Abtak Media Google News

દેશનાં આઇ.ટી. હબ ગણાતા બેંગલૂરૂનાં એરપોર્ટ નજીક હવે સફરજન થવાના છે! વાત અહીં સફરજનના બગીચાની નથી પણ એપલનાં આઇ-ફોનનાં ઉત્પાદન પ્લાન્ટની છે. છેલ્લા બે સપ્તાહથી આ મામલે ઘણી વાતો થઇ, ડિનર ડિપ્લોમસી પણ થઇ ચુકી છે. બસ હવે બધું સમૂસૂતરૂ પાર પડે તો કર્ણાટકમાં નવી એક લાખ જેટલી રોજગારીની તકો ઉભી થશે. એપલ કંપની માટે આઇ-ફોન બનાવતા ફોક્સકોન ગ્રુપે કર્ણાટકમાં નવા 700 મીલિયન ડોલરના મુડીરોકાણ સાથે 300 એકર જમીનમાં નવો પ્લાન્ટ ઉભો કરવાનું નક્કી કર્યુ છે. મૂળ તો અમેરિકાના ચીન સાથે બગડી રહેલા સંબંધોમા પોતાને તકલીફ ન પડે તે માટે વ્યુહરચનાનાં ભાગ રૂપે ફોક્સકોન ચીન છોડીને ભારતમાં આવવા તૈયાર થઇ છે.

અહેવાલો તો એવા પણ છે કે ફોક્સકોન આગામી દિવસોમાં પોતાના ચીન સ્થિત કારોબારમા મોટો કાપ મુકીને એપલનાં કુલ ઉત્પાદનનો 25 ટકા જેલો હિસ્સો ભારતમાં ઉત્પાદિત કરવાનું આયોજન ધરાવે છે. આ સુચિત 300 એકર જગ્યામાં સ્માર્ટફોનના પાર્ટસ બનાવવામાં આવશે ઉપરાંત મોબાઇલ ફોનનું એસેમ્બલિંગ કરવામાં આવશે. ફોક્સકોનનામ ચેરમેન યંગ લિયુ ગત સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતે મિટીંગ કરી ગયા છે. ત્યારબાદ તેમણે કર્ણાટકનાં મુખ્યપ્રધાન બોમ્માઇ સાથે ડિનર મીટિંગ કરી ચુક્યા છે. હવે બેંગલૂરૂમાં વિશ્વના ત્રીજા ક્રમનું આઇ-ફોન સિટી બનશે.  મતલબ કે હવે કદાચ ચીનનાં ઝેંગ્ઝૂ શહેરનું સ્થાન બેંગલૂરૂ લેશે. યાદ રહે કે હાલમાં એપલનાં મોબાઇલ ફોનનાં કુલ ઉત્પાદનનો પાંચ ટકા જેટલો હિસ્સો ભારત પાસે છૈ.

આ અગાઉ યંગ લિયુ તેલંગણામાં પણ ઇલેક્ટ્રોનિક્સનું મોટું મથક ઉભું કરીને એક લાખ લોકોને રોજગારી આપવાની જાહેરાત કરી ચુક્યા છે. હવે જો કર્ણાટક અને તેલંગણામાં પ્લાન્ટ ઉભા થયા તો ભારતનો હિસ્સો વધીને 15 ટકા સુધી પહોંચી શકે છે ત્યારબાદ અન્ય રાજ્યોમાં પણ પ્લાન્ટ આવી શકે છે. હાલમાં એપલનાં ઝેંગ્ઝૂ પ્લાન્ટમાં 2,00,000 લોકોને રોજગારી મળે છે.   આ સાહસની જાહેરાત ભલે અત્યારે થઇ પણ આવા સાહસોના આયોજન કાંઇ રાતોરાત થતા નથી. ગત વષે જે પી મોર્ગને એક અહેવાલ આપ્યો હતો કે એપલ આગામી 2025 સુધીમાં પોતાના આઇ-ફોન ઉત્પાદનનો 25 ટકા જેટલો હિસ્સો ભારતમાં શિફ્ટ કરવા માગે છે.  મૂળ ફોક્સકોન એ તાઇવાનની કંપની છે. જે વિશ્વની સૌથી મોટી આઇ-ફોન બનાવતી કંપની છે અને તેનું મોટાભાગનું ઉત્પાદન ચીનમાં થાય છે.

