તરછોડાયેલા નવજાત શિશુ માટે કે.ટી.ચિલ્ડ્રનમાં અનામી પારણું

નવજાત શિશુને કચરા પેટીમાં, ઝાડીઓમાં કે અવાવરૂં જગ્યાએ ન ફેંકતા તેને અહીં પારણામાં મુકો, તેનુ જતન અમે કરીશું: જિલ્લા સમાજ સુરક્ષા

કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા કરશે બાળકોની દેખભાળ

 

અબતક-રાજકોટ

સિવિલ હોસ્પિટલમાં આવેલા કેટી ચિલ્ડ્રન વોર્ડમાં આજરોજ કલેક્ટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ અનામી પારણુ મુકવામાં આવ્યુ છે. જેમાં માતા-પિતા દ્વારા તરછોડાયેલાં નવજાત શિશુઓની દેખભાળ કરવામાં આવવાની છે. નવજાત જન્મેલાં માસૂમ બાળકોને કચરા પેટીમાં કે ઝાડીઓમાં કે અવાવરૂં જગ્યાએ ન ફેંકી દેવામાં આવે જેના સંદર્ભે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા સિવિલ હોસ્પિટલમાં આવેલ કે.ટી. ચિલ્ડ્રન વોર્ડમાં આજરોજ અનામી પારણુ મુકવામાં આવ્યુ છે. જેમાં જે માતા-પિતા પોતાનાં નવજાત બાળકની સારસંભાળ ન કરી શકે તેવા માતા-પિતાએ તેના બાળકને અવાવરૂં જગ્યાના બદલે પારણામાં મૂકી શકે છે. જેથી તે બાળકની દેખભાળ જિલ્લા સુરક્ષા સમાજ કરશે. આ પારણાનું ઉદ્ઘાટન કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તકે આજરોજ કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, આવુ જ એક પારણું પહેલાથી બાલઆશ્રમમાં મુકવામાં આવ્યુ છે. તેવું જ પારણા કે.ટી. ચિલ્ડ્રન વોર્ડમાં આજરોજ મુકવામાં આવ્યુ છે.

નવજાતને પારણામાં મુકનારની ઓળખ છતી કરવામાં આવશે નહીં

કે.ટી. ચિલ્ડ્રન વોર્ડમાં આજરોજ અનામી પારણુ મુકવામાં આવ્યુ છે અને આ પારણાનું સંપૂર્ણ માર્ગદર્શન જિલ્લા સુરક્ષા દ્વારા કરવામાં આવશે. નવજાત બાળકને પારણામાં મુકનારની ઓળખ છતી કરવામાં નહીં આવે તેવું બેનર પણ લગાવવામાં આવ્યુ છે, કારણ કે કે.ટી.ચિલ્ડ્રન વોર્ડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. જેથી જે કોઇ બાળકને પારણામાં મુકવા આવે તો તેની ઓળખ સીસીટીવીનાં દ્રશ્યોના આધારે થઇ શકે છે. જેથી તંત્ર દ્વારા આ બેનર લગાવવામાં આવ્યુ છે.