવવા કે અન્ય કોઈ કામગીરી હાથમાં લેવી તે અંગે રેલવે વિભાગ દ્વારા ડિઝાઈન તૈયાર કરવામાં આવશે અને મહાપાલિકાની મંજુરી મેળવ્યા બાદ તેને આખરીઓપ આપવામાં આવશે.

મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે ઉમેર્યું હતું કે, સતત ટ્રાફિકની ધમધમતા એવા સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બ્રીજ બનાવવા માટે મહાપાલિકા દ્વારા જે-તે સમયે ફિઝીબીલીટી રીપોર્ટ બનાવવામાં આવ્યો હતો ત્યારે બ્રીજની ડિઝાઈન એવી બનાવવામાં આવી હતી કે બ્રીજનો એક છેડો કેસરી હિંદ પૂલ સુધી લંબાતો હોવાના કારણે આ રીપોર્ટ પેન્ડીંગ રાખવામાં આવ્યો છે. દરમિયાન તાજેતરમાં હોસ્પિટલ ચોક ખાતે બ્રીજ બનાવવા માટે રાજય સરકાર દ્વારા ૪૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે ફરી આ ફિઝીબીલીટી રિપોર્ટની ફાઈલ સિટી એન્જીનીયરના ટેબલે પહોંચી ગઈ છે. ટુંક સમયમાં ત્રણેય બ્રીજ માટેની પ્રાથમિક કામગીરી હાથ પર લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.