- થીયેટરો ભૂતકાળ બની ગયા તેમ પ્રખ્યાત કોલેજો પણ ઈતિહાસ બની જશે?
છેલ્લા દાયકામાં રાજકોટમાં ખાનગી કોલેજોને મોટા પ્રમાણમાં મંજૂરી મળી છે ત્યારે હવે ગ્રાન્ટેડ ઈન એઇડ કોલેજો બંધ થશે તો વિદ્યાર્થીઓને ના છૂટકે સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં અભ્યાસ અર્થે જવું પડશે અને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે
ધમાસણીયા કોલેજમાં 400થી વધુ વિદ્યાર્થીઓ જયારે સદગુરૂ મહિલા હોમ સાયન્સમાં 81 વિધાર્થીની અભ્યાસ કરે છે
રાજ્યમાં સ્ટાફ અને વિધાર્થીઓના અભાવે ગ્રાન્ટેડ કોલેજ અને સ્કૂલો બંધ થઈ રહી છે, ત્યારે રાજકોટમાં પણ શહેરની જાણીતી 2 ગ્રાન્ટેડ કોલેજ સદગુરૂ મહિલા સાયન્સ કોલેજ અને ધમસાણીયા કોલેજ બંધ કરવા અરજી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કરવામાં આવી છે.શહેરમાં ચાર દાયકા જૂની બે કોલેજ બંધ કરવા મેનેજમેન્ટે સામેથી અરજી કરી છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને રાહતદરે શિક્ષણ આપતી સંસ્થાઓ બંધ કરવું કેટલું યોગ્ય?
ગરીબ અને મધ્યમ વર્ગ તેમજ સમાજના તમામ વર્ગોને રાહત દરે અને ઉત્તમ શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષો પહેલા દાતાઓ દ્વારા જમીનો દાનમાં આપીને ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓ ઉભી કરવામાં આવે છે. જેને સરકાર દ્વારા અનુદાન અપાય છે. રાષ્ટ્રીય નેતાની વિચારધારાથી આ ગ્રાન્ટ ઈન એઇડ કોલેજોનુ નિર્માણ શક્ય બન્યું હોય છે.આવી કોલેજોને કોઈ પણ ભોગે બંધ ન કરી શકાય. જો આ કોલેજો બંધ કરવાથી વિદ્યાર્થીઓને ખાનગી કોલેજોમા અભ્યાસ કરવાની ફરજ પડશે.ત્યારે હવે રાજકોટમાં જેમ થિયેટરો બંધ થવા લાગ્યા તેમ પ્રખ્યાત કોલેજો પણ શું ભૂતકાળ બની જશે? રાજકોટની ધમસાણીયા કોમર્સ કોલેજ આશરે ચાર દાયકા કરતા વધારે વર્ષ જૂની આ સંસ્થા છે. જેમાં કોમર્સ વિદ્યાશાખામાં આશરે 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે સદગુરૂ મહિલા સાયન્સ કોલેજમાં હોમ સાયન્સની અંદાજે 80થી વધુ વિધાર્થિનીઓ અભ્યાસ કરે છે. આશરે 50 કરતાં વધારે વર્ષો જૂની આ સંસ્થામાં આર્ટ્સમાં 350થી400 આસપાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો આ ગ્રાન્ટેડ કોલેજો બંધ થશે તો વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે. રાજકોટમાં છેલ્લા એકથી દોઢ દાયકામાં ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોને મોટા પ્રમાણમાં મંજુરી આપવામાં આવી છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગ માટે મહત્વની ગણાતી એવી ગ્રાન્ટેડ કોલેજો બંધ થશે તો વિધાર્થીઓને ના છૂટકે સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં અભ્યાસ માટે મજબુર થવું પડશે. ત્યારે આ બાબતે યુનિવર્સિટી અને રાજ્ય સરકાર ખુદે આ બાબતે નિરાકરણ લાવવવાની વિધાર્થી જગતમાં માંગ ઉઠી છે.
વિદ્યાર્થી સંગઠનો મેદાને આવશે?
રાજકોટ સહિત રાજ્યભરમાં અનેક ગ્રાન્ટ ઈન એઇડ કોલેજો બંધ થવા લાગી છે ત્યારે રાજકોટમાં પણ બે કોલેજો બંધ થવાની અરજીથી વિધાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર મામલે વિધાર્થીઓ સંગઠનો મેદાને આવે તેવી માંગ ઉઠી રહી છે. થોડા સમય પહેલા અમદાવાની ઠક્કરબાપા ગ્રાન્ટ ઈન એઇડ કોલેજ બંધ થવાની અરજી આવી હતી જો કે એબીવીપી આ મામલે મેદાને આવ્યું હતું અને રાજ્ય સરકારે કોલેજ યુનિવર્સિટી હસ્તક કરી હતી અને હજારો વિધાર્થીઓને ફાયદો થયો હતો.
ગ્રાન્ટ ઈન એઇડ કોલેજમાં ખાનગી કોલેજ શરૂ થશે?
મળતી માહિતી મુજબ હાલ જે ચાર દાયકા જૂની કોલેજ છે તેવી ગ્રાન્ટ ઈન એઇડ કોલેજમાં સદગુરૂ મહિલા સાયન્સમાં હોમ સાયન્સ અભ્યાસક્રમ બંધ થઈને એમબીએનો અભ્યાસ શરૂ કરવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. તો શું આ બન્ને કોલેજો જે બંધ થવાની અરજી કરવાની છે તેમાં સેલ્ફ ફાયનાન્સ કોલેજ શરૂ થશે કે કેમ? તે જોવાનું રહેશે.
4 થી 5 મહિના પૂર્વે કોલેજો બંધ કરવાની અરજી આવી હતી
સમગ્ર મામલે ’અબતક’ મીડિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો સંપર્ક સાધતા સામે આવ્યું હતું કે, ધમસાણીયા કોલેજ 23 ડિસેમ્બર 2024માં જયારે સદગુરૂ મહિલા કોલેજે 19 સપ્ટેમ્બર 2024ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કોલેજ બંધ કરવા મામલે અરજી કરી હતી. જો કે આ મામલે હજુ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.