Abtak Media Google News

આરોગ્યની “મહિલા બ્રિગેડ” દ્વારા કોરોના સામે જંગ

રાજકોટ શહેર પરીસ્થીતીને અનુલક્ષીને, જયારે આખું શહેર લોકડાઉનના સમયમાં ઘરમાં બંધ છે, ત્યારે રાજકોટ શહેરની ૧૫ લાખથી વધારે વસ્તી માટે કાબેલેદાદ અને જોખમી એવી કોરોના સામેની કામગીરી આરોગ્ય વિભાગ બખૂબી નિભાવી રહી છે. મહાનગરપાલિકાના ૫૦૦થી વધુ અને પોલીસ, કલેકટર, આરોગ્ય સ્ટાફ અને અન્ય સરકારી તંત્રમાં કોરોનાના જંગમાં ફરજ બજાવતા મહિલા અધિકારીઓ/કર્મચારીઓને મેયર બિનાબેન આચાર્યએ બિરદાવેલ છે અને સાથોસાથ તેમણે કહ્યું કે આ મહામારી સામેના મહાયુદ્ધમાં પુરુષ સમોવડી બનીને પોતાની ફરજ બજાવી રહેલા આ તમામ બહેનો પ્રત્યે હું ગૌરવની લાગણી અનુભવું છું. આપણે જાણીએ છીએ કે કોઈ બહેન સગર્ભા હશે, કોઈ બહેનના ઘરે નાના બાળકો હશે, કોઈ બહેનની ઘરે વૃદ્ધ માતા-પિતાની જવાબદારી હશે, કે પછી ઘરમાં અન્ય કોઈ નાનામોટા પ્રશ્નો હશે છતાં પણ તેઓએ રાજકોટવાસીઓના હિતમાં પોતાનું ઘર ભૂલી ફરજને મહત્વ આપેલ છે, જે સેલ્યુટને પાત્ર છે.

વિશેષમાં મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની કોરોનાની આ કામગીરીમાં આરોગ્યની મહિલા બ્રિગેડ દ્વારા ફ્રન્ટલાઈન વોરિયર તરીકે જંગ લડી રહ્યા છે. આ મહિલા બ્રિગેડ છેલ્લા દોઢ માસથી આખું શહેર લોકડાઉનમાં છે, ત્યારે દિવસના ૧૦ થી ૧૪ કલાક, એકપણ દિવસની રાજા લીધા સિવાય સલામેદાદ ફરજ નિભાવી રહ્યા છે. આ કામગીરીમાં ફરજ નિભાવી રહેલ મહિલાઓ પૈકી ૧૧ મેડીકલ ઓફિસર, ૧૯ લેબોરેટરી ટેકનીશ્યન, ૧૫ ફાર્માસિસ્ટ, ૧૩૫ નર્સિંગ સ્ટાફ તેમજ ૩૧૮ આશા વર્કર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.

હાલની સખત ગરમી/તાપમાં કોઈપણ જકત્નો સમય જોયા વગર કે એક પણ દિવસની રજા મુક્યા સિવાય શહેરીજનો માટે અવિરતપણે ચાલુ છે. આ કામગીરી દરમ્યાન ૫ નર્સિંગ સ્ટાફને કોરોના જેવા લક્ષણો જણાતા સિવિલ હોસ્પીટલમાં દાખલ કરેલ, જેમના રીપોર્ટ નેગેટીવ આવતા તેઓને ડીસ્ચાર્જ કરવામાં આવેલ હતા. જે બાદ તુરંત જ પુન: ફરજ પર હાજર થઇ તેઓએ ફરજનિષ્ઠાનો એક આવકારદાયક રાહ ચિંધેલ છે.

વિશેષમાં ૨૧ અર્બન હેલ્થ સેન્ટરના ૫૦૦ જેટલા કર્મચારીઓને સતત માર્ગદર્શન આપી અસરકારક કામગીરી જેઓના નેતૃત્વ હેઠળ થાય છે ઇન્ચાર્જ આર.સી.એચ.ઓ. ડો.ભૂમીબેન કમાણી પણ ખરા અર્થમાં મહિલા સશક્તિકરણનું અદભુત ઉદાહરણ પુરૂ પાડેલ છે.

ડો.ભૂમીબેન કમાણીએ ખરા અર્થમાં મહિલા બ્રિગેડ ટીમના સક્ષમ સેનાપતિ તરીકે ઉત્કૃષ્ટ ફરજ બજાવેલ છે. છેલ્લા ૧ માસથી તેઓની ૪ વર્ષની જોડિયા દીકરીઓ તથા કુટુંબની કૌટુંબીક જવાબદારીથી પરે રહી પોતાની ફરજને પ્રાધાન્ય આપેલ છે. બંને ૪ વર્ષની દીકરીઓને છેલ્લા ૧ માસથી માત્ર વિડીયો કોલિંગથી મળતા માતાના પ્રેમના બદલામાં તેઓએ કોરોનાની ફરાજને પ્રાધાન્ય આપી, કોરોના વોરિયરનું ઉત્તમ અને આદર્શ ઉદાહરણ પૂરું પાડી સમાજને નવો માર્ગ ચિંધેલ છે.

રાજકોટ શહેરના મેયર બીનાબેન આચાર્ય દ્વારા, રાજકોટ શહેરમાં કોરોનાની કામગીરી કરતા તમામ મહિલા બ્રિગેડ ટીમને તેઓની ઉત્કૃષ્ટ કામગીરી અને ફરજનિષ્ઠા બદલ હૃદયપૂર્વક બિરદાવી, તમામને અભિનંદન પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.