Abtak Media Google News

બે બહેનોને ભગાડી જનારની દુકાનને આગ ચાંપી:ચુસ્ત બંદોબસ્ત

અંજારમાં બે બહેનોને વિધર્મી યુવકે ભગાડી ગયા બાદ યુવતીનો કોઇ પત્તો ન મળતાં શુક્રવારે બજારમાં આવેલી યુવકની દુકાનને ટોળાંએ ભેગા મળી સામાન બહાર ફેંકી દુકાન અને સામાનને આગ લગાડી દેતાં અંજારમાં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવને પગલે પૂર્વ કચ્છનો ભારે પોલીસ કાફલો અંજાર ખાતે ખડકી દેવામાં આવ્યો હતો.અંજારમાં ગત ૨૮ના એક જ પરિવારની બે બહેનોને વિધર્મી યુવકે ભગાડી જતાં પોલીસ ફરિયાદ કરાઇ હતી, પરંતુ બે દિવસ બાદ પણ યુવતીઓનો કોઇ પત્તો ન લાગતાં પરિવારજનો અને સમાજના લોકો રોષે ભરાયા હતા. આ દરમિયાન શુક્રવારે સાંજે ૪:૩૦ વાગ્યાના અરસામાં ૪૦૦ થી  ૫૦૦ લોકોના અજાણ્યા ટોળાએ ૧૨ મીટર બજારમાં આવેલી ભગાડી જનારા યુવકની મનાતી દુકાન પાસે પહોંચ્યા હતા. દુકાનમાં બેઠેલા વ્યક્તિને માર મારી ભગાડી દઇ દુકાનનો સામાન બહાર ફેંક્યો હતો.

આ જ સમયે પોલીસની એક વાન ટોળા સુધી પહોંચી ગઇ હતી, પરંતુ ૫૦૦ જેટલા લોકોના ટોળા સામે તેઓ લાચાર બની ગયા હતા. ટોળાએ સામાન બહાર ફેંકતા સમગ્ર બજારની દુકાનો ટપોટપ બંધ વા લાગી હતી. ટોળાએ દુકાનનો સામાન અને ફર્નિચર સહિતનો માલ રસ્તા પર ફેંકી આગ ચાંપી દીધી હતી.  દરમિયાન, આ વાત ગામમાં ફેલાઇ જતાં એક તબક્કે અફરાતફરી મચી જવા પામી હતી. ટોળાએ આગ ચાંપી વિખેરાઇ ગયું હતું. દુકાનની બાજુની કંદોઇની દુકાનમાં ગેસ સિલિન્ડર હોવાની વાત મળતાં આગ બૂઝાવી રહેલા ફાયરફાઇટરને પણ પસીનો છૂટી ગયો હતો, પરંતુ આગ પર હેમખેમ કાબૂ કરી લેવામાં આવ્યો હતો. બનાવના પગલે પૂર્વ કચ્છની પોલીસ અંજારમાં ખડકી દેવાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.