Abtak Media Google News

રાજય સરકાર પશુઓની સારવાર તેમજ તેમના પ્રત્યે કરૂણા દાખવી પશુ પંખીઓની પણ ખેવના કરી રહી છે તેમ જણાવીને પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ ખાતે પશુ સારવાર માટેના આધુનિક સુવિધાસભર એનીમલ હસ્બન્ડરી સેન્ટર સહિત પશુચિકિત્સાના રૂ.1.75 કરોડના કામોનું ખાતમુહુર્ત કર્યું હતુ.

મંત્રી  કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ ખાતે રૂ. 50 લાખના ખર્ચે બનનાર પ્રાયમરી એનીમલ હસ્બન્ડરી સેન્ટર તેમજ રૂ.1.10 કરોડના ખર્ચે બનનાર વેટરનરી ઓફિસર એન્ડ એન્સીલરી વર્ક વેટરનરી તથા રૂ. 15 લાખના ખર્ચે રીપેરીંગ વર્ક ઓફ ઓપરેશન થીયેટર ઇન્ડોર પેશન્ટ રૂમ બુલશેડ રૂમ તેમજ પટાવાળા કર્વાટર રીનોવેશન તેમજ ઇલેકટ્રીક ફીટીંગ કામો મળી કુલ રૂ.1.75 કરોડના વિકાસ કામોનું ખાતમુહુર્ત કર્યું હતુ.

રાજકોટ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ અને પશુપાલન  વિભાગ આયોજિત કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં પશુઓ પ્રત્યે સંવેદના દાખવી સરકાર દ્વારા જે રીતે લોકો માટે 108ની સવલત છે તેવી જ સવલત પશુઓની સારવાર માટે 1962 હેલ્પલાઇન શરૂ કરી પશુઓની તાત્કાલિક સારવાર માટે સુવિધા  કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર સંપર્ક કરવાથી અકસ્માતમાં ઘવાયેલા કે બીમાર થયેલા પશુઓની સારવાર માટે મોબાઇલ વાન પશુ તબીબની સેવા સાથે સ્થળ પર આવે છે. માલીક વગરના પશુઓની સારવાર માટે પણ કામ કરવામાં આવે છે. જિલ્લા કક્ષાએ રાજય સરકાર દ્વારા 37 કરૂણાવાન પણ ચાલુ કરવામાં આવી છે. સરકાર દ્વારા 10 ગામ દીઠ એક પશુ મોબાઇલ વાન શરૂ કરવામાં આવી છે. 460 વાનમાંથી બાકીની 50 વાન પણ હવે ટુંક સમયમાં શરૂ થશે.

આ કાર્યક્રમમાં કાર્યક્રમની રૂપરેખા અને પશુ સારવાર માટે જસદણમાં શરૂ થનાર સુવિધા અંગે રાજકોટના નાયબ પશુ નિયામક  કે.યુ.ખાનપરાએ વિગત આપી હતી.આ કાર્યક્રમમાં અગ્રણી રવજીભાઇ સરવૈયા, દુર્ગેશભાઇ કુબાવત, કાર્તિકભાઇ, મેમુબભાઇ, દીપુભાઇ ગીડા,ગજેન્દ્રભાઇ, રામભાઇ, દેવશીભાઇ તેમજ ડો.એન.ડી.કાગડા સહિતના ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.