ગુજરાતી મૂળાક્ષરોમાં એક અણગમતો શબ્દ “ઢ ” :  ભલભલાને શરમાવી ધ્યે બોલો!

દરેક પતિએ એકવાર તો પત્ની પાસેથી સાંભળ્યું જ હશે કે તમે તો સાવ “ઢ” છો!  

ગુજરાતી ભાષા ખૂબ જ વેવિધ્ય ધરાવતી ભાષા છે. વિશ્વમાં સૌથી વધારે બોલતી ભાષાઑ જોવા જઈએ તો આપણી ગુજરાતી ભાષા ટોપ ૨૫માં આવે છે. જે આપણે ગર્વ લેવા જેવી વાત છે. ગુજરાતી ભાષામાં પણ બોલીની વાત કરીએ તો આ જ ભાષાની કેટ કેટલી તો બોલી છે. જેના માટે આપણાં વડવાઓ કહી ગ્યાં કે બાર ગાંવે બોલી બદલે , તરવર બદલે શાખા, બુઢાપામાં વાળ બદલે પણ લખણ નો બદલે લાખા! આપણે ત્યાં બાર બાર ગાવે ગુજરાતીની બોલી પણ બદલાઈ જાય છે એટલી વિશાળ છે આપણી ગુજરાતી ભાષા.

ગુજરાતી ભાષા ખૂબ જ અર્થ સંપૂર્ણ છે કે જેના મૂળાક્ષરોનો એક શબ્દ પણ ખૂબ મોટો અર્થ આપે છે. ગુજરાતી ભાષાના શબ્દની મારે આજે તમને વાત કરવી છે એ શબ્દ છે ‘ઢ’!  આ કાનો માત્રા વિનાનો શબ્દ ઢ મોટો ઇંગ્લિશ શબ્દ NonSense ને સાવ ટૂંકમાં પતાવી ધ્યે છે. હા દરેક પરિણીત પુરુષે એકવાર તો આ શબ્દ સાંભળ્યો જ હશે કે તમે તો સાવ ઢ છો! પછી પતિ ભલેને ઊંચામાં ઊંચી પોસ્ટ પર હોય તોય દરેક પતિને એકવાર તો પત્નીએ કીધું જ હોય કે તમે તો સાવ ઢ છો. માત્ર એટલુજ નહીં પણ કેટલીક સ્ત્રીઓ તો ઓટલા ચર્ચામાં પણ કહી દેતી હોય છે કે તમારા ભાઈ તો સાવ ‘ઢ’ છે! મિત્રો ગુજરાતી ભાષાનો આ ઢ કેવડો મોટો અર્થ આપે છે. ઢ એટ્લે? ઢ એટ્લે નોનસેન્સ, ઢ એટ્લે બુધ્ધિ વગરનો , ઢ એટ્લે બેવકૂફ! આ એક જ અક્ષરના કેટકેટલા અર્થ છે. આ શબ્દનો અર્થ કોણ કોને કહે છે તેના પર પણ નિર્ભર કરે છે હો! પત્ની જો પતિને ઢ કહે તો પતિ ચૂપચાપ સાંભળી લ્યે ને શરમાય જાય, હા પત્ની સામે તો બીજું થાય પણ શું? મિત્ર જ્યારે બીજા મિત્રને ઢ કહે ત્યારે મજાક બનતી હોય છે. જ્યારે બોસ તેના કર્મચારીને ઢ કહે ત્યારે ખરેખર જોવા જેવી થાય! ત્યારે કર્મચારીને આ શબ્દ અપમાનિત કરતો સાબિત થાય છે. આ ‘ઢ’ની વિવિધતા છે. ભલભલા શબ્દ હોય કે ભલભલા વાક્ય હોય કે ગ્રંથ હોય તે પણ અર્થ પૂરો પાડવામાં કાચા પડતાં હોય છે ત્યારે ઢ અક્ષર વિવિધ જગ્યાએ અને વિવિધ લોકો સામે સચોટ અર્થ પ્રદાન કરે છે.

