Abtak Media Google News

મુખ્યમંત્રી અમૃતમ યોજના કાર્ડની કામગીરી કરતી એન કોડ નામની એજન્સીને રાજ્ય સરકાર દ્વારા ટર્મિનેટ કરવામાં આવતા આજે સવારથી રાજકોટ સહિત રાજ્યભરમાં ‘માં’ કાર્ડ કાઠવા માટેની કામગીરી ઠપ્પ થઈ જવા પામી છે.જેના કારણે હજારો દર્દીઓમાં ભારે દેકારો બોલી ગયો છે.નવી એજન્સીને અપાયેલા કોન્ટ્રાક્ટની મુદ્દત આગામી ૧લી જુલાઇથી શરૂ થતી હોય ‘માં’કાર્ડની કામગીરી એક મહિના સુધી બંધ રહે તેવી દહેશત હાલ વર્તાય રહી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજ્યભરમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના કાર્ડ કાઢી આપવા સહિતની તમામ કામગીરીનો કોન્ટ્રાક્ટ રાજ્ય સરકાર દ્વારા એન કોડ નામની એજન્સીને આપવામાં આવ્યો હતો.એજન્સી દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટ ને નિયમિત પગાર ચૂકવવામાં આવતો ન હોવા સહિતના પ્રશ્ને ગત સપ્ટેમ્બર માસમાં રાજકોટમાં મા અમૃતમ કાર્ડની કામગીરી કરતા ઓપરેટરો હડતાલ પર ઉતરી ગયા હતા.જોકે ત્યારે એજન્સીએ નિયમિત પગારની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.છતાં કામગીરીમાં ભારે બેદરકારી દાખવતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એન કોડ નામની આ એજન્સીને ટર્મિનેટ કરી દેવામાં આવી છે.જે

ના કારણે આજે સવારથી રાજકોટ સહિત રાજ્યભરમાં મા અમૃતમ કાર્ડ કાઢવાની કામગીરી બંધ થઈ જવા પામી છે.જેના કારણે દર્દીઓ અને અરજદારોમાં ભારે દેકારો બોલી જવા પામ્યો છે. રાજકોટમાં અલગ અલગ પાંચ આરોગ્ય કેન્દ્ર પર માં અમૃતમ કાર્ડ કામગીરી ચાલતી હતી.જેમાં રોજ ૩૦૦થી ૪૦૦ કાર્ડ કાઢવામાં આવતા હતા.પરંતુ છેલ્લા ઘણા દિવસથી એકમાત્ર જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર ખાતે મા અમૃતમ કાર્ડની કામગીરી ચાલતી હોવાના કારણે દૈનિક માત્ર ૬૦ થી ૮૦ કાર્ડ  નીકળતા હતા.આજથી આ કામગીરી પણ ઠપ્પ થઈ જવા પામી છે.

રાજ્યભરમાં કાર્ડની કામગીરી શા કારણોસર બંધ છે તે અંગે અધિકારીઓ કોઈ અધિકૃત કારણ આપતા નથી પરંતુ જાણવા મળતી વિગત મુજબ એન કોડ નામની એજન્સીને ટર્મિનેટ કરવામાં આવી હોવાના કારણે માં કાર્ડની કામગીરી રાજ્યભરમાં અનિશ્ચિત મુદત માટે  બંધ થઈ જવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં  મુખ્યમંત્રી  અમૃતમ કાર્ડ માટેની કામગીરીનો કોન્ટ્રાક્ટ અલગ-અલગ એજન્સીને આપ્યો છે.જેમાં રાજકોટ સહિતના ૧૦ જિલ્લાનો કોન્ટ્રાક્ટ ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને આપવામાં આવ્યો છે.આ કંપની દ્રારા થર્ડ  પાર્ટીની નિમણૂક કરી મા કાર્ડની કામગીરી શરૂ કરશે.પરંતુ કોન્ટ્રાકટની મુદત આગામી ૧લી જુલાઇથી શરૂ થઇ રહી છે ત્યારે જો કોઈ વચગાળાનો નિર્ણય લેવામાં નહીં આવે તો રાજ્યભરમાં આગામી એક માસ સુધી માં  કાર્ડ કાઢવાની મુદત બંધ કામગીરી બંધ રહે તેવી દહેશત થવા પામી છે.

સવારથી રાજકોટ સહિત રાજ્યભરમાં માં કાર્ડની કામગીરી અચાનક બંધ થઈ જતા અધિકારીઓ સાથે અરજદારોમાં પણ દોડધામ મચી જવા પામી હતી.હાલ કોરોના કાળમાં રાજ્ય સરકારે માં કાર્ડ હોય તેને કોરોનાની સારવાર સ્વર  નિઃશુલ્ક આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે.જેના કારણે મા કાર્ડ કઢાવવા માટે હાલ લોકોનો સારો એવો ધસારો રહે છે  પરંતુ આજે સવારથી મા કાર્ડ કાઢવાની કામગીરી બંધ થઈ જતા લોકોમાં દેકારો બોલી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.