Abtak Media Google News

રાજકોટની યુવતી પર ચાર શખ્સોએ આચર્યું’તું સામુહિક દુષ્કર્મ: અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 3 આરોપીઓની કરી ધરપકડ, એકની શોધખોળ

રાજકોટની યુવતીને નોકરી આપવાની લાલચે ઉદયપુર, આંબુ, માંડવી તેમજ ગાંધીધામની અનેક હોટલમાં લઈ જઈને સામૂહિક દુષ્કર્મ આચરવાનો ગુનો અમદાવાદ પોલીસમાં નોંધાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એસીપી ડી.પી.ચુડાસમા સમગ્ર તપાસનું સુપરવિઝન કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મામલામાં વધુ એક નરાધમ માલદેવ ભરવાડની નૈનીતાલથી ધરપકડ કરી છે.

રાજકોટની 23 વર્ષીય યુવતીને નોકરીની લાલચ આપી નરાધમો પ્રથમ ઉદયપુર ત્યારબાદ આંબુ, માંડવી તેમજ ગાંધીધામની અનેક હોટલમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યો હતો. જેમાં ભોગ બનનાર મહિલાએ પ્રગ્નેશ પટેલ ઉર્ફે પ્રગ્નેશ ગોટા, વાસણાના જિતેન્દ્રપુરી ગોસ્વામી, ઈશાનપુરના માલદેવ ભરવાડ, બોપલના જૈમીન પટેલ વિરુધ્ધ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તેમજ પ્રગ્નેશ પટેલના પત્ની નિલમ પટેલને વારંવાર મોઢુ બંધ રાખવા ધમકી આપવા તેમજ બળજબરીથી પાસપોર્ટ પડાવી લેવાના મામલામાં લેખીત ફરિયાદ આપી હતી. પીડિતીએ તેવું પણ કહ્યું હતું કે, દારૂ અને એમડી ડ્રગ્સના સેવન બાદ આરોપીઓએ ચાલુ ગાડીએ પણ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો.

મામલાની ફરિયાદ મહિલા પોલીસ મથક ખાતે નોંધાઈ હતી. પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી તપાસ શહેર ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી.

ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર ડી.પી.ચુડાસમાએ અગાઉ બે નરાધમો પ્રગ્નેશ પટેલ અને જિતેન્દ્રપુરી ગોસ્વામીની ધરપકડ કરી હતી. તેમજ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. સમગ્ર મામલાની તપાસ ક્રાઈમ બ્રાંચના ઈન્સ્પેકટર જે.એન.ચાવડાને સોંપવામાં આવી હતી. ચાવડાની ટીમ સતત આરોપીઓને ટ્રેક કરી રહી હતી. જે દરમિયાન ચાવડાની ટીમને મળેલી બાતમી અનુસાર માલદેવ ભરવાડ નૈનીતાલ ખાતે હોવાનું સામે આવ્યું હતું. બાતમી મળતાની સાથે જ ક્રાઈમ બ્રાંચની એક ટીમ નૈનીતાલ જવા રવાના થઈ હતી. નૈનીતાલ ખાતેથી શનિવારે માલદેવ ભરવાડને અમદાવાદ લઈ આવવામાં આવ્યો હતો તેવું ડી.પી.ચુડાસમાએ જણાવ્યું હતું.

ઈન્સ્પેકટર ચાવડાએ કહ્યું હતું કે, માલદેવ ભરવાડ તેની એસયુવી કારમાં અહીંથી ત્યાં નાસ્તો ફરતો હતો. માલદેવ ઉદયપુર, અમરીતસર, ભટીંડા, લુધીયાણા, ચંદીગઢ, ગોકુળ મથુરા, બનારસ અને પ્રયાગમાં રહ્યો હતો. ત્યારબાદ તે નૈનીતાલ નાસી છુટ્યો હતો. જ્યાંથી માલદેવની ધરપકડ કરવામાં આવી છે. માલદેવની રૂા.17.70 લાખની એસયુવી કાર પણ જપ્ત કરવામાં આવી છે. તેમજ હાલ પુછપરછ હાથ ધરાઈ છે. ક્રાઈમ બ્રાંચને મળેલી માહિતી મુજબ માલદેવ ભરવાડ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. ગેરકાયદેસર જમીનના કબજા સહિતના ગુના અસલાલી, વટવા, ઘાટલોડીયા, સરખેજ, સોલા અને સાબરમતી પોલીસ મથકમાં નોંધાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.