નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવ-૨૦૨૫ યોજાઈ રહ્યો છે. જેમાં દેશભરની વિવિધ કોલેજમાંથી બોટની(વનસ્પતિ શાસ્ત્ર)ના વિદ્યાર્થીઓ વનસ્પતિ ઓળખ-પરખનો પ્રત્યક્ષ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓએ મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા થવડિયા ગામના જંગલમાંથી જુદી જુદી વનસ્પતિઓનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ જંગલમાંથી વિવિધ વનસ્પતિમાંથી જડીબુટ્ટી, પાંદડા, ડાળીઓ શોધી તેમને અપાયેલા મુદ્દાઓ આધારિત અભ્યાસ કર્યો હતો. તદઉપરાંત તેમણે વનસ્પતિના વિવિધ ભાગો એકત્ર કરી ‘ખાના ખજાના સ્પર્ધા’ માં ઉત્સાહભેર ભાગ લઈને પોતાના અનુભવો-પ્રતિભાવો રજૂ કર્યા હતા.
સાતપુડાની ગિરી કંદરાઓથી આચ્છાદિત એકતાનગરની આસપાસના જંગલો, પ્રકૃતિ અને વન પેદાશોને પ્રત્યક્ષ નિહાળી અત્યંત પ્રભાવિ થયેલી અને રાજસ્થાનના જયપુરની વિવેકાનંદ ગ્લોબલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની સોમ્યા શર્માએ જણાવ્યું હતું કે, અહીં આવ્યા પછી શિક્ષણનું જ્ઞાન પુસ્તક પૂરતું જ નહીં પરંતુ સાચા અર્થમાં ફિલ્ડમાં જાત અનુભવથી ઘણું બધું શીખવા મળ્યું છે. વનમાં ઘણા પ્રકારના વૃક્ષો જોઈને આનંદ થવા સાથે કુદરતી વાતાવરણનો આજે પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. અહીંના જંગલમાં જુદી જુદી વનસ્પતિઓની ઓળખ અને જાણકારી મેળવી કુદરતી સંસાધનનું મહત્વ સમજી શક્યા છીએ.
મધ્યપ્રદેશની APH યુનિવર્સિટી રીવમના વિદ્યાર્થી અનુજકુમારે જણાવ્યું કે, અહીં આવ્યા પછી અમને વિવિધ રાજ્યમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે કામ કરી ઘણું બધું શીખવાનો મોકો પ્રાપ્ત થયો છે. સાથે જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈને એકતાનગરની મુલાકાત લઇ આનંદની અનુભૂતી કરી રહ્યા છીએ. ઉત્તરકાશીની RCUPG યુનિવર્સિટીની વિદ્યાર્થીની આયુષી ચમોલીએ કહ્યું કે, અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિવિધ સ્થળોએ ટ્રેકિંગ કરી વન શોધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સાથેસાથે વેલી ઓફ ફ્લાવર, ભુલભુલૈયા મેઝ ગાર્ડન અને જંગલ સફારીની મુલાકાત લીધી હતી. ભૂલભૂલૈયામાં જુદી જુદી પઝલમાં વનસંપત્તિની ઓળખ થકી અમારા અનુભવને વધુ મજબૂત કરવાનો અવસર અહીંથી મળ્યો છે. આ ટ્રેકિંગ અવસરે વિદ્યાર્થીઓ સાથે તેમની યુનિવર્સીટીના અધ્યાપકો અને વન વિભાગ- એકતાનગરના કર્મચારીઓ જોડાયા હતા.