Abtak Media Google News

2008 અને 2011ના વર્લ્ડકપમાં પણ પૈડી અપ્ટર્ન ટીમ ઇન્ડિયા સાથે માનસિક સ્વાસ્થ્ય કોચ તરીકે જોડાયા હતા

ક્રિકેટ એક મેન્ટલગેમ છે ત્યારે હવે આગામી ટૂંક સમયમાં જ ટી-20 વર્લ્ડકપ યોજાવા જઇ રહ્યો છે ત્યારે ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ પહેલા માનસિક રીતે મજબૂત કરવા માટે 2011માં ભારત વિશ્ર્વ ચેમ્પિયન બન્યું હતું ત્યારે મહત્વની ભૂમિકા ભજવનાર માનસિક સ્વાસ્થ્ય કોચ પૈડી અપ્ટર્ન ફરી એકવાર ભારતીય ટીમ સાથે જોડાઇ ગયા છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડના સહયોગી તરીકે તે ટીમમાં સામેલ થયા છે. \

2008માં ભારતના મુખ્ય કોચ ગેરી કસ્ટર્નના સહયોગી તરીકે પણ તે ટીમ સાથે જોડાયેલા હતા. ભારતીય ક્રિકેટ બોર્ડના જણાવ્યા મુજબ પૈડી અપ્ટર્ન આજે રમાનાર વનડેથી જ ભારત ટીમ સાથે જોડાયા છે અને તેઓ ચાર મહિના માટે ટીમને માનસિક રીતે સ્ટ્રોંગ બનાવશે. અપ્ટર્ન આઇપીએલની જુદીજુદી ટીમો સાથે પણ જોડાયેલા હતા.

રાહુલ દ્રવિડ સાથે રાજસ્થાન રોયલની ટીમમાં પણ તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ દ્રવિડે અપ્ટર્નને ટીમ ઇન્ડિયા સાથે જોડાવવા માટે સંપર્ક કર્યો હતો. ટી-20 વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમના ઘણાખરા મેચો રમાવાના છે ત્યારે આ દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓને રમતની સાથે માનસિક રીતે પણ મજબૂત રાખવા માટે પૈડી અપ્ટર્ન મહત્વની ભૂમિકા ભજવશે.

ભારતે 2013 પછી એકપણ આઇસીસી ટ્રોફી જીતી નથી. ગયા વર્ષના ટી-20 વર્લ્ડકપમાં મહેન્દ્રસિંઘ ધોનીની મેન્ટર તરીકે જવાબદારી ફિક્સ કરવામાં આવી હતી. જો કે, તેનાથી પણ સારૂં પરિણામ મળ્યું ન હતું. હવે ભારતીય ટીમ સાથે અપ્ટર્ન જોડાયા છે ત્યારે ભારત ટી-20 વિશ્ર્વકપમાં સારૂં પ્રદર્શન કરે તેવી આશા સેવાઇ રહી છે.

કોહલી ફરી વિરાટ થઇ જશે?

માનસિક રીતે ભારતીય ટીમને સ્ટ્રોંગ કરવા આજથી પૈડી અપ્ટર્ન ટીમ સામેલ થયા છે. તેઓ અગાઉ આઇપીએલમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, અશ્ર્વીન, રવિન્દ્ર જાડેજા, ચહલ અને પ્રસિદ્વ ક્રિષ્ના સાથે પણ કામ કરી ચુક્યા છે. તેઓ મોટાભાગના ખેલાડીઓની જરૂરિયાતને સમજી શકે છે. અપ્ટર્ન ટીમના પ્રમુખ બેટ્સમેન વિરાટ કોહલી સાથે પણ સમય પસાર કરશે કે જેઓ લાંબા સમયથી ખરાબ પ્રદર્શનનો શિકાર બની રહ્યા છે. હવે પૈડી કોહલી સાથે રહી તેઓને માનસિક રીતે વધુ મજબૂત કરશે અને ફરીથી વિરાટ બનાવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.