80 કરોડ ભારતીયોમાં ડેવલોપ થયું એન્ટિબોડી : હવે કોરોનાની ઐસી તૈસી

કાચિંડાની જેમ “કલર”બદલતા કોરોનાને કારણે દરરોજ નવું નવું જોખમ ઊભું થઈ રહ્યું છે. વાયરસના નવા વરવા સ્વરૂપને કારણે જ ઘણા દેશો ત્રીજી તો ઘણા દેશો ચોથી લહેરમાં સપડાયા છે. ભારતમાં હાલ ડેલ્ટાનો ડંખ ત્રીજી લહેર નોતરે તેવી ભીતિ તોળાઇ રહી છે પરંતુ આ વચ્ચે કોરોના મહામારી સામેની આ મહાલડાઈમાં જીત નજીક હોવાની એક આશાનું કિરણ ઘેરા વાદળોમાંથી દેખાઈ રહ્યું છે. તાજેતરમાં જારી થયેલા ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર)ના ચોથા સેરો સર્વેના પરિણામોએ આશાની કિરણ બતાવી છે. જે મુજબ, દેશના 67.6 ટકા લોકો (લગભગ 80 કરોડ) વાયરસ વિરુદ્ધના એન્ટિબોડીઝથી સજ્જ થઈ ગયા છે.

કોરોના સામેની લડાઈમાં અમોઘ શસ્ત્ર સમાન એન્ટીબોડી ધરાવતા લોકો પર સંક્રમણનો ખતરો ઓછો; હજુ 40 કરોડ લોકો પર સંક્રમણનું જોખમ યથાવત

ICMRના સીરો સર્વેમાં રસપ્રદ ખુલાસો: 45થી 60 વર્ષના લોકોમાં એન્ટીબોડી સૌથી વધુ મળ્યાં

આ 80 કરોડ ભારતીયોમાં એવા લોકો સામેલ છે જેઓ કા તો કોરોના પોઝિટીવ છે અથવા કોરોનામાંથી સાજા થઈ ગયા અથવા રસી લીધા બાદ એન્ટિબોડીઝ બની ગયા. જો કે હજુ 1/3 વસ્તી એટલે કે આશરે 40 કરોડ લોકો એવા છે જેમની પર કોરોના સંક્રમણનો ખતરો છે. કારણ કે આ લોકોમાં વાયરસ વિરૂદ્ધ લડવાના એન્ટિબોડીઝ જોવા મળ્યા નથી. જો કે ભારતની મોટા ભાગની એટલે કે બે તૃતીયાંશ વસ્તી એન્ટિબોડીઝથી સજ્જ થતા સંક્રમણનો ખતરો ઘટ્યો છે. આથી જ કહેવાતી એવી કોરોનાની ત્રીજી લહેરની ચિંતા મહદઅંશે ઘટી છે તેમ કહી શકાય.

ભારતીય તબીબી સંશોધન પરિષદ એટલે કે આઈસીએમઆરના ડાયરેક્ટર બલરામ ભાર્ગવએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે કોરોનાની મહામારી સામે લડવા મુદ્દે આ એક આશાનું કિરણ છે અને જો લોકો ગાઈડલાઈનનું પાલન કરશે તો ત્રીજી લહેર જરૂરથી ટાળી શકાશે.

