લોકમેળામાં રાઈડની ટિકિટના અંદાજે રૂ.50થી 60 ચૂકવવા પડશે!!

પ્લોટનું ભાડું, ટ્રાન્સપોર્ટેશન, મજૂરોનો ખર્ચ અને મેઇન્ટેનન્સમાં ભાવ વધ્યા હોવાથી રાઈડની ટિકિટનો જુનો રૂપિયા 30નો ભાવ રાઈડ સંચાલકોને પોસાય તેમ નથી

હવે લોકમેળામાં રાઈડની ટિકિટના અંદાજે રૂ. 50થી 60 ચૂકવવા પડશે તેવી શકયતા સેવાઈ રહી છે. કારણકે પ્લોટનું ભાડું, ટ્રાન્સપોર્ટેશન, મજૂરોનો ખર્ચ અને મેઇન્ટેનન્સમાં ભાવ વધ્યા હોવાથી રાઈડની ટિકિટનો જુનો રૂ.30નો ભાવ રાઈડ સંચાલકોને પોસાય તેમ નથી. જેથી ટિકિટના ભાવમાં વધારાની મંજૂરી આપવા મેળા એમ્યુઝમેન્ટ એસો.એ માંગ કરી હોય આજની હરરાજી મોકૂફ રહી છે. આ અંગે મંગળવારે નિર્ણય જાહેર થવાનો છે.

રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ  લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. આ લોકમેળામાં તાંત્રિક કેટેગરીમાં ઇ કેટેગરીમાં 6 પ્લોટ, એફ કેટેગરીમાં 4 પ્લોટ, જી કેટેગરીમાં 25 પ્લોટ, એચ કેટેગરીમાં 9 પ્લોટ મળી કુલ 44 પ્લોટની આજે હરાજી રાખવામાં આવી હતી.જો કે આ હરાજી દરમિયાન એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે પ્લોટનું ભાડું, ટ્રાન્સપોર્ટેશન, મજૂરોનો ખર્ચ અને મેઇન્ટેનન્સમાં ભાવ વધ્યા હોવાથી રાઈડની ટિકિટનો જુનો રૂ.30નો ભાવ રાઈડ સંચાલકોને પોસાય તેમ નથી. છેલ્લા 5થી 7 વર્ષથી રૂ. 30નો ભાવ ચાલ્યો આવે છે. માટે આ ભાવ રૂ. 70 જેવો કરી આપવામાં આવે. આ રજુઆત પ્રત્યે તંત્રએ હકારાત્મક વલણ દાખવીને મેળા સમિતિના અધ્યક્ષ સાથે આ મામલે ચર્ચા કરીને મંગળવારે નિર્ણય લેવા કહ્યું હતું.

જેને પગલે યાંત્રીક રાઈડ માટેના પ્લોટની હરાજી આજે મોકૂફ રાખવામાં આવી હતી. આ હરાજી હવે મંગળવારે ભાવ વધારાને મંજૂરી આપવા અંગેના તંત્રના નિર્ણય જાહેર થયા બાદ જ કરવામાં આવનાર છે. બીજી બાજુ યાંત્રિક રાઈડના સંચાલકોમાં એવો ગણગણાટ ચાલી રહ્યો છે કે રૂ. 30નો ટિકિટ ભાવ તો કોઈ કાળે પોસાય તેમ નથી. જો તંત્ર ભાવ વધારાને મંજૂરી નહિ આપે અને જૂના ભાવ લાગુ રાખશે તો યાંત્રિક રાઈડ નાખવામાં નહિ આવે.વધુમાં સુત્રોમાંથી એવી માહિતી મળી રહી છે કે તંત્ર ટિકિટના ભાવમાં વધારો કરી તેને રૂ. 50થી 60 જેટલો કરી આપે તેવી પ્રબળ શકયતા છે.

રમકડાના 32 સ્ટોલની રૂપિયા 24.54 લાખમાં હરાજી ફાળવણી

રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે જિલ્લા વહિવટી તંત્ર દ્વારાલોકમેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ લોકમેળામાં ખાણીપીણી, રમકડાં, યાંત્રિક આઈટમ, વિવિધ રાઇડ્સ માટેની તૈયારી સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે સાંજે રમકડાના 32 સ્ટોલની હરરાજી કરવામાં આવી હતી. જેમાં કુલ રૂ. 24.54 લાખમાં ફાળવણી કરવામાં આવી છે. તેમ લોકમેળા અમલીકરણ સમિતિની યાદીમાં જણાવ્યું છે.