હવે વાત કરું ઢ લોકોની. આ અક્ષર કે શબ્દ આપણે વાપરવો હોય તો વાપરવો કોની સામે? આવા ઢ લોકો આપણી આસપાસ પણ આસાનીથી મળી જાય હો એટ્લે આવા ‘ઢ’ને શોધવા બિલોરી કાચની જરુર નહીં. આ ‘ઢ’ લોકોની સમાજમાં  એક અલગ જ શ્રેણી છે. હવે આપણે આવા ‘ઢ’ લોકોને ઓળખીએ. જે લોકો પોતાનો મગજ ઉપયોગ નથી કરતાં એ લોકો ‘ઢ’ સમજવા. નાના બાળકો કડી ઢ નથી હોતા કેમ કે એક બાળક જેટલું જિજ્ઞાસુ આ દુનિયામાં કોઈ નથી પણ આજનો યુવાન બિલકુલ પણ જિજ્ઞાસુ કે કામ પ્રત્યે કે જ્ઞાન માટે ઉત્સુક નથી એટ્લે આ બધા ઢ સમજવા. આ બધા ને ઢગા પણ કહી શકીએ. ઢ લોકોમાં કોમન સેન્સ નથી હોતી. કહેવાય છેને કે કોમન સેન્સ ઈજ વેરી અનકોમન! એટ્લે કોમન સેન્સ વગરના લોકોને ઢ શ્રેણીમાં સમાવેશ કરી શકાય. આવા ઢગા પછી સમાજમાં ઢેફા ભાંગતા તમને જોવા મળશે. આજે તો ગમે તેટલું ભણેલા માંસ પણ ‘ઢ’ થઈ ગ્યાં છે.  દુનિયાભરનું જ્ઞાન હોવા છતાં તેનો ઉપયોગ નથી કરી જાણતા લોકો માટે મોટો ‘ઢ’ ઉપયોગ કરવો પડે. આજે ગુગલિયા યુગમાં આવા ઢ ઠેરઠેર જોવા મળશે. પોતાના કામમાં પણ નિપુણતા ન ધરાવતા  હોય ને પછી દેકારો કરતાં હોય કે સરકાર અમારી નોકરી માટે કશું નથી કરતી ત્યારે આવા કૌશલ્ય વગરના લોકો ઢ શ્રેણીમાં આવે છે. હવે અમુક લોકો એવા પણ આપણી આસપાસ હોય છે કે તેને આપણે ગમે તેટલું કહીએ કે સમજાવી કઈ અસર જ થતી નથી. આવા અસરહીન લોકો કે ભાવહીન લોકો હે ગધેડાને પણ સારો કહેરાવે તે લોકો આ ‘ઢ’ શ્રેણીમાં આવે છે. અમુક લોકો દીવા સ્વપ્નમાં જ રમતા હોય છે. આ લોકોનું શરીર તો હોય જ કામની જગ્યાએ પણ મન ઘાસ ચરતું હોય છે. આવા લોકોને પ્રેઝેંસ ઓફ માઇન્ડ હોતુજ નથી. આવા મનવિહીન લોકો પણ આ ‘ઢ’ શ્રેણીમાં જગ્યા રોકે છે.

હવે આ ઢ લોકો જો પોતાની અંદર સુધારો ના લાવે તો ઢ જ રહે છે. આજે જેમ જેમ સ્માર્ટ મોબાઈલ ને કોમ્પ્યુટર આવતા ગયા છે તેમ તેમ આ ‘ઢ’ શ્રેણીમાં લોકોનો વધારો થતો જાય છે. આજે મોબાઈલ સ્માર્ટ થઈ ગ્યાં છે પણ માણસો ‘ઢ’ થઈ ગ્યાં છે. એવું સાબિત થઈ ગયું છે કે આપનું મગજ પાંચ એનસાયકલોપીડિયા જેટલી માહિતી સાચવી શકે છે પણ આજે આપણે આપણાં જ મગજની ક્ષમતા ભૂલી રહ્યા છીએ અને નાનામાં નાની માહિતી માટે ઇન્ટરનેટ પર નિર્ભર રહીએ છીએ. મિત્રો ઢ શ્રેણીમાંથી બહાર નીકળવું હોય તો મગજને સ્માર્ટ બનાવો મોબાઈલને નહીં. સારા વાંચનની ટેવ પાડશો તો જ સારું વિચારી શકશો. જે લોકો કારણ વગર સામાન્ય વાતચીતમાં પણ પોતાનો વટ પાડવા ઇંગ્લિશમાં વાતો કરે છે અને એવું માને છે કે ઇંગ્લિશ બોલવાથી સામેવાળો પ્રભાવીત થઈ જાશે એ લોકો પણ ‘ઢ’ જ છે કેમ કે આ લોકો એ પોતાની માતૃભાષાની મહાનતા જાણી જ નથી. એ ભાષા કે જેનો એક શબ્દ મસમોટા અંગ્રેજી વાકયોને ટૂંકમાં સમજાવી ધ્યે ત્યારે તેની સામે ગમે એવી વિદેશી ભાષા નાની પડે હો. ગુજરાતી માટે કથાકાર મોરારી બાપુએ તો ત્યાં સુધી કહ્યું છે કે ગુજરાતીએ માત્ર ભાષા નથી ગુજરાતી તો આપનો ધર્મ છે.

છેલ્લો ઘા યોગીતનો- કોઈ ‘ઢ’ ને ‘ઢ’ કહેવું એ મોટું સાહસ છે કેમ કે એ ‘ઢ’ ઢાંઢાની જેમ માથું પાટુ મારીને ઢીમ ઢાળી ધ્યે તો કઈ કહેવાય નહીં!

-યોગીત બાબરિયા ‘કલાકાર’  [email protected]