રાજકોટ: ગોંડલ ચોકડી નજીક ટ્રક અને અમૂલ દૂધની વાન વચ્ચે સર્જાયો અકસ્માત

નિશીત ગઢિયા,રાજકોટ: શહેરના ગોંડલ ચોકડી નજીક વહેલી સવારે અમુલ દૂધની વાન અને પથ્થર ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પથ્થર ભરેલા ટ્રક પુરપાટ ઝડપે આવતો ત્યારે ઓચિંતા અમુલ દૂધની વાન સામે આવી જતા ટ્રક પલટી ખાઈ ગયો હતો. જોકે સદ નસીબે કોઈ જાનહાની થઈ નહતી. પરંતુ ટ્રકમાં ભરેલા પથ્થરો રોડ પર વેરાઈ ગયા હતાં. જેને પગલ ટ્રાફિસ સર્જાયો હતો અને લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ હતી.

ગોંડલ ચોકડી પાસે વહેલી સવારે દૂધ ભરેલા ટાટા ૪૦૭ ને બચાવવા જતા ટ્રક ચાલકે બ્રેક મારતા પલ્ટી મારી જઈ દૂધ ભરેલા વાહન સાથે અથડાયો હતો.અકસ્માતમાં રોડ પર દૂધ ઢોળાઈ ગયું હતું અને લાઈમ સ્ટોન ઢોળાઈ જતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. રાજકોટ તાલુકા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના ભીચરી ગામે રહેતો ટાટા ૪૦૭ ચલાવતો વેરશી હરજી બાંભવા ( ઉ.વ ૩૪) એ વહેલી સવારે દૂધ સાગર રોડ પર ડેરીમાંથી અમુલ દૂધ ભરી પુનિતનગરમાં ખાલી કરવા જતો હતો. ત્યારે ગોંડલ ચોકડી પાસે વળાંક લેતી વેળાએ પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે ફૂલ ટર્ન મારી બ્રેક મારતા ટ્રક પલટી મારી જઈ દૂધ ભરેલા વાહન સાથે અથડાયો હતો.જેના કારણે ૫૦ જેટલા દુધના કેરેટ રસ્તા પર ઢોળાઈ જતા રૂ. ૪૫૦૦૦ ની નુકશાની થવા પામી હતી.

જ્યારે સામાં પક્ષે રાણાવાવથી લાઇમસ્ટોન ભરી સુરત જતા ટ્રક ચાલક કૌશિક કાનભાઈ સરવૈયા ( ઉ.વ ૨૭ રહે. રાણાવાવ ) ને શરીરે નાની મોટી ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં તબીબી સારવાર મેળવી હતી. ઇજાગ્રસ્ત ચાલક કૌશિકે જણાવ્યું હતું કે ગોંડલ ચોકડી પાસે રોગ સાઈડમાં આવતા દૂધના વાહનને બચાવવા જતા ટ્રક પલ્ટી મારી જઈ વાહન સાથે અથડાયો હતો. રસ્તા પર લાઈમ સ્ટોન ઢોળાઈ ગયો હતો અને ટ્રકમાં નુકશાની થવા પામી હતી. અકસ્માત અંગેની જાણ થતાં તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.