- ચેમ્બર પ્રમુખ વી. પી વૈષ્ણવની પૌત્રી આર્ચીએ ઓઝોન પ્યુરિફિકેશન આધારિત પ્રદૂષિત પાણીને ચોખ્ખું કરવા બદલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચોથો ક્રમ મેળવ્યો
કહેવત છે ને કે, પાણી પહેલા પાળ બાંધવી જોઈએ,એટલે કે કોઈ મુસીબત આવે એ પહેલાં જ તેનો ઉપાય શોધી લેવામાં આવે તો મુશ્કેલી ન રહે. આ કહેવતને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવની પૌત્રી અને રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશનના ડિરેક્ટર સમીર વૈષ્ણવની દીકરી આર્ચીએ સાર્થક કરી બતાવી છે. મરીન સેકટરમાં સૌ પ્રથમ વખત એઆઈ નો ઉપયોગ કર્યો છે. અબતકની શુભેચ્છા મુલાકાતમાં રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના ડિરેક્ટર સમીર વૈષ્ણવ અને પુત્રી આર્ચીએ વધુ વિગતો આપી , ટેક્નિક-પ્રોજેકટને કતારની રાજધાની દોહામાં આયોજિત આંતરરાષ્ટ્રીય રોબોટિક્સ સ્પર્ધામાં રજૂ કરી ભારતનું પ્રતિનિધિત્વર હતું, આ સ્પર્ધામાં 24 દેશની 125 ટીમે ભાગ લીધો હતો. જેમાં આ પ્રોજેકટ 4 થા ક્રમે વિજેતા થતા આર્થીએ ભારત દેશનું ગૌરવ વધાર્યું છે.
આ પ્રોજેકટને સફળ બનાવવા શૈક્ષણિક અભ્યાસ ક્રમ ચાલુ હતો તે દરમ્યાન 3 કલાક અને જ્યારે વેકેશન પડ્યું ત્યારે રોજની 8 કલાક સીએસ સ્ટીમ લેબ માં સમય ફાળવતી હતી.દોહા ખાતે રજૂ કર્યા પહેલા રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે આ પ્રોજેકટ રજૂ કર્યો ત્યારે તેને બીજો ક્રમ મળ્યો હતો.
ત્યારબાદ આ પ્રોજેકટને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરવાનો ચાન્સ મળ્યો ત્યારે બસ મનમાં એક જ નિર્ણય કર્યો હતો કે વૈશ્વિક કક્ષાએ ભારત દેશનું ગૌરવ વધારવું જ્યારે મારો ચોથો ક્રમ જાહેર થયો અને વિદેશની ધરતી પર જ્યારે ભારત દેશનું નામ ગુંજી ઉઠ્યું ત્યારે દેશનું ગૌરવ વધાર્યું હોવાનો મનમાં ઉત્સાહ અને ઉમંગ હતો.
અલગ અલગ દેશોના 33 જ્યૂરી મેમ્બરની ટીમે અલગ અલગ પેરામીટર ચકાસી ને આ પ્રોજકેટને પસંદ કર્યો હતો. આ માટે સીએસ સ્ટીમ લેબ ઊર્મિલા રાણાવા અને સર પ્રીતેશ રાણાવાનું વિશેષ માર્ગદર્શન મળી રહ્યું છે. તેમજ મારા પરિવાર તરફથી ખૂબ જ પ્રોત્સાહન મળ્યુ છે.આ સિવાય આ સ્પર્ધામાં સીએસ સ્ટીમ લેબ ના વરાન પરસાણા અને જહાન વિરડાએ કાર્બન કેપ્ચર યુનિટ વિષયક પ્રોજેકટ રજૂ કર્યો હતો. જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી વાયુ મડળમાં રહેલા કાર્બન કેવી રીતે અસરકારક રીતે કેપ્ચર કરી શકાય એ રજ કર્યો હતો. જેને એપ્રિસીઇશન એવોર્ડ પ્રાપ્ત થયો છે અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ ભારત દેશનું ગૌરવ વધાર્યું છે.
ભવિષ્યનો વિચાર કરીને, પાણીનું સંરક્ષણ કરી પ્રદૂષિત પાણીને શુદ્ધ કરીને તેનો પુન: ઉપયોગ કરવાનો ઉદેશ્ય
11 વર્ષની આર્ચી વૈષ્ણવે જણાવ્યું કે, મોટાભાગના સેગમેન્ટમાં એઆઈ નો ઉપયોગ સામાન્ય બની ગયો છે, પરંતુ મરીન સેક્ટરમાં હજુ તેનો પૂરતો ઉપયોગ થયો નથી. આ એક ગેપ હતો જે ભરવાનો તેણે વિચાર કર્યો.: સૌરાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરો જોવા મળી રહી છે. આના કારણે પાણીની અછત અને પ્રદૂષિત પાણીનો પ્રશ્ન વધુ જટિલ બન્યો છે. ભવિષ્યનો વિચાર કરીને, પાણીનું સંરક્ષણ કરવાનો અને પ્રદૂષિત પાણીને શુદ્ધ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવાનો છે. આનાથી પર્યાવરણીય સમસ્યાઓ હળવી કરી શકાય. આ પ્રોજેક્ટ ઓઝોન પ્યુરિફિકેશન ટેકનોલોજી પર આધારિત છે. ઓઝોન એક શક્તિશાળી ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે જે પાણીમાં રહેલા પ્રદૂષકો, બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરીને તેને શુદ્ધ કરવામાં મદદ કરે છે.આ પદ્ધતિમાં રોબોટની મદદ લેવામાં આવે છે.
આ રોબોટિક સિસ્ટમ પ્રદૂષિત પાણીને ચોખ્ખું બનાવવામાં અને તેનો વપરાશ શક્ય બનાવવામાં મદદ કરશે. પ્રદૂષિત પાણીને શુદ્ધ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવાથી પર્યાવરણ પરનો બોજ ઓછો થશે અને જળ પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે.આ પ્રોજેક્ટ પર્યાવરણીય પડકારોનો સામનો કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની એક નવી દિશા છે અને પાણી સંરક્ષણ તેમજ શુદ્ધિકરણના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી શકે છે.