Abtak Media Google News

‘સ્વાગત’ ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં એક જ દિવસમાં  1180 રજૂઆતનું સુખદ નિવારણ લાવતા મુખ્યમંત્રી

અબતક,રાજકોટ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સામાન્યમાં સામાન્ય માનવીની રજૂઆત, ફરિયાદનું ન્યાયી અને સમયસર નિવારણ થાય તે જોવાનો જિલ્લા અધિકારીઓને અનુરોધ કર્યો છે.

આ સંદર્ભમાં  ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રજાજનોના પ્રશ્નો, સમસ્યાઓની રજૂઆતોના વાજબી નિરાકરણ માટે ટેક્નોલોજીના ઉપયોગથી શરૂ થયેલો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ હવે કોરોના સંક્રમણની સ્થિતી હળવી થતાં નિયમીત પણે યોજાય તે પણ જરૂરી છે.

રાજ્યના નાગરિકો-જનતા જનાર્દનની ફરિયાદો રજૂઆતોના ટેક્નોલોજીના માધ્યમથી સંવાદ-માર્ગદર્શન દ્વારા નિવારણનો આ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન પબ્લીક ગ્રિવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી  સ્વાગત કાર્યક્રમ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાન 2003 થી શરૂ કરાવેલો છે.

આ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રી નાગરિકોની ફરિયાદો રજૂઆતો પ્રત્યક્ષ સાંભળે છે.

તદ્દઅનુસાર, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમના સ્વાગત કક્ષમાં રજૂઆત કર્તા અરજદારોની રજૂઆત પ્રત્યક્ષ સાંભળી હતી.

મુખ્યમંત્રી સમક્ષ રાજ્ય સ્વાગતમાં 9 જેટલી રજૂઆતો આવી હતી. આ ઉપરાંત જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં રર3, ગ્રામ સ્વાગતમાં 76 અને તાલુકા સ્વાગતમાં 11પ0 મળી સમગ્રતયા 14પ8 જેટલી રજૂઆતો આ સ્વાગત કાર્યક્રમ અનુસંધાને મળી હતી. આ રજૂઆતો પૈકી 1180 રજૂઆતોનું સુચારૂ નિવારણ લાવી દેવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ રાજ્ય સ્વાગતમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયેલા જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપતાં કહ્યું કે, ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ જ પ્રશ્નો-રજૂઆતોનો ઉકેલ લાવી રાજ્ય સ્વાગતમાં કોઇ અરજદારે આવવું જ ન પડે તેવી આદર્શ સ્થિતી સ્થાનિક સ્તરે જળવાઇ રહે તે સૌની સહિયારી જવાબદારી છે.

ભૂપેન્દ્ર પટેલે સ્વાગતમાં રજુ થતા પ્રશ્નો અને રજૂઆતો સંબંધિત વિભાગો, ખાતાના વડાઓને ઓનલાઇન મોકલવામાં આવે છે તેનો ઉલ્લેખ કરતાં ઉમેર્યુ કે, આવી રજૂઆતોના નિયત સમયમાં ઉકેલ અને તે અંગેની વિગતો પણ ઓનલાઇન કરાય તેની મોનિટરીંગ વ્યવસ્થા નોડલ અધિકારીઓ અચૂક પણે ગોઠવે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્ય શાસનનું દાયિત્વ સંભાળ્યા બાદ યોજાયેલા આ પ્રથમ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ અને રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવઓ પણ સહભાગી થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.