પરંતુ હવે કંપની પોતાનો કારોબાર ભારતમાં લઇ જવા માગે છે કારણ કે કોવિડ-19 ના લોકડાઉન ના કારણે ચીનમાં ઉત્પાદનને વિપરીત અસર પડી રહી છે. બાકી હોય તો ‘ સફરજનનાં આ સલાડ‘ ઉપર ચીન-અમેરિકાનાં વણસી રહેલા સંબંધો મસાલો છાંટી રહ્યા છે. ગત વર્ષે આઇ-ફોન સિટી ઝેંગ્ઝૂમાં થયેલા કારીગરોનાં આંદોલનનાં કારણે આઇ-ફોનનાં ઉત્પાદનને ભારે ફટકો પડ્યો હતો. ઝેંગ્ઝૂ પ્લાન્ટમાં આઇ-ફોન 14 પ્રો અને પ્રો પ્લસનું ઉત્પાદન થાય છે અને આંદોલન તથા લોકડાઉનનાં કારણે 2022 નાં વર્ષમાં કંપનીનાં આઇ-ફોન 14 નાં 60 લાખ ફોન ઓછા બન્યા હતા. કંપનીનાં સેલ્સ ટાર્ગેટમાં આવેલો આટલો મોટો ઘટાડો સ્વાભાવિક રીતે જ બેલેન્સશીટ ઉપર અસર કરતો હોય છૈ.

છેલ્લા થોડા સમયથી ચીનમાં જે થઇ રહ્યું છે, અમેરિકા-ચીનના સંબંધો જે રીતે વણસી રહ્યા છે એ રીતે ઘણી અમેરિકન બ્રાન્ડ ચીન સ્થિત તેમના સપ્લાયરોના વિકલ્પ શોધી રહ્યા છે.ઙેમાં ભારત અને વિયેટનામ સૌની પ્રથમ પસંદગી હોવાનું સાબિત થયું છે.  એમાંયે રશિયા-યુક્રેન યુધ્ધ બાદ વૈશ્વિક મંચ ઉપર ભારતના અન્ય દેશો સાથે ના સંબંધો મજબુત થયા છે  તેથી હાલમાં સૌને ભારતમાં કારોબાર કરવામા સલામતિ દેખાય છે. જો કે સંજોગો જેટલા ઉજળા દેખાય છે એટલી હકિકત તરફેણ નથી કરતી. ભારત સરકાર ઉત્સાહિત છે, એપલ પણ તૈઢયાર છે.

પરંતુ હાલમાં ભારતનાં ટાટા ગ્રુપ દ્વારા આઇ-ફોનનાં જે પાર્ટસ બનાવવામાં આવે છે તેમાં રિજેક્શન ઘણું આવે છે. આ ઉપરાંત આપણી અમલદારશાહી, માળખાકિય સુવિધાઓની સમસ્યા, કરવેરા તથા પરિવહનની સમસ્યા જેવા મુદ્દા વિદેશી કંપનીઓને ભારતમાં અવરોધરૂપ બની શકે છે. જો આ સમસ્યાઓના હલ મળે તો વિદેશી કંપનીઓ સેમિકંડક્ટર તથા ઇલેકટ્રિક વાહનો પણ બનાવવા ભારત આવી શકે છે. જો આવું થાય તો ભારત ચીનનો ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના સૌથી મોટા ઉત્પાદક દેશ તરીકે નો દરજ્જો કબ્જે કરી શકે છે. ‘મેઇક ઇન ઇન્ડિયા‘ કેમ્પેઈનનું આજ તો છે લક્ષ્યાંક..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.