Abtak Media Google News

આઈસીયુમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે પ્રાણવાયુનું
એકાએક ઘટી ગયેલુ પ્રેસર ઘાતક નિવડ્યું

કોરોના મહામારીમાં દિવસે-દિવસે પ્રાણવાયુ સંબંધી કટોકટીના ગમગીન સમાચારોની હારમાળા રચાઈ રહી છે ત્યારે ચેન્નઈમાં કોવિડ-19ની કેર સેન્ટરમાં આઈસીયુમાં સારવાર લઈ રહેલા 11 દર્દીઓનું ઓક્સિજનના અભાવે મોત નિપજયા હતા. ચેનગાલપેટ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મંગળવારે બપોર બાદ એકાએક ઓક્સિજન લાઈનમાં વાલ્વમાં ખામી સર્જાતા રોકાઈ ગયેલા ઓક્સિજનના કારણે 11 જેટલા દર્દીઓનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

આઈસીયુમાં દાખલ એક દર્દીએ પરિસ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, મંગળવારે બપોરબાદ એકાએક ઓક્સિજનનું દબાણ ઓછુ થઈ જતાં બે દર્દીઓના તાત્કાલીક મોત નિપજયા હતા. ફરીથી મધરાત્રે આ જ પરિસ્થિતિ સર્જાતા 2 કલાકમાં જ 11 દર્દીના શ્ર્વાસ થંભી ગયા હતા. મારાથી 2 પથારી દૂર એક મહિલા ઘણીવાર સુધી પ્રાણવાયુના અભાવે તડફડી મૃત્યુ પામી હતી. મેં મારા જીવનમાં આવી કટોકટીભરી પરિસ્થિતિ નિહાળી નથી. માત્રને માત્ર ઓક્સિજન લાઈનમાં વાલ્વની ખામીને લીધે આ બનાવ બન્યો હતો.

ડોકટરો અને નર્સોએ બાળકો અને બુઝુર્ગને બચાવી લેવા માટે બનતા પ્રયાસો કર્યા હતા. હાથના ઉપકરણો અને ઓક્સિજનના બાટલાથી છેલ્લી ઘડી સુધી દર્દીને બચાવવાના પ્રયાસો થયા હતા. આ હોસ્પિટલમાં 8 માળમાંથી 3 માળ કોવિડ દર્દીઓ માટે ફાળવાયા છે અને દરેક માળમાં એક ડોકટર તેમજ બે નર્સો હોવાથી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ભારે મુશ્કેલી સર્જાઈ હતી.માત્ર એક વાલ્વની ખામીને કારણે 11ના પ્રાણ અધ્ધવચ્ચે અટકી ગયા હતા.

તાળા બંધ આઈસીયુમાં મૃતદેહોના ખડકલાના વાયરલ વીડિયોથી અરેરાટી

કોરોના કટોકટીમાં હોસ્પિટલો અને સ્મશાન ઘાટ, કબ્રસ્તાનમાં મૃતદેહોની લાઈનોના સમાચાર આવતા રહે છે પરંતુ ગોરેગાવની હોસ્પિટલમાં તાળાબંધ આઈસીયુમાં મૃતદેહોના ખડકલા અને કોઈ રખેવાળી ન હોવાથી પરિસ્થિતિના વાયરલ વીડિયોએ અરેરાટી ફેલાવી દીધી છે. ગોરેગાવની કિર્તી હોસ્પિટલમાં 6 કોરોના પેશન્ટના મૃત્યુ નિપજયા બાદ મૃતદેહોને આઈસીયુમાં તાળુ બંધ કરીને રાખી દીધા હતા. ડોકટર અને સ્ટાફનો કોઈ પત્તો જ નહોતો. દર્દીઓએ પોતાના સ્વજનોના મૃતદેહ માટે રઝળપાટ કરવા પડ્યા હતા. વાયરલ વીડિયોમાં મૃતદેહોને આઈસીયુમાં તાળુ મારીને ખડકી દેવામાં આવ્યાનું દર્શાવ્યું હતું. 15 થી 20 સ્ટાફ ધરાવતી આ હોસ્પિટલના વાયરલ વીડિયોથી હરકતમાં આવેલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા મોટાભાગનો સ્ટાફ ગેરહાજર હતો. મોહનરાય નામના કર્મચારી મળ્યો હતો તો તેણે જણાવ્યું હતું કે, હું ઓક્સિજનના ખાલી બાટલા રીફલીંગ કરવા ગયો હતો. હોસ્પિટલમાં મૃત્યુ પામતા દર્દીઓની અવહેલનાના આ વીડિયોએ ભારે અરેરાટી ફેલાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.