એ જાણવું રસપ્રદ છે કે  આઈસીએમઆરના રિપોર્ટ અનુસાર  45 થી 60 વર્ષના વયજૂથમાં કોરોનાનો પોઝિટીવ નહિ પણ કોરોના વિરુદ્ધ પોઝિટિવિટી વધુ જોવા મળી છે. આ વયજુથમાં જ સૌથી વધુ એન્ટીબોડી જોવા મળ્યા છે. જ્યારે આ રેશિયો યુવા વર્ગમાં ઓછો જોવા મળ્યો છે. આઇસીએમઆરએ જણાવ્યું હતું કે, ચોથા રાષ્ટ્રવ્યાપી સેરો સર્વેમાં 6 વર્ષથી ઉપરના 28,975 લોકોને સામેલ કરવામાં આવ્યા છે. આ વર્ષે જૂન અને જુલાઈમાં, 21 રાજ્યોના 70 જિલ્લાઓમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. દરેક જિલ્લાના 10 ગામો અથવા વોર્ડમાંથી 40-40 લોકોના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં છથી નવ વર્ષની વય જૂથના 2,892, 10-17 વર્ષની વય જૂથમાં 5,799 અને 18 અને તેથી વધુ વય જૂથમાં 20,284 નો સમાવેશ થાય છે. આમાંના બે તૃતીયાંશમાં એન્ટિબોડીઝ મળી આવ્યા છે.

રસીના આધારે એન્ટીબોડીનું પ્રમાણ

એન્ટિબોડીઝ એવા લોકોમાંથી 81% મળી આવ્યા હતા જેમણે રસીનો એક ડોઝ લીધો હતો અને 89.9% જેમણે બંને ડોઝ લીધા હતા. એન્ટિબોડીઝ એવા લોકોમાંથી માત્ર 62.3% મળી આવ્યા હતા જેમને રસી આપવામાં આવી નથી. વયજુથના આધારે જોઈએ તો 6 થી 9વર્ષના બાળકોમાં 57.2 ટકા 10 થી 17 વર્ષની વય જૂથમાં 61.1 ટકા જ્યારે 18 થી 44 વર્ષના વયજૂથમાં 66.7 ટકા અને 45 થી 60 વર્ષના વયજૂથમાં સૌથી વધુ 77.6% જ્યારે 60 વર્ષ કરતા વધુ વયના જૂથમાં 76.7 ટકા એન્ટીબોડીઝ જોવા મળ્યા છે.

એક વખત કોરોના થઈ ગયા બાદ 9 મહિના સુધી ફરી થઈ શકે નહીં!!

કોરોના આવતા જ એન્ટીબોડી અને ઈમ્યુનિટી જેવા શબ્દો ખૂબ પ્રચલિત બન્યા છે. એન્ટીબોડી અને ઈમ્યુનિટી વધારવા લોકો એનકેન પ્રકારે ઉપાયો કરી રહ્યા છે ત્યારે  શરીરમાં એન્ટિબોડીઝની અસરકારકતા કોરોનાની શરૂઆતથી ચર્ચાનો વિષય બની છે. રસી લીધા બાદ વાયરસ વિરુદ્ધ શરીરમાં લડાઈ લડતા એન્ટિબોડીઝ વિકસી તો જાય છે પરંતુ તે ક્યાં સુધી શરીરમાં રહે છે..?? કરોના સામે અમોધ અસ્ત્ર ગણાતા એન્ટિબોડીઝનું આયુષ્ય કેટલું..?? વગેરે જેવા ઘણા પ્રશ્નો મૂંઝવણનું કારણ બન્યા હતા. જેની પર તાજેતરમાં વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતોએ સ્પષ્ટતા કરી છે કે રસી લીધા બાદ શરીરમાં

એન્ટિબોડીઝ ઓછામાં ઓછા નવ મહિના સુધી રહે જ છે.

આરોગ્ય નિષ્ણાતોના મતે, શરીરમાં કોરોના સામે બે પ્રકારનાં એન્ટિબોડીઝ ઉત્પન્ન કરી શકાય છે, પ્રથમ- સંક્રમણ પછી એન્ટિબોડીઝ કુદરતી રીતે બને છે અથવા બીજું- રસીકરણ પછી બનાવવામાં આવેલા હોય છે.  શરીરમાં કુત્રિમ રીતે બનાવવામાં આવેલા આ એન્ટિબોડીઝ લાંબા સમય સુધી કોરોના સામે રક્ષણ આપી શકે છે? આ અંગે સતત અભ્યાસ કરવામાં આવી રહ્યા છે. આને લગતા તાજેતરના અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે શરીરમાં બનેલા એન્ટિબોડીઝ કોરોનામાંથી સજા થયા પછી નવ મહિના સુધી અસરકારક રહી શકે છે. એટલે કે એકવાર કોરોના થઈ ગયા પછી ઓછામાં ઓછા નવ મહિના સુધી કોરોના આપણી આસપાસ ફરકી પણ શકતો નથી..!!

