Abtak Media Google News

શહેરના તમામ સર્કલો,સરકારી ઇમારતો શણગારાયા! દસ હજાર દિવડાથી કરાશે આજી ડેમની આરતી

આગામી તા. ૨૯ જૂનના રોજ વડાપ્રધાન   નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી   વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૮ હજાર જેટલા દિવ્યાંગોને સાધન સહાય વિતરણનો મેગા કેમ્પ તથા આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણા ઉપરાંત રોડ શો યોજાનાર છે, તેને પગલે  અભૂતપૂર્વ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. વડાપ્રધાન બન્યા બાદ   નરેન્દ્રભાઇ મોદી પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા હોવાથી તેમનું જાજરમાન સ્વાગત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

બપોર બાદ રેસકોર્સના મેદાનમાં ૧૮ હજાર કરતા પણ વધુ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કરવાનો મેગા કેમ્પ યોજાશે. મહાનુભાવોના હસ્તે સાધનોનું વિતરણ કરવામાં આવશે. ગુજરાતમાં નવસારી, વડોદરા બાદ રાજકોટ ખાતે આ પ્રકારે મેગા કેમ્પ યોજાવા જઇ રહ્યો છે. અત્યાર સુધી યોજાયેલા કેમ્પોમાં ભારતનો આ સૌથી મોટો કેમ્પ છે અને તેને ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેની સાથે એક હજાર કરતા પણ વધુ શ્રવણ-વાચા અશક્ત દિવ્યાંગો સાંકેતિક ભાષામાં રાષ્ટ્રગાન કરશે. જેનો પણ વિક્રમ બનશે. આ પૂર્વે વડોદરામાં ૭૦૦ દિવ્યાંગોએ આ રીતે રાષ્ટ્ર ગાન ગાયું હતું.

આ કેમ્પમાં સહભાગી બનનારા દિવ્યાંગોને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તેની તકેદારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે. દિવ્યાંગોને તેમના ગામથી રાજકોટ લઇ આવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે, તેના વાલી પણ રહી શકશે. દિવ્યાંગો માટે પાણી ઉપરાંત સવારે નાસ્તો, બપોર અને સાંજે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ ખાતે કાર્યક્રમ દરમિયાન આ દિવ્યાંગોની સંભાળ લેવામાં પાંચ હજાર કરતા પણ વધુ સ્વયંસેવકો કાર્યરત બનશે. જેમાં એનસીસી તથા એનએસએસના યુવાનો, સેવાભાવી યુવાનો જોડાશે. કલર કોડ પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એલીમકો નામે ઓળખાતી કેન્દ્ર સરકારની કંપની આર્ટીફિશિયલ લિમ્બ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇન્ડિયા દ્વારા સાધનો રાજકોટમાં આવી ગયા છે. જેને રેસકોર્સ તથા અન્ય સ્થળોએ રાખવામાં આવ્યા છે. આ કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ પણ રાજકોટમાં કેમ્પ કર્યો છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કૂલ મળી અંદાજે રૂ. ૧૨ કરોડના સાધનો આ દિવ્યાંગોને આપવામાં આવશે.

એ બાદ આજી ડેમ ખાતે નર્મદાના નીરના વધામણા કરવા માટે વડાપ્રધાન  તથા મુખ્યમંત્રી  પહોચશે. અહીં જાહેરસભા પણ સંબોધશે. મચ્છુ ડેમથી ત્રંબા સુધી ૩૧ કિલોમિટર લાંબી પાઇપ લાઇન નાખી નર્મદાનું પાણી આજી ડેમમાં પહોંચાડવામાં આવ્યું છે. વિશેષ બાબત તો એ છે કે તા. ૨૫-૯-૧૨ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી   મોદીએ રાજકોટ ખાતેથી જ બહુહેતુક સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજનાની જાહેરાત કરી હતી. પાંચ વર્ષ તથા ૧૦ માસ બાદ નર્મદાના પાણી રાજકોટ આવી ગયા છે. સૌરાષ્ટ્ર માટે એક મિલિયન એકર ફિટ પાણી એટલે કે ૪૩૫૦૦ એમ.સી.એમ.ટી, આટલા પાણીથી સાત ભાદર ડેમ અથવા ચાર શૈત્રુંજી ડેમ, રાજકોટના આજી-૧ ૪૫ વખત ભરાય એટલું પાણી સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમોમાં આવનાર છે. આ યોજના હેઠળ ડેમો તબક્કાવાર નર્મદાના પાણીથી ભરાવા લાગ્યા છે.

આજી ડેમ રાજકોટનું પાણીયારૂં છે. આ ડેમ છલકાય એટલે રાજકોટના નગરજનોનો હરખ પણ ક્યાંય સમાય નહીં. રાજકોટ શહેરને પાણી પૂરૂ પાડવા માટે આજી ડેમમાં સંગ્રહિત થયેલું પાણી મહત્વનું છે. આ ડેમમાં નર્મદાના પાણી પહોંચ્યા એટલે ઘરેઘરે આનંદ છવાય એ સહજ બાબત છે. એક સમય એવો હતો કે જ્યારે, ખાસ ટ્રેન મારફત પાણી લાવી રાજકોટમાં વિતરણ કરવામાં આવતું હતું. હવે, પાણીની સમસ્યા રાજકોટ માટે ભૂતકાળ બની ગઇ છે. એનું શ્રેય મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીને આપવું ઘટે.

આજી ડેમ ખાતેના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નો રોડ શો યોજાશે. આજીડેમથી એરપોર્ટ રોડ સુધી ૮.૭ કિલોમિટર લાંબા રોડ શો દરમિયાન મહાનુભાવો લોકાભિવાદન ઝીલશે. વિવિધ સમાજના અગ્રણીઓ, પરંપરાગત ગાયનવાદન સાથે વડાપ્રધાન  તથા મુખ્યમંત્રી નું અભિવાદન કરવામાં આવશે. રોડ શો આજી ડેમ, અમૂલ સર્કલથી ચુનારાવાડ સર્કલ, ગેલેક્સી ચોક, પારેવડી ચોક, સિવિલ ચોક, ચૌધરી હાઇસ્કૂલથી રેસકોર્સ, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોકથી એરપોર્ટ તરફ જશે. રોડ શોમાં બાઇક સવાર યુવાનો પણ જોડાશે.

આ મુખ્ય ત્રણ કાર્યક્રમને પગલે રાજકોટ શહેરને શણગારવામાં આવશે. રોડ શોના માર્ગ ઉપરાંત રાજકોટ શહેરના તમામ સર્કલો, સરકારી ઇમારતોને પણ શણગારવામાં આવશે.

લોકઉત્સાહને ધ્યાને લઇ રાજકોટ શહેરના મુખ્ય વિસ્તારોમાં લોકડાયરાઓ યોજવામાં આવી રહ્યા છે. આજી નદીમાં સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ઉપમુખ્યમંત્રી   નીતિનભાઇ પટેલે પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત આજી ડેમ ખાતે દસ હજાર દિવડાની આરતી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.