Abtak Media Google News

ઉત્તરકાશીમાં ગઇકાલે શુક્રવારે થયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન કંચનબેન હેમરાજભાઇનું મોત નીપજતા રાજકોટના યાત્રિકોનો મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. ઉત્તરકાશીથી મૃતકોના મૃતદેહો રાજકોટ સાંજે આવશે તેવું જાણવા મળી રહ્યું છે. ઉત્તરકાશી પાસે અકસ્માતનો ભોગ બનેલા કડિયા જ્ઞાતિના તમામ હતપ્રત સભ્યો ગાઢ મિત્રતા ધરાવતા હતા. મિત્રોએ અમરનાથ તેમજ હરિદ્વારના દર્શન કર્યા હતા પણ પત્નીઓને સાથે લઇને યાત્રા કરી ન હતી એટલે તમામે જીવનમાં પહેલીવાર ચારધામની યાત્રા કરવાનું નક્કી કર્યું. આ માટે કોઇ ટૂર પેકેજ રાખવાને બદલે પોતાની રીતે જ રૂટ નક્કી કર્યા હતા. જે મુજબ 30મીએ રાત્રે ચાર દંપતી ટ્રેન મારફત રાજકોટથી નીકળી અમદાવાદ પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ઉત્તરાખંડ ના ઉત્તરકાશી માં બસ ખીણ માં ખાબકી જતા સર્જાયેલી દુર્ઘટના માં મૃત્યુ પામેલા ગુજરાતના યાત્રિકો ના મૃતદેહ હવાઈ માર્ગે ગુજરાત લાવવાસુચના આપેલ. જેમાં મૃતદેહોને લઈને એરક્રાફ્ટ દેહરાદૂનથી બરોડા થઈને રાજકોટ આજ સાંજ સુધીમાં આવી પહોંચશે.

આ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાંથી રામેશ્વર સોસાયટીમાં રહેતા કડિયા ભગવાનજીભાઇ રાઠોડને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. અને ગાયત્રીનગર વિસ્તારમાં રહેતાં દેવજીભાઇ ટાંકને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેમજ હેમરાજભાઇ રામપરિયા અને મગનભાઇ સાપરિયાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તો ચંદુભાઇ ટાંકને બે પુત્ર અને એક પુત્રી છે.

આમ આ બનાવમાં કુલ 13થી વધુ સંતાનોએ માતા-પિતાની છત્રછાંયા ગુમાવી છે. બનાવને પગલે મૃતકોના નિવાસસ્થાને પાડોશી અને સગા સંબંધીઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતાં અને અચાનક માતા-પિતા વિહોણા બનેલા સંતાનોને સાંત્વના પાઠવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.