આંતર-રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ-ગ્રીન એનર્જી કોરિડોર તબક્કા-2ને મંજૂરી

યોજનામાં રૂ. 12,031 કરોડના કુલ અંદાજિત ખર્ચે સ્થપાવાનો લક્ષ્યાંક

 

અબતક,રાજકોટ

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતો અંગેની કેન્દ્રીય મંત્રીમંડળની સમિતિએ  આશરે 10750 સર્કિટ કિલોમીટર્સ (સીકેએમ) ટ્રાન્સમિશન લાઇન્સ અને આશરે સબ સ્ટેશનોની  27500 મેગા વોલ્ટ એમ્પિયર્સ (એમવીએ) ટ્રાન્સફોર્મેશન ક્ષમતાને ઉમેરવા આંતર રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ્સ (આઇએનએસટીએસ) માટેની ગ્રીન એનર્જી કોરિડોર (જીઈસી) તબક્કો બીજા અંગેની યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના સાત રાજ્યો જેમ કે ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં અંદાજે 20 ગિગા વોટ રિન્યુએબલ એનર્જી (આરઈ) વિદ્યુત પરિયોજનાના ગ્રિડ ઇન્ટિગ્રેશન અને વીજળી ખેંચવાને સુગમ બનાવશે.

આ યોજના કુલ અંદાજિત રૂ. 12,031.33 કરોડના ખર્ચે સ્થપાવાનો લક્ષ્યાંક છે અને યોજના ખર્ચના 33 ટકા લેખે કેન્દ્રીય નાણાકીય મદદ (સીએફએ) રૂ.3970.34 કરોડ છે. નાણાકીય વર્ષ 2021-22થી 2025-26 એમ પાંચ વર્ષના ગાળામાં ટ્રાન્સમિશન સિસ્ટમ્સ સર્જવામાં આવશે. કેન્દ્રીય નાણાકીય મદદ (સીએફએ) આંતર-રાજ્ય ટ્રાન્સમિશન ચાર્જીસ ઑફસેટ કરવામાં મદદ કરશે અને એ રીતે વીજળીનો ખર્ચ નીચો જશે. આ રીતે, સરકારી મદદ છેવટે અંતિમ વપરાશકાર એટલે કે ભારતના નાગરિકોને લાભ કરશે.આ યોજનાથી 2030 સુધીમાં 450 ગિગા વોટની સ્થાપિત આરઈ ક્ષમતાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ મળશે.આ યોજના દેશની લાંબા ગાળાની ઊર્જા સલામતીમાં પણ યોગદાન આપશે અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડીને પર્યાવરણીય રીતે ટકાઉ વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. તે વિદ્યુત અને અન્ય સંબંધી ક્ષેત્રોમાં કુશળ અને અકુશળ બેઉ લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારની મોટી તકો સર્જશે.

આ યોજના જીઈસી-તબક્કો પહેલા ઉપરાંતની છે જે આંધ્ર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને તમિલનાડુ રાજ્યોમાં આશરે 24 ગિગા વોટ આરઈ પાવરને ખેંચવા અને ગ્રિડ ઇન્ટિગ્રેશન માટે અમલીકરણ હેઠળ છે જ અને 2022 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ યોજના ₹ 4056.67 કરોડની કેન્દ્રીય નાણાકીય મદદ (સીએફએ) સાથે રૂ. 10,141.68 કરોડના અંદાજિત ખર્ચના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સના 9700 સીકેએમ ટ્રાન્સમિશન લાઇન્સ અને સબ સ્ટેશનોની 22600 એમવીએ ક્ષમતા ઉમેરવા માટે છે.