નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ગઈકાલે સાંજે રમાયેલી એક રોમાંચક મેચમાં, ઝાલાવાડ સ્ટ્રાઈકર્સે અનમોલ કિંગ્સ હાલાર સામે 6 વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. આ મેચમાં બંને ટીમોએ જીત માટે છેલ્લી ઓવર સુધી સંઘર્ષ કર્યો હતો.
અનમોલ કિંગ્સ હાલારના કેપ્ટન જયદેવ ઉનડકટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 153 રનનો લડાયક સ્કોર ખડક્યો હતો. નિહાલ ચૌધરીએ 55 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 66 રનની શાનદાર અર્ધસદી ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. સ્મિતરાજ ઝાલાએ પણ 22 બોલમાં 5 ચોગ્ગા સાથે ઝડપી 31 રનનું યોગદાન આપ્યું, જ્યારે પાર્શ્વરાજ રાણાએ 20 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 25 રન બનાવી સ્કોરને 150ને પાર પહોંચાડવામાં મદદ કરી હતી. ઝાલાવાડ સ્ટ્રાઈકર્સના બોલર અંશ ગોસાઈએ વિરોધી બેટ્સમેનોને બાંધી રાખતા 3 ઓવરમાં માત્ર 16 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી, જે તેમની ટીમ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ હતી.
154 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઝાલાવાડ સ્ટ્રાઈકર્સની ટીમે 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધો. આ જીતનો મુખ્ય શ્રેય તેમના સ્ટાર ખેલાડી અંશ ગોસાઈને જાય છે, જેણે અણનમ 85 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી. અંશ ગોસાઈએ માત્ર 52 બોલમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. જય ગોહિલે પણ 30 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 40 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જ્યારે ચિરાગ જાની 17 રન બનાવી અણનમ રહ્યા હતા. અનમોલ કિંગ્સ હાલાર તરફથી સત્યમ ખમરાઈ, પાર્શ્વરાજ રાણા અને યુવરાજ ચુડાસમાએ 1-1 વિકેટ લીધી હતી, પરંતુ તેઓ ઝાલાવાડના બેટ્સમેનોને રોકી શક્યા નહોતા. ઝાલાવાડ સામેની મેચ હારવા છતાં અનમોલ કિંગ્સ હાલાર એ પોઈન્ટ્સ ટેબલમાં 6 પોઈન્ટ્સ સાથે ટોચનુ સ્થાન જાળવી રાખ્યું છે. ઝાલાવાડની ટીમ ચોથા સ્થાને છે.
મેચના અંતે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની જુનિયર પસંદગી સમિતિના ચેરમેન સુધીર તન્નાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરતા પુરસ્કાર વિતરણ સમારોહમાં હાજરી આપી હતી.
કેમ્પસ એક્ટિવવેરના ડિસ્ટ્રિબ્યુટર પંકજ લાડાણી દ્વારા અંશ ગોસાઈને “કેમ્પસ મેક્સિમમ ફોર ધ મેચ” નો એવોર્ડ અને અનમોલ કિંગ્સ હાલારના સહ–માલિક ભરત મનોટ દ્વારા “પ્લેયર ઓફ ધ મેચ” નો ખિતાબ આપવામાં આવ્યો હતો.
લીગનો રોમાંચ ચરમસીમા એ, ફાઈનલની ટિકિટ માટે ટીમોનો સંઘર્ષ
એસપીએલ 2025ના સાત દિવસની રમત પૂર્ણ થઈ ચુકી છે, અને હવે લીગ તેની અંતિમ મેચો તરફ આગળ વધી રહી છે. ફાઇનલ સહિત માત્ર છ જ દિવસનો ખેલ બાકી રહ્યો હોવાથી, તમામ પાંચેય ટીમો પ્લેઓફમાં સ્થાન મેળવવા અને ફાઇનલની ટિકિટ ક્ધફર્મ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. દરેક મેચમાં જીત માટેનો સંઘર્ષ અને ખેલાડીઓનો જુસ્સો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, કારણ કે એક પણ હાર ટીમની ફાઈનલ સુધી પહોંચવાની રાહ મુશ્કેલ કરી શકે તેમ છે. આગામી દિવસોમાં વધુ રોમાંચક અને કાંટે કી ટક્કર વાળી મેચો જોવા મળશે તેવી ક્રિકેટપ્રેમીઓને અપેક્ષા છે.