રાજકોટમાં પબજી ગેમે વધુ એક યુવાનનો ભોગ  લીધો

પંદર દિવસથી પબજી ગેમમાં મશગુલ બન્યા બાદ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

અબતક,રાજકોટ

પબજી ગેમે વધુ એક યુવાનનો ભોગ લીધો છે જેમાં રાજકોટ પુનિતનગરમાં ચાર માળના બિલ્ડિંગમાં રહેતા જય અનિલભાઇ સાકરિયા નામના 20 વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે.બનાવની જાણ 108ને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, મૃતક જયના પિતા દસ વર્ષ પહેલા ગુજરી ગયા બાદ માતાએ અન્ય સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારથી જય આ એપાર્ટમેન્ટમાં ભાડાના ફ્લેટમાં એકલો જ રહેતો હતો અને તે કારની કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.બનાવની જાણ થતા દોડી આવેલા જયના મિત્રોની પૂછપરછ કરતા જય આખો દિવસ મોબાઇલ પર પબજી રમ્યા કરતો હતો. જેને કારણે તેનો સ્વભાવ પણ ચીડિયો થઇ ગયો હતો. પબજીના કારણે જય છેલ્લા પંદર-વીસ દિવસથી નોકરીએ પણ આવતો ન હોવાનું મિત્રોએ પોલીસને જણાવ્યું હતું. દરમિયાન પોલીસે પાડોશીઓની પૂછપરછ કરતા જય ઘણા દિવસોથી ઘરની બહાર નીકળતા પણ જોયો નહિ હોવાનું જણાવ્યું હતું.જેથી પબજી ગેમના કારણે યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે.