Abtak Media Google News

પ્રથમ સત્રમાં 117 દિવસ અને બીજા સત્રમાં 136 દિવસનો અભ્યાસ

નવેમ્બરમાં 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે: જાહેર રજા,ઉનાળુ અને દિવાળી વેકેશન મળી કુલ 80 દિવસની રજા

રાજ્યની શાળાઓમાં સ્થાનિક રજાઓને બાદ કરતાં વર્ષ દરમિયાન 245 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. જેમાં પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ રહેશે, જ્યારે બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કામકાજ થશે. પ્રથમ સત્ર 30 ઓક્ટોબર સુધી ચાલશે ત્યારબાદ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવશે. જયારે બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ 22 નવેમ્બરથી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

સમગ્ર વર્ષ દરમિયાન કુલ 80 રજાઓ નક્કી કરાઈ છે. જેમાં સ્થાનિક રજા ઉપરાંત, જાહેર રજા, ઉનાળું વેકેશન અને દિવાળી વેકેશનનો સમાવેશ થાય છે. આ શૈક્ષણિક કેલેન્ડર આચાર્ય સંઘ- પોરબંદર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હોવાનું શૈક્ષણિક વર્તુળમાંથી જાણવા મળ્યું છે. જો કે તેમાં છેલ્લે લખવામાં આવ્યું છે કે, આ કેલેન્ડરમાં તારીખો અંદાજિત છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ જે તારીખો જાહેર કરે તે તારીખો અંતિમ ગણવાની રહેશે. તે જ રીતે વર્ષ 2022ની જાહેર રજાઓ ગુજરાત સરકાર જાહેર કરે તે અંતિમ ગણવાની રહેશે.રાજ્યમાં 7 જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. જેમાં હાલમાં પ્રથમ સત્રનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસો રહેશે. જેમાં જૂનમાં 20 દિવસો, જુલાઈના 26 દિવસો, ઓગસ્ટના 23 દિવસો, સપ્ટેમ્બરના 25 દિવસો અને ઓક્ટોબરના 23 દિવસોનો સમાવેશ થાય છે. આમ, 30 ઓક્ટોબર સુધી ચાલનારા પ્રથમ સત્રમાં અભ્યાસ માટેના 117 દિવસ રહેશે. પ્રથમ સત્ર 30 ઓક્ટોબરે પૂર્ણ થયા બાદ 1 નવેમ્બરથી રાજ્યની શાળાઓમાં 21 દિવસના દિવાળી વેકેશન જાહેર કરાશે. 21 દિવસનું વેકેશન 21 નવેમ્બરના રોજ પૂર્ણ થયા બાદ 22 નવેમ્બરથી રાજ્યની શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.

બીજા સત્રની શરૂઆત 22 નવેમ્બરથી થશે. બીજા સત્રમાં અભ્યાસના 136 દિવસ રહેશે. જેમાં નવેમ્બરના 8 દિવસ, ડિસેમ્બરના 26 દિવસ, જાન્યુઆરીના 24 દિવસ, ફેબ્રુઆરીના 24 દિવસ, માર્ચના 25 દિવસ, એપ્રિલના 23 દિવસ અને મેના 6 દિવસ મળી કુલ 136 દિવસ રહેશે. આમ, પ્રથમ અને દ્વિતીય સત્ર મળી કુલ 253 દિવસનો અભ્યાસ થશે. જેમાંથી 8 સ્થાનિક રજાઓને બાદ કરતા અભ્યાસના ચોખ્ખા 245 દિવસો બાકી રહેશે.

બીજુ સત્ર 7 મેના રોજ પૂર્ણ થયા બાદ 9 મેથી ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવશે. 35 દિવસનું ઉનાળું વેકેશન 13 જૂન સુધી ચાલશે અને ત્યારબાદ નવુ શૈક્ષણિક વર્ષ ચાલુ કરવામાં આવશે. જોકે, રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવી શકે છે. હાલમાં સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. પરંતુ લગભગ આ કાર્યક્રમ મુજબ જ શાળાઓમાં અભ્યાસ કરવામાં આવે તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે.

વર્ષ દરમિયાનની રજા

  • રજાઓની વાત કરીએ તો, 8 સ્થાનિક રજાઓ ઉપરાંત 21 દિવસનું દિવાળી વેકેશન અને 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. જ્યારે 16 જાહેર રજાઓ વર્ષ દરમિયાન આવશે.
  • આમ, વર્ષ દરમિયાન કુલ રજાઓ 80 દિવસની રહેશે. નિયમ મુજબ વર્ષ દરમિયાન 80થી વધુ રજા થવી જોઈએ નહીં.
  • જેથી આ મુજબનું માળખું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ દરમિયાન 80 રજાઓ રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.