અમરેલી: ‘વંદે ગુજરાત 20 વર્ષનો સાથ, 20 વર્ષનો વિશ્વાસ’ અંતર્ગત જિલ્લા કક્ષાના મેળા-પ્રદર્શન યોજાશે

સિનિયર સિટીઝન પાર્કમાં 7 દિવસીય જિલ્લા કક્ષાના મેળા-પ્રદર્શનનો લાભ લેવા નગરજનોને અનુરોધ

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કુટિર અને ગ્રામોદ્યોગ , મહિલા અને બાળ વિકાસ અને માહિતી અને પ્રસારણ સહિતના વિભાગો દ્વારા ગુજરાત સરકારની 20ની વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન તેમજ 7 દિવસીય જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે,  અમરેલી ખાતે આગામી તા.6 થી તા.12 જુલાઈ, 2022 સુધી  ’વંદે ગુજરાત 20 વર્ષનો સાથ, 20 વર્ષનો વિશ્વાસ’ કાર્યક્રમ અંતર્ગત આ મેળો-પ્રદર્શન યોજાશે.

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિનિયર સિટીઝન પાર્ક ખાતે આ મેળા-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા આ કાર્યક્રમ સંબંધિત કામગીરી સંભાળશે. આ મેળામાં સરકારની વિકાસ યાત્રા સાથે જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને પૂરતું બજાર મળી રહે તથા બહેનોને સ્વરોજગારની પ્રવૃત્તિઓ થકી આર્થિક રીતે સમૃદ્ધિ મળી રહે અને તેમને   પ્રોત્સાહિત કરવાના હેતુથી વિવિધ  સ્ટોલ પણ આ મેળામાં રહેશે.  મેળાનો પ્રારંભ તા.5 જુલાઈ, મંગળવારના રોજ સાંજે 5.00 કલાકે થશે. જિલ્લાકક્ષા ઉપરાંત તાલુકા કક્ષાએ પણ આ મેળાઓ યોજાશે.

આ કાર્યક્રમના સુચારું આયોજન માટે આજે જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારી  દિનેશ ગુરવના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી  દિનેશ ગુરવે આ કાર્યક્રમના સફળ અમમલીકરણ માટે તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.