Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા:

શિવ પુત્ર, ગૌરી નંદન એવા શુદ્ધિકર્તા, વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપ્પા પધારી રહ્યા છે. ગણેશોત્સવની સૌ કોઈ આતુરતાથી રાહ જોતાં હોય છે. બજારમાં અવનવી, આકર્ષક મૂર્તિઓ જોવા મળી રહી છે. જો કે હાલ પ્રદૂષણને ધ્યાનમાં રાખી પર્યાવરણને સુસંગત મૂર્તિઓ બનાવવામાં આવે તેમ તંત્ર અને પર્યાવરણપ્રેમીઓ આપી કરી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના જયંતીભાઈ જોષી પ્રકૃતિની અનોખી સેવા કરી રહ્યા છે. તહેવારો પ્રકૃતિ સાથે છેડછાડ માટે નહીં પણ સંવર્ધન માટે છે તેમ તેઓએ સાબિત કરી બતાવ્યુ છે.

સાબરકાંઠા જિલ્લામાં હાલમાં આવનાર ગણેશ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. આ ગણેશ ઉત્સવમા ગણપતિની માટીની મૂર્તિઓ બનાવી જયંતીભાઈ પ્રકૃતિની સેવા કરતા હોવાનું ગૌરવ અનુભવે છે. જયંતીભાઈ જોષી જિલ્લા પંચાયતના નિવૃત્તિ કર્મચારી છે. તેઓ ગણપતિજીની ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું નિર્માણ કરી વેચાણ કરે છે.

                   તહેવારો પ્રકૃતિ સાથે છેડછાડ માટે નહીં પણ સંવર્ધન માટે છે- જયંતીભાઈ

આ મૂર્તિઓ માટે તેઓ કલકત્તાથી ખાસ માટી મંગાવે છે. આ માટીની વિશેષતા એ છે કે આ મૂર્તિઓ તડકામાં સુકવતા તેમાં તીરાડ પડતી નથી અને  પાણી પડતા સાથે જ ઓગળવા લાગે છે. જેથી આ મૂર્તિ નદીમાં પધરાવવામાં આવે ત્યારે તે સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે.

Whatsapp Image 2021 09 07 At 4.15.56 Pm

આ પ્રકારની મૂર્તિઓથી નદીના અન્ય જીવોને કોઈ નુકસાન થતું નથી. ઉપરાંત પાણી પણ પ્રદુષિત થતું નથી. આ મૂર્તિઓને શણગાર માટે વાપરવામાં આવતા રંગ પણ નાના બાળકોને વાપરવામાં આવતા વોટર કલરનો જ ઉપયોગ કરી શણગારવામાં આવે છે. તેઓ આ અંગે જણાવે છે કે,  સરકારની ગાઈડલાઈન મુજબ ચાર ફૂટ સુધીની જ મૂર્તિઓ બનાવે છે. તેમની પાસે ૬ ઇંચથી લઈને ૪ ફૂટ સુધીની ગણપતિજીની મૂર્તિ વેચાણ માટે ઉપલબ્ધ છે. જેની કિંમત  રૂ. ૨૦૦/- થી લઈ રૂ. ૫૦૦૦/- સુધીની છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ આ કામ કરી રહ્યા છે.

યંતીભાઈ જોષીએ વધુમાં જણાવતા કહ્યું કે, લોકોમાં હવે જાગૃતિ આવી રહી છે કે પ્રકૃતિને નુકશાન ન થાય તેમ તહેવારોની ઉજવણી કરવી. હવે લોકો પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિઓ વધુ પસંદ કરે છે. આ મૂર્તિઓનુ વિર્સજન સરળતાથી થાય છે અને પ્રકૃતિને નુકશાન થતુ નથી.

પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ નદી કે તળાવમાં પધરાવતા તે ઓગળતી નથી અને તેના કારણે નદીઓમાં અને તળાવોમાં પ્રદૂષણ ફેલાય છે. જેથી જળચર જીવો મૃત્યુ પામે છે. સાથે પાણી દુષિત થઇ ઉપયોગ લાયક રહેતુ નથી. જ્યારે આ માટીથી બનેલી મૂર્તિઓ નદી તળાવ કે પછી ઘરે પાણી ભરેલા પાત્રમાં મુકી વિર્સજીત કરી શકાય છે. કારણ કે આ માટી ઓગળી જતાં તેને પોતાના ઘરના બગીચા કે તુલસી ક્યારામાં વાપરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.