- કુખ્યાત ગોસ્વામી ભાઈ અને બે બહેનો પર પૂર્વ કચ્છ પોલીસે ત્રિપુટી પાસામાં શસ્ત્ર ઉગામ્યું
- PI એ.આર. ગોહિલ અને LCB PI એન.એન. ચુડાસમા તથા સ્ટાફે ઓપરેશન હાથ ધરી ત્રણેયની અટક કરી
- અગાઉ આરતી ગોસ્વામી, રીયા અને તેજસ ત્રણે સામે વ્યાજખોરીના વિવિધ ગુનાનો નોંધાયા
- બંને બહેનોને અમદાવાદ મધ્યસ્થ જેલ અને ભાઈને રાજકોટ જેલ ધકેલાયા
અંજારમાં વ્યાજખોરી માટે કુખ્યાત ગોસ્વામી ભાઈ અને બે બહેનોની ત્રિપુટી પર પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોક બાદ હવે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. અંજારના આરતી ઈશ્વરગર ગોસ્વામી, તેની બહેન રીયા અને ભાઈ તેજસ ત્રણે સામે વ્યાજખોરીના વિવિધ ગુનાનો ઈતિહાસ હોઈ પોલીસે ગત તારીખ ૬-૦૯-૨૦૨૪ના રોજ ત્રણે પર ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર સગાં ભાઈ બહેનોની ત્રિપુટીને ગેરકાયદે વ્યાજે નાણાં ધીરધાર અને પઠાણી ઉઘરાણીની પ્રવૃત્તિ બદલ ગુજસીટોકમાં ધકેલાઈ હતી. થોડાંક માસમાં ત્રણેય વારાફરતી જામીન પર બહાર આવી ગયાં હતાં.
જામીન પર છૂટ્યાં બાદ પણ ભાઈ બહેનોની ત્રિપુટીએ ગેરકાયદે વ્યાજ વટાવનો ધંધો ચાલું રાખ્યો હોઈ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ત્રણે સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા મેજિસ્ટ્રેટને દરખાસ્ત કરી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મળતાં જ આજે અંજારના પીઆઈ એ.આર. ગોહિલ અને એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમા તથા સ્ટાફે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ત્રણેયની અટક કરી હતી. બંને બહેનોને અમદાવાદ મધ્યસ્થ જેલ અને ભાઈને રાજકોટ જેલ ધકેલી દેવાયાં છે.
અહેવાલ: ભારતી માખીજાણી