નોંધપાત્ર વાત એ છે કે, અત્યાર સુધીના અધ્યયનોમાં, એવું કહેવામાં આવ્યું છે કે ચેપ પછી શરીરમાં બનેલા એન્ટિબોડીઝની અસર ત્રણથી ચાર મહિનામાં સમાપ્ત થાય છે. અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે ફેબ્રુઆરી અને માર્ચમાં ચેપગ્રસ્ત થયેલા લગભગ 99 ટકા લોકોમાં નવેમ્બર સુધી એન્ટિબોડીઝ અસરકારક રીતે જળવાયા છે.

ન હોય… પ્રાણવાયુના અભાવે કોઈના “પ્રાણ” હણાયા નથી

કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં ઓક્સિજન, ઈન્જેક્શન સહિતની સેવાઓની એવી ઘટ ઊભી કરી હતી કે દેશમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ચોતરફ હાહાકાર મચી ગયો હતો પ્રાણવાયુ માટે લોકો પડાપડી કરી રહ્યા હતા. પરંતુ આ મુદ્દે હાલ કેન્દ્ર સરકારે રાજ્યસભામાં વિચારમય કરનારું નિવેદન આપ્યું છે કે દેશમાં પ્રાણવાયુના ભાવે કોઈના પ્રાણ ભરાયા નથી. આ અંગે અહેવાલ રાજ્ય તેમજ સંઘ પ્રદેશ દ્વારા કેન્દ્રને સુપરત કરવામાં આવ્યો છે જેમાં એવા એક પણ મોતનો ઉલ્લેખ નથી જેનું કારણ પ્રાણવાયુની ઘટ હોય. રાજ્યસભામાં સરકારે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નિયમિત ધોરણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને કોરોનાને કારણે થતાં મૃત્યુ

વિશેની માહિતી આપે છે. પરંતુ કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશોએ આરોગ્ય મંત્રાલયને ઓક્સિજનના અભાવને કારણે મૃત્યુ વિશે માહિતી આપી નથી. પ્રાણવાયુની માંગ અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રાલયે કહ્યું કે પ્રથમ તરંગની તુલનામાં બીજી તરંગમાં તબીબી ઓક્સિજનની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે પ્રથમ તરંગમાં 3,095 મેટ્રિક ટન ઓક્સિજનની માંગ હતી, જ્યારે બીજી તરંગમાં સમાન માંગ 9,000 મેટ્રિક ટન પર પહોંચી હતી.

સરકારના આ  નિવેદનથી વિપક્ષએ આકરા પ્રહારો કર્યા છે. રાજ્યસભામાં સરકારની માહિતી બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું  છે કે માત્ર ઓક્સિજન જ નહીં, પણ સંવેદનશીલતા અને સત્યનો પણ ભારે અભાવ છે.

આઝાદી પછીની સૌથી મોટી કરૂણતા..!!

