અમેરિકાના દેખાડવાના બીજા, ચાવવાના પણ બીજા !!!

america
america

ભારત સાથે મિત્રતાનો દાવો કરતું અમેરિકા ભારતીય નાગરિકોને વિઝા આપવાનો ઈન્કાર કરી રહ્યું છે.  ભારતમાં યુએસ વિઝા માટે વેઇટિંગ લિસ્ટ 833 દિવસ સુધી પહોંચી ગયું છે, જ્યારે ચીનમાં આ વિઝા માત્ર ર દિવસમાં મળી રહ્યા છે.  અમેરિકાની આ વેઇટિંગ લિસ્ટને કારણે સોશિયલ મીડિયામાં ભારતીયો ગુસ્સો ઠાલવી રહ્યા છે.  વિઝાની આ વેઇટિંગ લિસ્ટનો મુદ્દો ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે તેમની અમેરિકા મુલાકાત દરમિયાન પણ ઉઠાવ્યો હતો.  આ પછી અમેરિકી દૂતાવાસના અધિકારીઓ એક્શનમાં આવી ગયા છે, પરંતુ હજુ સુધી આ મુદ્દો ઉકેલાયો નથી.

અહેવાલ મુજબ, નવી દિલ્હીમાં યુએસ ઇ-1 અને ઇ-ર વિઝા માટે અરજદારોએ 833 દિવસ રાહ જોવી પડશે, જે બે વર્ષથી વધુ છે.  ત્યાર બાદ તેમને ઈન્ટરવ્યુની તક મળશે.  આ આંકડો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની નવીનતમ સ્થિતિ પર આધારિત છે.  મતલબ કે હવે જો કોઈ વ્યક્તિ વિઝિટર વિઝા માટે અરજી કરે છે તો તેણે જાન્યુઆરી ર0ર5 સુધી રાહ જોવી પડશે.  બીજી તરફ કોલકાતામાં કોન્સ્યુલેટ જનરલની વાત કરીએ તો આ વેઇટિંગ લિસ્ટ 767 દિવસનું છે.

તે જ સમયે, મુંબઈમાં યુએસ કોન્સ્યુલેટ જનરલમાં સ્થિતિ વધુ ખરાબ છે.  અહીં વેઇટિંગ લિસ્ટ 848 દિવસનું છે.  તેનાથી વિપરીત, જો આપણે ચીનના બેઇજિંગ, શાંઘાઈ અને ગુઆંગઝુ શહેરોની વાત કરીએ, તો અહીં ભારતીય શહેરોની તુલનામાં વેઇટિંગ લિસ્ટ ખૂબ જ ઓછું છે.  ચીનની રાજધાની બેઇજિંગમાં યુએસ વિઝા માટે માત્ર ર દિવસમાં ઇન્ટરવ્યુનો સમય મળી રહ્યો છે.  દરમિયાન, વિદેશ પ્રધાન જયશંકરે યુએસ સ્ટેટ સેક્રેટરી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યા પછી, યુએસ એમ્બેસીએ મંગળવારે જાહેરાત કરી હતી કે તેણે તમામ શ્રેણીઓ માટે વિઝા એપોઇન્ટમેન્ટ્સ ખોલી છે.

યુએસ એમ્બેસીએ કહ્યું કે વિઝાની વધુ માંગને કારણે આ વેઇટિંગ લિસ્ટ ઘણું લાંબુ છે.  તેનું એક મોટું કારણ એ છે કે કોરોના મહામારીને કારણે માર્ચ ર0ર0માં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો.  તેનાથી પણ વધુ સમસ્યાઓ આવી રહી છે.  અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ભારતીય વિદેશ મંત્રી જયશંકરને ફરી આશ્વાસન આપ્યું હતું કે અમેરિકા ટૂંક સમયમાં આ સમસ્યાઓનો ઉકેલ લાવશે.