અમુલના મેનેજીંગ ડિરેકટર ડો.સોઢીને જાપાનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત, છેલ્લા 20 વર્ષમાં ભારતમાંથી આ એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યકિત

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ)ના મેનેજિંગ ડિરેકટર ડો.આર. એસ. સોઢીએ ટોક્યો જાપાનનો પ્રતિષ્ઠિત એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટિ ઓર્ગેનાઈઝેશન  રિજનલ એવોર્ડ મળેલ છે.અહીં એ બાબત નોંધવા પાત્ર છે કે ડો. સોઢી છેલ્લાં 20 વર્ષમાં ભારતમાંથી આ એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ છે. ભારત સરકારના વાણિજય અને અને ઉદ્યોગ મંત્રાલયના ઔદ્યોગિક પ્રોત્સાહન અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ (ડીપીઆઈઆઈટી) હેઠળ કાર્યરત નેશનલ પ્રોડકટિવિટી કાઉન્સિલ (એનપીસી) એ એપીઓ એવોર્ડ માટે ડો.સોઢીના નામની સર્વાનુમતે ભલામણ કરી હતી.

એનપીસી તાલિમ અને ક્ધસલ્ટન્સી પૂરી પાડે છે અને અનેક ક્ષેત્રોમાં સંશોધનની કામગીરી કરે છે. એનપીસી ટોકયો સ્થિત ઈન્ટર-ગવર્મેન્ટલ સંસ્થા એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઈઝેશન (એપીઓ), કે ભારત જેનુ સ્થાપક સભ્ય છે તેના ઉત્પાદનને પ્રોત્સાહનનાં આયોજનો અને કાર્યક્રમોનુ અમલીકરણ કરે છે.એપીઓ એનપીઓના સભ્ય દેશો પાસેથી નોમિનેશન મંગાવે છે. એપીઓ રિજિયોનલ એવોર્ડઝ દર પાંચ વર્ષે આપવામાં આવે છે અને દરેક દેશ તમામ નોમિનેશનમાંથી માત્ર એક જ ઉમેદવાર માટે નોમિનેશન મોકલાવી શકે છે. દર પાંચ વર્ષે માત્ર પાંચ એવોર્ડ આપવામાં આવે છે.

આ એવોર્ડ એવી વ્યક્તિઓને આપવામાં આવે છે કે જેમણે એશિયા પેસિફિક રિજિયનમાં ઉત્પાદકતાની મુવમેન્ટમાં યોગદાન આપ્યું હોય અને તે એપીઓનુ ચોકકસ અર્થતંત્ર નેશનલ એવોર્ડને પાત્ર બને છે.આ પ્રસંગે ડો. સોઢીએ ગુજરાતના 36 લાખ દૂધ ઉત્પાદકો વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો. ડો. સોઢી  ઈન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, આણંદ, (ઈરમા)ના પ્રથમ બેચના વિદ્યાર્થી છે. તે વર્ષ 1982માં ઈરમામાં થી અનુસ્નાતક પદવી પૂર્ણ બન્યા પછી તુરત અમૂલમાં જોડાયા હતા અને જૂન 2010 થી અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડિરેકટર પદે છે.આ એવોર્ડ સ્વીકારતાં તેમણે  અરૂણ કુમાર ઝા, આઈઈએસ, ડિરેકટર જનરલ, નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, ડીપીઆઈઆઈટી, ભારત સરકારનો એવોર્ડ માટે મિલ્કમેનને નોમિનેટ કરવા બદલ આભાર માન્યો હતો.

જીસીએમએમએફ અને તેના સભ્યો સંઘો  છેલ્લા 22 વર્ષથી  માત્ર માર્કેટીંગ , સેલ્સ અને પ્રોડકશન ટીમ માટે જ નહી પણ ગુજરાતનાં દુધ ઉત્પાદક સભ્યો માટે ટોટલ કવોલીટી મેનેજમેન્ટ પ્રોગ્રામ અમલમાં મૂકતી રહી છે.  તમામ સ્તરે ટોટલ કવોલીટી મેનેજમેન્ટ પ્રોગ્રામની પહેલ ઉપરાંત કોમર્શિયલ, સાયન્ટિફીક, સહકારી ડેરી ફાર્મીંગના અભિગમને પ્રોત્સાહનને કારણે ડેરી ક્ષેત્રના ખેડુતોની નવી પેઢીને પણ આ વ્યવસ્થામાં જાળવી રાખી શકાઈ છે.