- એસપીએલના છઠ્ઠા દિવસે ધમાકેદાર ડબલ હેડર
- પોઈન્ટ ટેબલમાં હાલાર ટોચ પર યશરાજ જોશી અને પૃથ્વી ચૌહાણ પ્લેયર ઓફ ધ મેચ બન્યાં, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના કારણે બંને મેચ શાંતિપૂર્ણ માહોલમાં રમાયા
નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનો છઠ્ઠો દિવસ ડબલ હેડર મેચો સાથે રોમાંચક રહ્યો હતો. અનમોલ કિંગ્સ હાલાર અને આર્યન સોરઠ લાયન્સએ વિજય મેળવી પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે.
દિવસની પ્રથમ મેચમાં અનમોલ કિંગ્સ હાલાર અને ઝાલાવાડ સ્ટ્રાઈકર્સ સામ-સામે હતી. ઝાલાવાડ સ્ટ્રાઈકર્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અનમોલ કિંગ્સ હાલારે 20 ઓવરમાં 6 વિકેટે 202 રનનો જંગી સ્કોર ઉભો કર્યો હતો. જેમાં તરંગ ગોહેલે શાનદાર કેપ્ટન ઈંનિંગ રમી 52 રન, નિહાલ ચૌધરીએ 47 રન, સિદ્ધાંત રાણાએ 37 રન અને પાર્શ્વરાજ રાણાએ 34 રનનું યોગદાન આપ્યું હતું. ઝાલાવાડ સ્ટ્રાઈકર્સ તરફથી અંકુર પંવાર અને દેવ ડેએ 2-2 વિકેટ ઝડપી હતી.
203 રનના પડકારજનક લક્ષ્યાંકનો પીછો કરતા, ઝાલાવાડ સ્ટ્રાઈકર્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 168 રન જ બનાવી શકી હતી. અંશ ગોસાઈએ 48 રન, જય ગોહિલે 39 રન અને કેપ્ટન શેલ્ડન જેક્સને 35 રન બનાવ્યા હતા. અનમોલ કિંગ્સ હાલાર તરફથી યશરાજ જોશીએ શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી અને ઝાલાવાડ સ્ટ્રાઈકર્સની રન ગતિને રોકી હતી. આ મેચમાં અનમોલ કિંગ્સ હાલારનો 34 રને વિજય થયો હતો. યશરાજ જોષીને તેના પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
દિવસની બીજી મેચ જેએમડી કચ્છ રાઇડર્સ અને આર્યન સોરઠ લાયન્સ વચ્ચે રમાઈ હતી. જેએમડી કચ્છ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને 20 ઓવરમાં 7 વિકેટે 138 રન બનાવ્યા હતા. જેમાં વિશ્વરાજસિંહ જાડેજાએ 60 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આર્યન સોરઠ લાયન્સ તરફથી રમેશ પડિયાચી, કરણ પટેલ અને પ્રણવ કારિયાએ 2-2 વિકેટ ઝડપી હતી.
139 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, આર્યન સોરઠ લાયન્સે 18.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. રક્ષિત મહેતાએ અણનમ 50 રન બનાવી ટીમને વિજયી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યારે પૃથ્વી ચૌહાણે 42 રન અને કેપ્ટન પ્રેરક માંકડે 25 રનનું યોગદાન આપ્યું હતું. પાર્થ ભુતે 2 વિકેટ ઝડપી હતી. આર્યન સોરઠ લાયન્સે 6 વિકેટે મેચ જીતી લીધી હતી. પૃથ્વી ચૌહાણને પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના કારણે બંને મેચ શાંતિપૂર્ણ માહોલમાં રમાયા હતાં.
છઠ્ઠા દિવસના અંતે પોઈન્ટ ટેબલની સ્થિતિ
આ ડબલ હેડર મેચો બાદ, સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગના છઠ્ઠા દિવસના અંતે અનમોલ કિંગ્સ હાલાર 6 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. ત્યારબાદ આર્યન સોરઠ લાયન્સ બીજા ક્રમે, દીતા ગોહિલવાડ ટાઈટન્સ ત્રીજા ક્રમે, ઝાલાવાડ સ્ટ્રાઈકર્સ ચોથા ક્રમે અને જેએમડી કચ્છ રાઈડર્સ પાંચમા ક્રમે છે. લીગ આગળ વધતા, તમામ ટીમો પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે સઘન પ્રયાસો કરી રહી છે, જેથી આગામી મેચો પણ રોમાંચક બનવાની શક્યતા છે.