- અમેરિકાના અલાસ્કામાં દરિયાઈ બરફમાં પ્લેન ક્રેશ થતા તમામના મોત
- પ્લેનમાં 9 મુસાફરો અને 1 પાયલોટ સહિત કુલ 10 લોકો હતા સવાર
હજી તો લોકોના મનમાં થી એક પ્લેન દુર્ઘટના ભુલાઈ નથી ત્યાં વધુ એક પ્લેન દુર્ઘટના સામે આવી છે. શુક્રવારે પશ્ચિમ અલાસ્કાના નોમ સમુદાય તરફ જતું એક નાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર, પ્લેનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા છે. યુએસ કોસ્ટ ગાર્ડના પ્રવક્તા માઈક સાલેર્નોએ જણાવ્યું હતું કે બચાવ કાર્યકરો હેલિકોપ્ટર દ્વારા પ્લેનના છેલ્લા જાણીતા સ્થાનની શોધ કરી રહ્યા હતા ત્યારે તેમને કાટમાળ દેખાયો. તેઓએ તપાસ માટે બે બચાવ તરવૈયાઓને નીચે ઉતાર્યા. માહિતી અનુસાર, ઉડાન ભર્યાના લગભગ એક કલાકમાં જ પ્લેનનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ મળી આવતા તમામના મોત થયા હોવાનું સામે આવ્યું હતું.
નાના ટર્બોપ્રોપ સેસના પ્લેનમાં કુલ 10 લોકો સવાર હતા, જેમાં 9 મુસાફરો અને 1 પાયલોટનો સમાવેશ થાય છે. જે તમામનું આ પ્લેન દુર્ઘટના માં મોત થયું છે. તાજેતરમાં જ પ્લેન દુર્ઘટનાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં આ પહેલા, 29 જાન્યુઆરીએ, વોશિંગ્ટન નજીક અમેરિકન એરલાઇન્સનું જેટ અને લશ્કરી હેલિકોપ્ટર અથડાયા હતા, જેમાં 67 લોકો માર્યા ગયા હતા. જ્યારે, 31 જાન્યુઆરીએ ફિલાડેલ્ફિયામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું હતું, જેમાં છ લોકો અને જમીન પર એક વ્યક્તિના મોત થયા હતા અને હવે અલાસ્કામાં આ પ્લેન ક્રેશમાં 10 લોકોનાં મોત થયા છે. છેલ્લા આઠ દિવસમાં અમેરિકામાં ત્રણ મોટા પ્લેન દુર્ઘટનાઓમાં કુલ 84 લોકોના મોત થયા છે.