શું તમે પરીણામથી સંતુષ્ટ નથી? તો ફરીથી તમે પરીક્ષા આપી શકશો

સાયન્સના વિદ્યાર્થી 120 દિવસમાં પરીણામ જમા કરાવી 2023માં ફરી પરીક્ષા આપી શકશે

ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયા બાદ ઘણા વિદ્યાર્થીઓ પાસ થયા હોવા છતાં પોતાના પરીણામથી સંતુષ્ટ ન હોવાનું જાણવા મળે છે. જેથી આ વિદ્યાર્થીઓ હવે પોતાનું પરીણામ બોર્ડને જમા કરાવી 2023માં લેવાનારી બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. બોર્ડ દ્વારા પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ જો ફરી પરીક્ષા આપવા માંગતા હોય તો તેમના માટે માર્ક્સશીટ જમા કરાવી પરીક્ષામાં ઉપસ્થિત થવાનો વિકલ્પ આપવામાં આવે છે. જો કે, તેના માટે વિદ્યાર્થીએ પરીણામ જાહેર થયાના 120 દિવસમાં બોર્ડમાં પોતાની માર્ક્સશીટ જમા કરાવવાની હોય છે.

શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રીલમાં લેવામાં આવેલી ધો.12 સાયન્સની પરીક્ષાનું ગુરૂવારે પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ પૈકી 72.02 ટકા વિદ્યાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યા હતા. જો કે, પાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે જેમણે વધુ માર્ક્સની ધારણા કરી હતી પરંતુ તેમને ઓછા ગુણ મળ્યા છે. જેથી હવે આવા વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપવાની મન બનાવીને બેઠા હોવાનું જાણવા મળે છે.

બોર્ડ દ્વારા જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા હોવા છતાં પરીણામથી સંતુષ્ટ ન હોય તેમના માટે ફરી પરીક્ષામાં ઉપસ્થિત થવાની તક આપવામાં આવી છે. જેથી આ વખતના પરીણામમાં જે વિદ્યાર્થીઓ પરીણામથી સંતુષ્ટ નથી તેઓ હવે માર્ચ-2023માં લેવાનારી બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહે તે માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે, આ માટે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષની માર્ક્સશીટ બોર્ડમાં જમા કરાવવાની રહેશે. ત્યારબાદ જો વિદ્યાર્થી 2023ની પરીક્ષામાં નાપાસ થાય તો તે નાપાસ જ ગણાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું પરીણામ જાહેર કરવામાં આવ્યું તેના 120 દિવસમાં વિદ્યાર્થીઓએ બોર્ડ સમક્ષ પાસ થયેલી માર્ક્સશીટ જમા કરાવવાની હોય છે. જેથી 12 મેના રોજ પરીણામ આવ્યું હોવાથી સપ્ટેમ્બર માસના બીજા સપ્તાહ સુધીમાં વિદ્યાર્થીઓ માર્ક્સશીટ જમા કરાવી શકશે. આ વખતે બોર્ડ સમક્ષ માર્ક્સશીટ જમા કરાવી પુન: પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળશે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું. સારી મેડિકલ કે ઇજનેરી કોલેજમાં પ્રવેશ માટે પણ વિદ્યાર્થીઓ પુન: પરીક્ષા આપશે.

ધો.10માં ગણિતમાં બચી જનાર વિદ્યાર્થીઓને વિજ્ઞાન નડશે?

જીએસઇબી દ્વારા લેવામાં આવેલી ધો.10ની પરીક્ષામાં આ વખતે ગણિત વિષયમાં બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. જેના લીધે ધો.10ના પરીણામમાં ગણિતમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળશે. જો કે, તેની સામે વિજ્ઞાનમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધશે તેમ નિષ્ણાંતો માની રહ્યા છે. આમ ગણિતના લીધે નાપાસ થનારા વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું અટકશે પરંતુ જે વિદ્યાર્થી વિજ્ઞાનમાં નબળાં છે તેઓની મુશ્કેલી યથાવત રહેશે.