કોરોનાકાળમાં ભારતમાં 50 લાખથી વધુના મોત

કોરોના વાયરસની ત્રીજી લહેરે કેવા ભયાનક દ્રશ્યો બતાવ્યા છે. ઠેર ઠેર બેડ માટે ભટકતા લોકો, પ્રાણવાયુની પડાપડી… હોસ્પિટલો તો ઠીક સ્મશાનોમાં પણ લાઈનો લાગી હતી. મૃત્યુઆંક સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. ત્યારે આ અંગે તાજેતરમાં અમેરિકાના વોશિંગ્ટનમાં સ્થિત વૈશ્વિક વિકાસ કેન્દ્ર દ્વારા એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાને કારણે ભારતમાં અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ સ્થિતિને આઝાદી પછીની સૌથી મોટી કરુણતા ગણવામાં આવી રહી છે. ભારતના ભાગલા અને સ્વતંત્રતા સમયે જે કરુણતા સર્જાઇ હતી એના કરતાં પણ આ કરૂણતા મોટી છે.

ભારતમાં સરકારી આંકડાના હિસાબે લગભગ 4 લાખથી વધારે લોકોના મોત થયા પણ અમેરિકાની રિપોર્ટ મુજબ 10 ગણા વધારે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અમેરિકી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોના મહામારીથી 50 લાખ જેટલા મોત થયા છે. જે કેન્દ્ર સરકારના આંકડાથી 10 ગણુ વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર ભારતમાં અત્યાર સુધી કોરોનાથી 4, 14, 482 લોકોના મોત થયા છે. જે દુનિયામાં ત્રીજા નંબર પર છે. ત્યારે અમેરિકામાં 60,9000 અને બ્રાઝિલમાં 542000 મોત થયા છે.

વિશ્ર્વની પ્રથમ DNA રસી ભારતે વિકસાવી

કોરોના વાયરસ સામેની વૈશ્વિક લડાઈમાં રસી અને નિયમ પાલન જ એક હથિયાર સમાન મનાઈ રહ્યું છે ત્યારે સૌ કોઈ જાણે છે તેમ ભારતે માત્ર રસી આપવામાં જ નહીં રસીના વિકાસ અને ઉત્પાદનમાં પણ એક મિશાલ કાયમ કરી છે. અલગ-અલગ રસી વિકસાવી મહામારી સામેની મહાદેવભાઇ વધુ મજબૂત બનાવી છે ત્યારે ભારતને આ જંગમાં હથિયાર તરીકે વધુ એક વેક્સીન મળવાની છે અને એ છે ડીએનએ એટલે કે ડીઓક્સી રીબોન્યુક્લિક એસડી આધારિત રસી. એમાં પણ ગૌરવપૂર્ણ વાત એ છે કે આ પ્રકારની ડી.એન.એ રસી વિશ્વમાં સૌપ્રથમ ભારતે વિકસાવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે ગઈકાલે રાજ્યસભામાં જણાવ્યું કે ઝાયડસ કેડિલા કંપનીની કોવિડ-19 વેક્સીન ઝાયકોવ-ડીના

ત્રીજા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણ ચાલું છે. આ કોરોના વાયરસ સામે એક પ્લાસ્મિડ ડીએનએ વેક્સીન છે. મંત્રી માંડવિયાએ વધુમાં જણાવ્યું કે જો આ રસી બધા પરીક્ષણોમાં પાસ થઇ જાય અને તેને દેશમાં ઉપયોગની મંજૂરી મળે તો આ રસી દુનિયાની પ્રથમ ડીએનએ આધારિત રસી હશે. અને દેશમાં ઉપલબ્ધ ચોથી વેક્સીન હશે.

માંડવિયાએ કહ્યું કે દેશમાં વેક્સીનેશનની ઝડપ વધારવા માટે ભારતીય કંપનીઓ વેક્સીનનું પ્રોડક્શન વધારી રહી છે. તેમણે રાજ્યસભામાં દેશમાં કોરાના મહામારીનું પ્રબંધન, ટિકાકરણનું કાર્યાન્વયન અને સંભવિત ત્રીજી લહેરને જોતા નીતિ અને પડકાર વિષય પર થયેલા અલ્પકાનિક ચર્ચા દરમિયાન જણાવ્યું કે કેડિલા હેલ્થકેયર લિમિટેડના ડીએનએ આધારિત વેક્સીનના ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે