Abtak Media Google News

વિશ્ર્વાસ, દ્રઢતા અને નિશ્ર્ચયના ઈન્દ્રધનુષી રંગો જીવનને ધન્ય અને ઉર્જાવાન બનાવે છે

બાળકને ઈશ્ર્વરનું બીજુ રૂપ કહેવાયું છે. ઘણીવાર તેને કંઈ પૂછવામાં આવે તો તે જે જવાબ આપે તે ઘણીવાર યથાર્થ સાબિત થાય છે. તેવી જ રીતે કોઈ નાના બાળકને પુછીએ કે, ‘તારી મા તને કેટલી વ્હાલી છે?’ તો તે બાળસહજ મુદ્રામાં હસીને બે હાથ પહોળા કરીને કહેશે આટલી !’ પણ આપણે જોઈએ છીએ કે પ્રેમ, સ્નેહ જેવી લાગણીઓ અમાપ અને અપાર છે. પછી તે માતા પ્રત્યે હોય, ઈશ્ર્વર પ્રત્યે હોયકે પછી પ્રિયપાત્ર પ્રત્યે હોય તેને લીટરમાં મીટરમાં કે મુદ્રામાં વ્યકત કરીને પ્રમાણ બતાવી શકાતુ નથી. પણ ભાષામાં બહુત, ખૂબ, અતિશય, એકસ્ટ્રીમ જેવા વિશેષણોથી ખરેખર અનુભવી શકાય છે. પ્રેમની અભિવ્યકિત સિને જગતમાં ખૂબ ઉંડાણ પૂર્વક રજૂ કરવામાં આવે છે. પૌરાણિક દ્રષ્ટિએ વાત કરીએ તો પ્રેમ માટે ‘રાધા-કૃષ્ણ’ને આદર્શ માનવામાં આવે છે.

Mother

ખરેખર પ્રેમ શું છે? જો કોઈને એવુ પુછવામાં આવે તો દરેક વ્યકિતના મત મતાંતરો અલગ હોય અને તેમ છતાં એ દરેક સાચા પણ હોય. દ્રષ્ટાંતના રૂપમાં જોઈએ તો ચાર આંધળા માણસને પૂછવામાં આવ્યું કે હાથી કેવો હોય છે તો દરેક પોતે હાથીને સ્પર્શ કરીને જોયું એ જણાવ્યું કે હાથી સુપડા જેવો, થાંભલા જેવો, રસ્સી જેવો વગેરે હાથીને નરી આંખે નિહાળેલા લોકોને એમ લાગે કે આવું કંઈ હોતું હશે? પણ આ વાત એટલી જ સાચી છે. જેટલી નરી આંખે હાથીને જોયેલા લોકો માટે બંને માટે હાથીના રૂપની પરિભાષા અલગ છતા સાચી છે. તેવી જ રીતે ‘પ્રેમ’નું પણ છે. કે દરેકની મનની સ્થિતિ, માન્યતા, અનૂભુતિ, અને વ્યાખ્યા પ્રેમ માટે અલગ છે. તેમ છતાં વાસ્તવિક જ છે. પણ તેમ છતાં કયારેક આ શબ્દનો ઉપયોગ ગેરવ્યાજબી અને સ્વાર્થ સાધવા માટે કરવામાં આવે છે.

54

આજના યુવક-યુવતીઓએ ‘પ્રેમ’ને કંઈક અલગ જ નામ અલગ જ દિશા આપી દીધી છે. જેનું પરિણામ કયારેક પરિવાર, સમાજ અને દેશ એ ભોગવવું પડે છે.

પ્રેમની સાચી પરિભાષા વિશે જો ગહનતાથી વાત કરીએ તો ‘પ્રેમ’એ ‘ત્યાગ’ અને ‘સહન શકિત’નું બીજુ નામ અને રૂપ છે. અને ‘પ્રેમ’ની સાચી અભિવ્યકિત જો જાણવી હોય તો એક બાળક પાસેથી જ જાણી શકાય છે. અને ત્યારે પ્રેમનું બાળ સ્વરૂપ એટલે કે ‘વ્હાલ’નો અનુભવ થાય છે.

પ્રેમનો અન્ય એક અર્થ છે. ‘મિત્રતા’ આ એક એવો સંબંધ છે જે વ્યકિત જાતે જ નિર્માણ કરે છે. લોહીનો સંબંધ ઉપરથી નિર્મિત થઈને આવે છે. પણ મિત્ર વ્યકિત પોતે શોધે છે. બનાવે છે. અને જીવન પર્યંત નિભાવે છે.

પ્રેમનું અન્ય એક સ્વરૂપ છે. એક વ્યકિતનો ઈશ્ર્વર સાથેનો પ્રેમ અને અહી તેને ‘વિશ્ર્વાસ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રેમનું આ સ્વરૂપ સૌથી વધારે શકિતશાળી અને તેમ છતા અદ્રશ્ય હોય છે. અને આ પ્રેમજ સૌથી વધારે દ્દઢ અને ગહન છે. કારણ કે તેમાં મૌન, અને નિ:સ્વાર્થ ભાવ સમાયેલો છે. એક વ્યકિત જો પોતાના જીવનમાં આ ‘પ્રેમ’ની અનુભૂતિ કરવા લાગે ત્યારે એ વ્યકિત મનુષ્ય મટીને ‘દેવતા’ અથવાતો ‘પૂજનીય’ અથવાતો સંત તરીકે ઓળખાવા લાગે છે. અને આપણી પાસે તેના અનેક ઉદાહરણો છે. જેમકે પૂ. જલારામબાપા, સાંઈબાબા, અને નરસિંહ મહેતા, આવા તો અનેકો ઉદાહરણો છે. સૌરાષ્ટ્રમાં એક ‘કુંભાર’ થઈ ગયા કહેવાય છે કે ઈશ્ર્વરનાં પ્રેમમાં તેની યાદમાં એ એટલા બધા તલ્લીન હતા કે માટી ગુંદતી વખતે તેના પગની નીચે પોતાનું જ બાળક કચડાઈ ગયું તો પણ તેને ધ્યાન ન રહ્યું. ભગત ગોરા કુંભાર તરીકે પ્રસિધ્ધ થયેલા આ વ્યકિતએ ઈશ્ર્વર પ્રેમમાં પોતાના જન્મનેજ નહીં કુળને પણ તાર્યું.

પ્રેમ. સ્નેહ, વ્હાલ, વગેરે ભાવ અને અનૂભુતિ દર્શાવતા આ શબ્દમા ઘણી તાકાત છે. અમાપ, અપાર, અવર્ણનીય, ‘પ્રેમ’ શબ્દમાંથી જો સ્વાર્થ નીકળી જાય તો એ ‘ભકિત’ બની જાય જેમકે કૃષ્ણ અને સુદામા, કૃષ્ણ અને મીરા અહી આ ભાવની અનુભૂતિ જ કંઈક અલગ છે.

પ્રેમના કારણો, પ્રમાણો, કે પારખા નથી હોતા ! તે હોય એટલે હોય, બસ અનુભૂતિને શબ્દો ન જ મળે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.