Abtak Media Google News

પુલવામાં જિલ્લાના રાજપોરા બસ્તીના કસ્બાયર વિસ્તારમાં સેનાના ઓપરેશનને મળી સફળતા

અબતક, નવી દિલ્હી

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. બંને તરફથી ભારે ગોળીબારમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવ્યાં છે. બુધવારે સવારે શરૂ થયેલ એન્કાઉન્ટર પુલવામા જિલ્લાના કસ્બાયર રાજપોરા વિસ્તારમાં થયું હતું. કસબાયર વિસ્તારમાં બે આતંકીઓ ફસાયા હતાં કે જેને સુરક્ષાદળોએ ઘેરી લીધા હતાં.

એક અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના રાજપોરા બસ્તીના કસ્બાયર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. તેમને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્ત ટીમે જ્યાં આતંકીઓ હાજર હતાં. ત્યાં જ આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ દરમિયાન સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. સુરક્ષાદળોના આ ઓપરેશનમાં બે આતંકીઓ ફસાયા હતાં. તેઓએ જણાવ્યું કે, સુરક્ષાદળોની સંયુક્ત ટીમએ શંકાસ્પદ સ્થળ પર શોધખોળને વધુ તીવ્ર બનાવી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આતંકવાદીઓ સતત ગોળીઓ ચલાવી રહ્યાં હતાં. જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઇ હતી. જમ્મુ-કાશ્મીરમાં સેના સતત આતંકવાદીઓને ખતમ કરવામાં લાગેલી છે. જમ્મુ અને કાશ્મીરમાં હજુ તો ગયા મહિને જ સામાન્ય લોકોની હત્યામાં સામેલ લગભગ તમામ આતંકવાદીઓ સુરક્ષા દળો દ્વારા માર્યા ગયા છે. આતંકવાદનો સામનો કરવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસ, ગુપ્તચર એજન્સીઓ અને સૈન્ય વચ્ચે વધુ સારા સંકલન માટે વધુ સૂક્ષ્મ ફ્રેમવર્ક હેઠળ આધુનિક અભિગમ મૂકવામાં આવ્યો છે. જેનો ઉદ્દેશ્ય આજુબાજુના આકસ્મિક નુકસાનને ઘટાડવાનો છે. ગયા મહિનાથી જ જમ્મુ-કાશ્મીરમાં નિર્દોષ લોકોની હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે જેનાથી પ્રદેશમાં હિંસા અને અશાંતિનો ભય ઉભો થયો હતો. ત્યાર પછી સુરક્ષા દળોએ આતંકવાદીઓને ખતમ કરવાનું શરૂ કર્યું. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં 40 નાગરિકો માર્યા ગયા અને 72 ઘાયલ થયા છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જ આ અંગે લોકસભામાં માહિતી આપી છે. એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રએ કહ્યું કે, છેલ્લાં 5 વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 348 સુરક્ષા જવાનો અને 195 નાગરિકોના મોત થયા છે. આ સાથે 2017 માં 40 નાગરિકો માર્યા ગયા હતાં. જ્યારે 2018 અને 2019માં 39-39 નાગરિકો માર્યા ગયા અને 2020 માં 37 નાગરિકો માર્યા ગયાં. વર્ષ 2017 માં 80 સુરક્ષા જવાનો શહીદ થયા જ્યારે 2018માં 91, 2019માં 80, 2020માં 62 અને 2021માં અત્યાર સુધીમાં 35 સુરક્ષા જવાનો શહીદ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.