Abtak Media Google News

હાય રે કળયુગ

રાજકોટમાં પુનઃ લગ્ન કરનાર મહિલાની બે આંગળીયાત પુત્રી પર પાલક પિતાએ ગુજારો બળાત્કાર

પોલીસે વાસનાંધ શખ્સની કરી ધરપકડ: કાર્યવાહી શરૂ

સામાજિક સંબંધોને કલંકિત કરતી ઘટનાથી સભ્ય સમાજ સ્તબ્ધ: કામાંધ પ્રૌઢ પર સર્વત્ર ફિટકાર

રાજકોટમાં સામાજિક સબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. જેમાં પુનઃ લગ્ન કરનાર મહિલાની બે આંગળીયાત પુત્રી પર પાલક પિતાએ જ અનેક વખત બળાત્કાર ગુજારતા ચકચારી મચી છે. પોલીસ દ્વારા કામાંધ શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને પુત્રીને વર્ષો સુધી હવસનો શિકાર બનાવનાર નરાધમ પર સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે. ભોગ બનનાર બે પુત્રીઓમાંથી એક ના લગ્ન થઈ જતા બીજી સગીરવયની પુત્રીને પણ હવસખોર પિતાએ દુષ્કર્મ ગુજાર્યા હોવાનું સામે આવ્યું છે.

શહેરમાં રહેતી પુખ્ય વયની અને આ મહિને જ લગ્ન કરીને સાસરે ગયેલી યુવતી રવિવારે પોલીસ સ્ટેશને પહોંચી હતી. તેની સાથે તેની સગીર બહેન પણ હતી, એ બંને ચોધાર આંસુ સાથે પીઆઇ જોષી સમક્ષ રડવા લાગી હતી. પુખ્ય વયની યુવતીએ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ૧૪ વર્ષ પહેલા તેના પિતાનું અવસાન થતાં તેની માતાએ મોચી બજાર ખાડામાં રહેતા મૂળ મધ્યપ્રદેશના સોહન નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતાં, સોહનને બંને બહેનો પપ્પા કહીને જ બોલાવતી હતી.

ત્રણ વર્ષ પહેલાં એક રાત્રે પિતા તેની પાસે આવ્યો હતો અને મોઢે ડૂમો દઇ તેની સાથે બળજબરી કરીને શરીરસંબંધ બાંધ્યો હતો અને આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી, ધમકીથી પોતે ગભરાઇ ગઇ હતી અને કોઇને આ વાત કરી નહોતી, તેનો સોહને ગેરલાભ ઉઠાવી અનેક વખત પુત્રીને હવસનો શિકાર બનાવ્યા હોવાનું જણાવ્યું હતું.

ત્યાર બાદ ચાલુ માસમાં જ મોટી પુત્રીના લગ્ન થઈ જતા તે સાસરિયા જતી રહી હતી. તે દરમિયાન શનિવારે યુવતી પિયર આંટો મારવા આવી ત્યારે તેની ૧૪ વર્ષની નાની બહેને કહ્યું હતું કે તેના પિતા સોહન છેલ્લા બે મહિનાથી તેના પર દુષ્કર્મ આચરે છે. નાની બહેનની આપવીતી સાંભળી યુવતી સમસમી ગઇ હતી. પોતાની તથા માતા અને બહેનની સુરક્ષા માટે ત્રણ-ત્રણ વર્ષથી સાવકા પિતાની હેવાનિયતને મૂંગા મોઢે સહન કરતી હતી, પરંતુ એ પિતા હેવાન બન્યો હતો અને તેના સાસરે ગયા બાદ તેની નાની બહેનને પણ નહીં છોડતાં યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને માતાને જાણ કર્યા વગર જ તેની નાની બહેનને સાથે લઇને પોલીસ મથકે પહોંચી ગઇ હતી. યુવતીની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી કામાંધ શખ્સની ધરપકડ કરી હતી.

પુનઃ લગ્ન કરનાર મહિલાની આંગળીએ આવેલી બે પુત્રી પર તેના પાલક પિતાએ બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમે પહેલા મોટી પુત્રી પર ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ પુત્રીને સાસરે વાળી લેતા હેવાનખોર પિતાની સગીરવયની નાની પુત્રી પર નજર બગાડી હતી. જેથી તેના પર પણ સોહને અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે નરાધમ પાલક પિતાની ધરપકડ કરી છે.

સમાજમાં પાલક પિતા અને આંગળીયાત પુત્રીના સંબંધોને કલંકિત કરતી આ ઘટનાથી શહેરભરમાં ચકચારી મચી છે. સમાજના સભ્યો અને રહેવાસીઓ દ્વારા સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.