વહીવટદાર રાજ: પદાધિકારીઓની ચેમ્બરને તાળા, નેઈમ પ્લેટ ઉતારી લેવાઈ

મહાપાલિકામાં બોર્ડની મુદત પુર્ણ: નગરસેવકો હવે ‘પૂર્વ’

મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક નેતા, વિપક્ષી નેતા અને ફાયર બ્રિગેડ ચેરમેનની ગાડીઓ પરત લેવાઇ: ભાજપ અને કોંગ્રેસ કાર્યાલય પણ બંધ કરાયા

રાજકોટ મહાનગર પાલિકામાં વર્ષ ૨૦૫માં ચૂંટાયેલા ૧૮ વોર્ડના ૭૨ કોર્પોરેટરોની મુદત ગઈકાલે સાંજે સત્તાવાર રીતે પૂર્ણ થતાની સાથે આજથી વહીવટદાર શાસન આવી ગયું છે. રાજ્ય સરકાર દ્વારા મહાપાલિકામાં વહીવટદાર તરીકે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવી હોય આજથી રાજકોટ મહાનગરપાલિકામાં ઉદિત અગ્રવાલ જ સર્વેસર્વા બની ગયા છે. આજે સવારે પદાધિકારીઓની ચેમ્બરોને, ભાજપ અને કોંગ્રેસના કાર્યાલયને તાળા મારી દેવામાં આવ્યા હતા.પદાધિકારીઓની ચેમ્બરોની બહારથી નેઈમ પ્લેટ પણ હટાવી દેવામાં આવી છે.મેયર સહિતના છ વ પદાધિકારીઓને ફાળવવામાં આવેલી સરકારી ગાડી પણ પરત ખેંચી લેવામાં આવી છે. બીજી તરફ લોકોને આવક સહિતના દાખલા મેળવવા માટે મુશ્કેલી ન પડે તે માટે  વોર્ડ કે જોન ઓફીસે વ્યવસ્થા ઉભી કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષ-૨૦૧૫ યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ ૧૪મી ડિસેમ્બર ૨૦૧૫ના રોજ પ્રથમ બોર્ડ મળ્યું હતું. જેથી પાંચ વર્ષની મુદત ૧૩ ડિસેમ્બર અર્થાત ગઈકાલે સાંજે પૂર્ણ થઈ જવા પામી હતી. રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્રણ મહિના પછી ફેલાવવામાં આવી છે. મહાપાલિકા,જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકામાં  સરકાર દ્વારા વહીવટદારોની નિમણૂક કરવાં આવી છે. મહાપાલિકામાં મ્યુનિ. કમિશનર,જિલ્લા પંચાયતમાં ડીડીઓ, નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરની જ વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકામાં આજથી સત્તાવાર રીતે છઠ્ઠી વખત વહીવટદાર શાસન અમલમાં આવી ગયું છે. મુદત પૂર્ણ થતાની સાથે જ તમામ કોર્પોરેટર આજથી પૂર્વ બની ગયા છે આજે સવારે મેયર,ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષ ભાજપ કાર્યાલય અને વિરોધ પક્ષ કોંગ્રેસ કાર્યાલયની ચેમ્બરોને તાળા લગાવી દેવામાં આવ્યા હતા.  ચેમ્બરની બહાર લટકતી પદાધિકારીઓના નામની તકતીઓ પણ હટાવી દેવામાં આવી હતી. હોદ્દાની રૂએ મહાપાલિકા દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, વિરોધ પક્ષના નેતા ઉપરાંત ફાયર બ્રિગેડ ચેરમેનને સરકારી ગાડીની ફાળવણી કરવામાં આવે છે. આજે સવારે આ તમામ પદાધિકારીઓ પાસેથી સરકારી ગાડી પણ પરત લઇ લેવામાં આવી હતી અને ગાડીની આગળ પાછળ મારેલી  નેઈમ પ્લેટને પણ હટાવી દેવામાં આવી હતી.

આજથી  કોર્પોરેશનમાં વહીવટદાર શાસન આવી ગયું છે. કોર્પોરેટરો હવે પૂર્વ બની ગયા છે અને તેમની પાસે આવકના દાખલા, મરણના દાખલા આપવાની સત્તા રહી નથી. હજી મહાપાલિકાની ચૂંટણીની તારીખનું એલાન થયું નથી. હજી ત્રણેક મહિના સુધી વહીવટદાર શાસન રહે તેવું લાગી રહ્યું છે. વહીવટદારને કોઈ નીતિ વિષયક નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી આવી નથી. બીજી તરફ કોર્પોરેટરો ૬૦ વર્ષથી ઉપર કે તેથી વધુની વયના વ્યક્તિનું ઘરે જ નિધન થાય તો મરણ દાખલા પણ આપી શકતા હતા અને અલગ અલગ જગ્યાએ જ્યાં આવકના દાખલાની આવશ્યકતા રહે ત્યાં પણ નગરસેવકો ના દાખલા ચાલતા હતા પરંતુ હવે બોડીની મુદત પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે આવી સત્તા હવે કોઈ પાસે રહી નથી. આવામાં લોકોને હાલાકી ન પડે તે માટે આવકના અને મરણના દાખલા આપવા માટેની વ્યવસ્થા ઝોન કે વોર્ડ ઓફિસેથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માટેની માગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.બીજી તરફ તંત્ર પણ આવી. વિચારણા કરી રહ્યું છે આ પૂર્વે રાજકોટમાં અલગ-અલગ સમયે પાંચ વાર વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું હતું આજે છઠ્ઠી વખત વહીવટદાર શાસન આવ્યું છે. લોકોને રોજબરોજના કામમાં મુશ્કેલી ના પડે તે માટે જોવાની જવાબદારી પણ હવે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના શિરે આવી ગઈ છે. જો કે તેઓ કોઈ નીતિ વિષયક નિર્ણય નહીં લઈ શકે પરંતુ પરંતુ છેલ્લા દોઢ વર્ષથી મહાપાલિકાનો વહીવટ ચલાવવાનો  અનુભવ છે. ઉદિત અગ્રવાલ સામે હાલ ત્રણ પડકાર છે.એક તો મૂળભૂત કમિશનર તરીકેની કામગીરી કરવી, આ ઉપરાંત વહીવટદાર તરીકેની જવાબદારી નિભાવી અને કોરોના સંક્રમણમાં સપડાયેલા રાજકોટને ઝડપથી કોરોના મુક્ત કરવુ. આ ત્રણેય જવાબદારીમાં ઉદિત અગ્રવાલ સુપેરે પાર ઊતરે તેવી આશા અપેક્ષાઓ શહેરીજનો રાખી રહ્યા છે.