Abtak Media Google News

નિમણુંક હુકમો બાદ શિક્ષકોને સાત દિવસમાં શાળમાં હાજર કરવાની સંચાલકોને સૂચના

રાજયની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2936 શિક્ષક સહાયકોની એકસાથે નિમણૂંક કરવામાં આવી હતી. ત્યાં વળી ફરી એકવાર રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં એકસાથે એક જ દિવસે 2714 શિક્ષણ સહાયકોને 6 ઓગસ્ટના રોજ નિમણુંક પત્રો આપવાનું નક્કી કરાયું છે. હાલમાં શિક્ષણ સહાયકોને શાળાની ફાળવણી કરી દેવામાં આવી છે. જેથી ઉમેદવારોએ ફાળવણી પત્ર ડાઉનલોડ કરી 6 ઓગસ્ટના રોજ જિલ્લા મથકે ભલામણપત્ર અને નિમણુંક હુકમ મેળવવા માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. સંચાલકો પાસેથી 4 ઓગસ્ટ સુધીમાં જ નિમણુંક હુકમો સહી કરીને મેળવી લેવામાં આવશે. ઉપરાંત 6 ઓગસ્ટના રોજ નિમણુંક હુકમો આપ્યા બાદ શિક્ષકોને 7 દિવસમાં હાજર કરવા માટે પણ સંચાલકોને સુચના અપાશે.

રાજયની ભરતી સમિતિ દ્વારા રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક સ્કૂલોમાં શિક્ષણ સહાયકોની ભરતી અન્વયે ઉમેદવારોને ઓનલાઈન શાળા ફાળવણી કરવામાં આવેલી છે. ઓનલાઈન શાળા ફાળવણી પત્રો ઉમેદવારો 6 ઓગસ્ટ સુધી ડાઉનલોડ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોએ ફાળવણીપત્રો ડાઉનલોડ કરી 6 ઓગસ્ટના રોજ જિલ્લા મથકે ભલામણપત્ર અને નિમણુંક હુકમ મેળવવા માટે ઉપસ્થિત રહેવાનું રહેશે.

જિલ્લા શિક્ષણાધિકારીએ સંચાલક મંડળને ભલામણપત્ર અને નિયત નમુનાનો નિમણુંક હુકમ સહી અર્થે મોડામાં મોડા 29 જુલાઈના રોજ આપી દેવાના રહેશે. સંચાલક મંડળ પાસેથી નિયત નમુનાના નિમણુંક હુકમમાં સહી મેળવી 4 ઓગસ્ટના રોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પરત મેળવવાના રહેશે. ભલામણ પત્ર લેવા કે નિમણુંક હુકમ પરત આપવા કોઈપણ સંજોગોમાં શાળા સંચાલક મંડળના પ્રમુખ કે મંત્રીને રૂબરૂ બોલાવવાના નથી. ઉમેદવારને નિમણુંકવાળા સ્થળે 6 ઓગસ્ટથી 7 દિવસમાં હાજર કરવા અંગે સંચાલક મંડળને સુચના આપવાની રહેશે.

ક્યાં જિલ્લામાં કેટલા શિક્ષણ સહાયકોને નિમણુંક અપાઈ?

સમગ્ર રાજ્યમાં 2714 શિક્ષણ સહાયકોને નિમણુંક આપવાની છે. જેમાં પંચમહાલમાં 205, દાહોદમાં 174, મહેસાણામાં 169, સાબરકાંઠામાં 165, આણંદમાં 161, બનાસકાંઠામાં 139, અરવલ્લીમાં 137, મહિસાગરમાં 124, અમદાવાદ ગ્રામ્યમાં 122, ખેડામાં 122, ગાંધીનગરમાં 121, સુરતમાં 108, ભાવનગરમાં 103, સુરેન્દ્રનગરમાં 88, વડોદરામાં 74, વલસાડમાં 62, નવસારીમાં 55, દેવભૂમિ દ્વારકામાં 54, અમદાવાદ શહેરમાં 53, તાપીમાં 52, અમરેલીમાં 50, પાટણમાં 49, નર્મદામાં 48, ભરૂચમાં 43, જામનગરમાં 42, છોટા ઉદેપુરમાં 35, કચ્છમાં 35, મોરબીમાં 26, ગીર સોમનાથમાં 22, પોરબંદરમાં 22, જૂનાગઢમાં 21, ડાંગમાં 14, બોટાદમાં 11 અને રાજકોટમાં 8 શિક્ષણ સહાયકોને નિમણુંક અપાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.