Abtak Media Google News

એનસીઇઆરટી દ્વારા દેશના 6 થી 12માં અભ્યાસ કરતા 3.70 લાખ વિદ્યાર્થીઓ પર સર્વે હાથ ધરાયો: ગુજરાતના 7385 વિદ્યાર્થીઓ પર પણ સર્વે કરવામાં આવ્યો

નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનીંગ દ્વારા શાળાના વિદ્યાર્થીઓનું માનસિક, સ્વાસ્થ્યઅને સુખાકારી વિષય પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને તેમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષમાં અભ્યાસના ગેપને લઇ ઘણા બાળકો તણાવ અનુભવી રહ્યા છે. ઘણાને પરીક્ષાનો ડર લાગે છે. જ્યારે ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઇન વર્ગો દરમિયાન સામાજીક ક્રિયા-પ્રતિક્રિયા ભૂલી ગયા છે. 2022 થી કરેલા સર્વેના પરિણામો તાજેતરમાં બહાર આવ્યા છે. આ સર્વેમાં 3.70 લાખ વિદ્યાર્થીઓને આવરીને તેના પર સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના 7385 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ સર્વેમાં ધોરણ-6 થી 12 સુધીના વિદ્યાર્થીઓને સ્વપ્રત્યેની સમજ, અનુભવેલી લાગણીઓ અને તેમનો સામનો કરવા માટેની વ્યૂરચનાનો મૂલ્યાંકન કરવાનો હતો. મનોચિકિત્સક ડો.જીજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે ભારત અને વિદેશમાં થયેલા સંશોધનો દર્શાવે છે કે ઘણી માનસિક સમસ્યાઓ બાળકને 14 વર્ષની ઉંમરે વિકાસ કરવાનો શરૂ કરે છે. જેમ-જેમ બાળકો મોટા થાય છે તેમ-તેમ અભ્યાસ સંબંધીત ચિંતા જેવી સમસ્યાઓ વધુ તિવ્ર થવા લાગે છે. આ સમયે બાળકને ભાવનાત્મક ટેકાની જરૂર હોય છે.

મનોવૈજ્ઞાનિક પુજા પુશકણાએ જણાવ્યું હતું કે સમસ્યાનો યોગ્ય અભિગમ અને તેનો ઉકેલ શોધવા બાળકની ચિંતા ઓછી થાય તે સુનિશ્ર્ચિત કરવું જરૂરી બન્યું છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે ધોરણ-8 થી 12ના વિદ્યાર્થીઓને તેના સાથીઓનું દબાણ, બોર્ડની પરીક્ષાનો ભય અને ભવિષ્યની ચિંતા જેવા પડકારો સામે આવ્યા છે.

બદલાતી જીવનશૈલી બાળકોના મન પર વિપરીત અસર કરે છે: ડો.ધારા દોશી

મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડો.ધારા દોશીએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે બદલાતી જીવનશૈલીની બાળકોના મન પર પણ ખરાબ અસર પડી રહી છે. ઘણીવાર માતા-પિતા પણ તેમના બાળકોને સમજી શકતા નથી અને તેમની ઇચ્છા પર રોક લગાવવાનું શરૂ કરે છે. જેના કારણે બાળક ડિપ્રેશનમાં આવી જાય છે. ક્યારેક નાની નાની બાબતો બાળકોના મગજમાં બેસી જાય છે.  તેથી, માતાપિતાએ તેમના બાળકોની માનસિક સ્થિતિને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. માતા-પિતાએ તેમના બાળકોને સમજવા માટે તેમની સાથે જોડાવું જરૂરી છે. બાળકો સાથેના સંવાદ અને દલીલોનું નિરાકરણ ખૂબ જ સમજ પૂર્વક લાવવું જરૂરી છે. બાળકોને કોઈપણ વાત તર્કસંગત રીતે જણાવો. તેમની અયોગ્ય માંગણીઓ પૂરી કરવાથી તેમની જીદ અને ગુસ્સો દિવસે દિવસે વધતું જશે.

વર્તનમાં જોવા મળતા ફેરફારની માતા-પિતા કે શિક્ષકોએ નોંધ લેવી જરૂરી: ડો.યોગેશ જોગસણ

મનોવિજ્ઞાન ભવનના હેડ ડો.યોગેશ જોગસણે ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે બાળકોની માનસિક સ્થિતિ ઘણી બદલાઇ છે ત્યારે બાળકોના વર્તનમાં પણ ખૂબ જ બદલાવ જોવા મળ્યો છે. બાળકોની ઉદાસી અને નિરાશા, ખાવાની પેટર્નમાં ફેરફાર, ઉંઘની પેટર્નમાં ફેરફાર સહિતના લક્ષણો બાળકોમાં જોવા મળી રહ્યા છે ત્યારે કોરોનાના સમયગાળા પછી હવે જો બાળકોના વર્તનમાં ચોક્કસ બદલાવ દેખાય તો તેના માતા-પિતા કે શિક્ષકોએ નોંધ લેવી ખૂબ જરૂરી બની ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.